Adani Ports Q1 Results: નફામાં 10%નો જંગી ઉછાળો, 3650 કરોડની કમાણી સાથે અદાણીએ રજૂ કર્યો 2030નો મેગા પ્લાન
Adani Portsના બમ્પર ક્વાર્ટર 1ના પરિણામો જાહેર. જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીનો નફો 10% વધીને 3650 કરોડ પર પહોંચ્યો. સાથે જ 2030 સુધીનો અત્યાર સુધીનો સૌથી મોટો બિઝનેસ પ્લાન રજૂ કર્યો છે. જાણો લેટેસ્ટ અપડેટ.
કંપનીના ઇન્ટરનેશનલ પોર્ટ બિઝનેસના આંકડા પણ ઐતિહાસિક રહ્યા છે. વિદેશી બિઝનેસની આવક 80% ઉછળીને 1,747 કરોડ થઈ ગઈ છે. EBITDAમાં 256% નો તોતિંગ ઉછાળો આવ્યો છે અને તે 730 કરોડ થયો છે.
Adani Ports Q1 Results: શેરબજારના રોકાણકારો માટે અદાણી ગ્રુપ તરફથી મોટા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રુપની દિગ્ગજ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનએ ચાલુ નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન 2026) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના સ્થાનિક અને વિદેશી બિઝનેસમાં જોરદાર તેજી જોવા મળી છે, જેના કારણે કંપનીના નફા અને આવકમાં મોટો ઉછાળો આવ્યો છે.
જોકે, આ શાનદાર પરિણામો છતાં શેરમાં આજે થોડું દબાણ જોવા મળ્યું હતું. હાલમાં BSE પર અદાણી પોર્ટ્સનો શેર 3.59%ના ઘટાડા સાથે 1713.35 પર ટ્રેડ કરી રહ્યો છે. ચાલો જાણીએ કંપનીના પરિણામની મહત્વની વાતો.
Q1 રિઝલ્ટની મુખ્ય હાઇલાઇટ્સ
ચોખ્ખો નફો: જૂન 2026 ના ક્વાર્ટરમાં કંપનીનો નફો 10% ઉછળીને 3650 કરોડ પર પહોંચી ગયો છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 3311 કરોડ હતો.
કુલ આવક: ઓપરેશન્સમાંથી થતી આવકમાં 19% નો વધારો થયો છે અને તે 10,821 કરોડ પર પહોંચી છે.
ઓપરેટિંગ નફો : આ આંકડો પણ 19% વધીને 6,541 કરોડ રહ્યો છે. કંપનીનું માર્જિન 60.2% થી સુધરીને 60.4% થઈ ગયું છે.
સ્થાનિક પોર્ટ બિઝનેસમાં દબદબો કાયમ
અદાણી પોર્ટ્સ માટે ભારતમાં તેનો બિઝનેસ સૌથી મોટો ટેકો રહ્યો છે. સ્થાનિક પોર્ટ બિઝનેસમાંથી આવક વાર્ષિક ધોરણે 12% વધી છે. જૂન ક્વાર્ટરમાં ભારતીય બંદરો પર કંપનીએ 115.3 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો સંભાળ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ડોમેસ્ટિક પોર્ટ બિઝનેસનું EBITDA માર્જિન 74% રહ્યું છે, જેને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ શાનદાર માનવામાં આવે છે.
કુલ કાર્ગો માર્કેટમાં અદાણી પોર્ટ્સનો હિસ્સો 27.6% અને કન્ટેનર કાર્ગો માર્કેટમાં 44.8% જેટલો જંગી છે.
2030 માટે કંપનીનો સૌથી મોટો માસ્ટર પ્લાન
અદાણી પોર્ટ્સે ભવિષ્ય માટે અત્યાર સુધીના સૌથી મોટા પોર્ટ કેપેસિટી એક્સપાન્શન પ્રોગ્રામની જાહેરાત કરી છે. જૂન 2026 સુધીમાં કંપનીની ક્ષમતા 653 MMT હતી, પરંતુ કંપનીએ ટાર્ગેટ રાખ્યો છે કે ડિસેમ્બર 2030 સુધીમાં આ ક્ષમતા વધારીને 1,000 MMT સુધી પહોંચાડવામાં આવશે.
વિદેશી બિઝનેસમાં તોડ્યા તમામ રેકોર્ડ
કંપનીના ઇન્ટરનેશનલ પોર્ટ બિઝનેસના આંકડા પણ ઐતિહાસિક રહ્યા છે. વિદેશી બિઝનેસની આવક 80% ઉછળીને 1,747 કરોડ થઈ ગઈ છે. EBITDAમાં 256% નો તોતિંગ ઉછાળો આવ્યો છે અને તે 730 કરોડ થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 22.8 MMT કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો છે (જે ગયા વર્ષે માત્ર 7.7 MMT હતો). જેમાં ઓસ્ટ્રેલિયા (10 MMT), કોલંબો-શ્રીલંકા (6.9 MMT), તાન્ઝાનિયા (3.7 MMT) અને ઇઝરાયલ (2.2 MMT) નો મોટો ફાળો છે. કોલંબોમાં આવક 5 ગણી વધી છે.
મરીન અને લોજિસ્ટિક્સ બિઝનેસની સ્થિતિ
મરીન બિઝનેસની કમાણી 67% વધીને 901 કરોડ થઈ છે. અદાણી ગ્રુપે યુરોપમાં પોતાની કામગીરી મજબૂત કરવા માટે 'ઓશનિયરિંગ ઇન્ટરનેશનલ' સાથે ભાગીદારી કરી છે અને આર્જેન્ટિનાથી ભારત સુધીના પ્રથમ LNG એક્સપોર્ટ માટે 10 વર્ષનો મોટો કોન્ટ્રાક્ટ પણ મેળવ્યો છે.
જોકે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને સંકટની અસર લોજિસ્ટિક્સ બિઝનેસ પર થોડી પડી છે, જેના લીધે રેલ કન્ટેનર વોલ્યુમ પ્રભાવિત થયું છે. તેમ છતાં, ટ્રકિંગ બિઝનેસની આવકમાં 26% નો વધારો જોવા મળ્યો છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.