Asian Market today: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં સતત વધી રહેલા ટેન્શન અને ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સીધી અસર આજે ગ્લોબલ શેરબજાર પર જોવા મળી રહી છે. બુધવાર, 8 જુલાઈના રોજ એશિયન માર્કેટ ભારે ઘટાડા સાથે નેગેટિવ ઝોનમાં ખુલ્યા હતા. દુનિયાભરના ઈન્વેસ્ટર્સમાં ડરનો માહોલ છે, જેના કારણે બજારમાં ભારે વેચવાલી (Sell-off) જોવા મળી રહી છે.
એશિયન બજારોની આજની સ્થિતિ:
જાપાન: જાપાનનો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ ‘નિકેઈ 225' (Nikkei 225) 0.55% તૂટ્યો છે, જ્યારે બ્રોડર ટોપિક્સ ઈન્ડેક્સમાં 0.7% નો ઘટાડો નોંધાયો છે.
સાઉથ કોરિયા: સાઉથ કોરિયાના માર્કેટમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું છે. કોસ્પી (Kospi) ઈન્ડેક્સ શરૂઆતમાં 0.72% ઘટ્યો હતો, પરંતુ ટેક શેરોના ધોવાણને કારણે તે 4.3% જેટલો નીચે આવી ગયો હતો. સ્મોલ-કેપ કોસ્ડેક (Kosdaq) 1.94% તૂટ્યો છે.
ઓસ્ટ્રેલિયા: ઓસ્ટ્રેલિયાનો બેન્ચમાર્ક S&P/ASX 200 શરૂઆતના ટ્રેડિંગમાં જ 1.36% ગગડી ગયો હતો.
ટેક્નોલોજી શેરોમાં ભારે ધોવાણ: સેમસંગ અને SK Hynix ના હાલ બેહાલ
આખા એશિયન માર્કેટમાં આજે ટેક્નોલોજી અને ચિપ બનાવતી કંપનીઓના શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું છે. સૌથી ચોંકાવનારી વાત સાઉથ કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ (Samsung Electronics) માં જોવા મળી. કંપનીએ એના ક્વાર્ટરલી પ્રોફિટ (ત્રિમાસિક નફા) માં 19 ગણો અધધ વધારો નોંધાવ્યો હોવા છતાં, તેનો શેર 6% થી વધુ તૂટ્યો હતો. AI ડેટા સેન્ટર્સમાં વપરાતી મેમરી ચિપ્સની ભારે ડિમાન્ડ હોવા છતાં બજારનું સેન્ટિમેન્ટ ખરાબ હોવાથી શેરમાં કડાકો બોલાયો છે.
આ ઉપરાંત, ચિપ બનાવતી અન્ય એક મોટી કંપની SK Hynix ના શેરમાં પણ 4.2% નો ઘટાડો નોંધાયો છે. કંપનીએ અમેરિકામાં પોતાની લિસ્ટિંગ માટે માર્કેટિંગ પ્રોસેસ શરૂ કરી છે, છતાં ઈન્વેસ્ટર્સ વેચવાલી કરી રહ્યા છે.
ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા અને કરન્સી માર્કેટની સ્થિતિ
હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં એક ઓઈલ ટેન્કર ટકરાયાના સમાચાર આવતા જ ક્રૂડ ઓઈલ માર્કેટમાં હલચલ મચી ગઈ છે. આ સ્ટ્રેટેજિક જળમાર્ગમાં શિપિંગના જોખમો વધતા બ્રેન્ટ ક્રૂડ 0.4% ઉછળીને $72.25 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
બીજી બાજુ, કરન્સી માર્કેટમાં જાપાની યેન (Yen) અમેરિકન ડોલર સામે નબળો પડીને 162.15 ના સ્તર પર આવી ગયો છે. ડેટા દર્શાવે છે કે 2007 પછી પહેલીવાર હેજ ફંડ્સ (Hedge Funds) આ કરન્સી પર આટલા બધા નેગેટિવ થયા છે.
અમેરિકન શેરબજાર (US Market) ની શું છે સ્થિતિ?
અમેરિકન માર્કેટમાં પણ સ્થિતિ કંઈ સારી નથી. મિડલ ઈસ્ટનું ટેન્શન અને તેલના વધતા ભાવને કારણે ઈન્વેસ્ટર્સ સાવચેતી રાખી રહ્યા છે. ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસી મિટિંગની મિનિટ્સ પર સૌની નજર છે.
S&P 500: 0.45% ઘટીને 7,503.85 પોઈન્ટ્સ પર બંધ થયો.
Nasdaq (નેસ્ડેક): ટેક શેરોના ઘટાડાને કારણે 1.16% તૂટીને 25,818.69 પોઈન્ટ્સ પર બંધ રહ્યો.
Dow Jones (ડાઉ જોન્સ): શરૂઆતમાં રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ 0.25% ઘટીને 52,925.15 પોઈન્ટ્સ પર લાલ નિશાનમાં બંધ થયો.
એશિયન માર્કેટના શરૂઆતના કલાકોમાં US ઈક્વિટી ફ્યુચર્સ પણ દબાણ હેઠળ ટ્રેડ કરી રહ્યા હતા. નેસ્ડેક 100 ફ્યુચર્સ 0.4% ઘટ્યા હતા, જે દર્શાવે છે કે વોલ સ્ટ્રીટની તેજી લાંબો સમય ટકી શકે તેમ નથી.
હાલમાં દુનિયાભરના ઈન્વેસ્ટર્સ એ વાતને લઈને ચિંતિત છે કે શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના કારણે આવેલી બજારની તેજી આગળ જળવાઈ રહેશે કે કેમ. વધતો ખર્ચ, માર્કેટનું કોમ્પિટિશન અને જિયોપોલિટિકલ ટેન્શન (US-ઈરાન) જોતાં આવનારા દિવસોમાં શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. બજારમાં રોકાણકારોએ હાલ સાવચેતીપૂર્વક આગળ વધવાની જરૂર છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.