Global Trade: વિશ્વ વેપાર સંગઠન (WTO)એ 2025 માટે વૈશ્વિક માલ વેપાર ગ્રોથનો અંદાજ ઓગસ્ટના 0.9%થી સુધારીને 2.4% કર્યો છે. આ સુધારો 2025ના પ્રથમ છ મહિનામાં અપેક્ષા કરતાં વધુ સારા પ્રદર્શનને કારણે થયો છે. WTOના તાજેતરના ગ્લોબલ ટ્રેડ આઉટલુક અને સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ અનુસાર, વર્ષના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક માલ વેપારમાં 4.9%ની ગ્રોથ નોંધાઈ, જ્યારે યુએસ ડોલરમાં વેપારનું મૂલ્ય 6% વધ્યું.
2024માં વેપારમાં 2%ની ગ્રોથ બાદ 2025ની શરૂઆતમાં આયાત અને નિકાસમાં ઉછાળો જોવા મળ્યો. ખાસ કરીને, એઆઈ-સંબંધિત ઉત્પાદનો જેવા કે સેમિકન્ડક્ટર, કમ્પ્યુટર અને મેન્યુફેક્ચરિંગ સાધનોની માંગમાં ઝડપી વધારો થયો, જેનો વૈશ્વિક વેપાર ગ્રોથમાં 42% હિસ્સો રહ્યો. આ માલનો કુલ વેપારમાં હિસ્સો 15% હોવા છતાં તેનું યોગદાન નોંધપાત્ર રહ્યું.
જોકે, એપ્રિલમાં WTOએ 2025 માટે વેપારમાં 0.2% ઘટાડાની આગાહી કરી હતી, જે યુએસમાં ટેરિફ યુદ્ધના સંકેતોને કારણે હતી. આગામી વર્ષ 2026 માટે ગ્રોથનો અંદાજ 2.5%થી ઘટાડીને 0.5% કરવામાં આવ્યો છે, જે ટેરિફની અસર અને ઇન્વેન્ટરીના સંચયને દર્શાવે છે. યુએસમાં ઇન્વેન્ટરીનું મૂલ્ય રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉત્તર અમેરિકાની આયાત 13.2% વધી, જે મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ અને સોનાની માંગને કારણે હતી.