એશિયન બજારોમાં હાહાકાર: દક્ષિણ કોરિયાનું શેરબજાર 8% ક્રેશ, ટ્રેડિંગ રોકવું પડ્યું, જાપાન-ચીન ગગડ્યા, પણ ભારતમાં IT શેરોની ઉડાન
ગ્લોબલ માર્કેટમાં મોટો ભૂકંપ! દક્ષિણ કોરિયાનું શેરબજાર 8% ક્રેશ થતા 20 મિનિટ ટ્રેડિંગ રોકવું પડ્યું. જાપાન-ચીનમાં પણ મોટો ઘટાડો. જોકે, ભારત અને તેના IT શેરોમાં શાનદાર તેજી.
દક્ષિણ કોરિયાના શેરબજારનો મુખ્ય સૂચકાંક કોસ્પી ઇન્ટ્રા-ડેમાં સીધો 8 ટકા ક્રેશ થઈ ગયો હતો. આ કડાકો એટલો ભયંકર હતો કે માર્કેટમાં પેનિક રોકવા માટે 20 મિનિટ સુધી ટ્રેડિંગ અટકાવી દેવું પડ્યું હતું.
South Korea market crash: વિશ્વભરના રોકાણકારો માટે આજે એશિયન બજારોમાંથી અત્યંત ખરાબ સમાચાર આવ્યા છે. 2 જુલાઈના રોજ દક્ષિણ કોરિયાના શેરબજારમાં એવો ઐતિહાસિક કડાકો બોલ્યો કે માર્કેટમાં થોડા સમય માટે કામકાજ જ રોકી દેવું પડ્યું. ચીન અને જાપાનના બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. જોકે, ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલા આ હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારમાં ઉલટી ગંગા વહી રહી છે, જ્યાં IT કંપનીઓના શેરોએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
દક્ષિણ કોરિયાનું બજાર 8% તૂટ્યું, 20 મિનિટ ટ્રેડિંગ બંધ
દક્ષિણ કોરિયાના શેરબજારનો મુખ્ય સૂચકાંક કોસ્પી ઇન્ટ્રા-ડેમાં સીધો 8 ટકા ક્રેશ થઈ ગયો હતો. આ કડાકો એટલો ભયંકર હતો કે માર્કેટમાં પેનિક રોકવા માટે 20 મિનિટ સુધી ટ્રેડિંગ અટકાવી દેવું પડ્યું હતું. જોકે, 20 મિનિટ બાદ જ્યારે ટ્રેડિંગ ફરી શરૂ થયું, ત્યારે પણ વેચવાલીનું દબાણ ચાલુ જ રહ્યું. દિવસના અંતે કોસ્પી 7.89 ટકાના તોતિંગ ઘટાડા સાથે 7,648 ના સ્તર પર બંધ થયો. નોંધનીય છે કે બજારમાં આ મોટા ઘટાડાનો આ સતત બીજો દિવસ છે.
સેમસંગ અને SK Hynix ના શેરોએ બજાર ડુબાડ્યું
કોરિયન માર્કેટના આ ઐતિહાસિક કડાકા પાછળ ચિપબનાવતી કંપનીઓ મુખ્ય જવાબદાર છે.
SK Hynix: આ શેર 14.57 ટકા તૂટીને બંધ થયો. માત્ર એક જ સપ્તાહમાં આ શેરમાં 23 ટકાથી વધુનું ગાબડું પડ્યું છે.
Samsung Electronics: સેમસંગનો શેર 2 જુલાઈએ 9.06 ટકા ગગડ્યો. છેલ્લા એક સપ્તાહમાં આ શેર 19.21 ટકા તૂટી ચૂક્યો છે. કોસ્પી ઈન્ડેક્સમાં આ બંને કંપનીઓનું વજન (વેઈટેજ) અડધા કરતા પણ વધુ છે, તેથી આ શેરો તૂટતા આખું બજાર ક્રેશ થઈ ગયું.
અમેરિકન બજારની ખરાબ અસર
એશિયન બજારોમાં આવેલા આ ભૂકંપના તાર અમેરિકા સાથે જોડાયેલા છે. 1 જુલાઈએ અમેરિકન માર્કેટમાં ટેક્નોલોજી કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો આવ્યો હતો. નાસ્ડેક 0.66 ટકા ઘટીને બંધ થયો હતો. તેમાં પણ ખાસ કરીને માઈક્રોન ટેકનોલોજી અને સેનડિસ્કના શેરો 10 ટકાથી વધુ તૂટ્યા હતા. આ જ કારણસર એશિયાની ચિપ કંપનીઓમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું.
કોરિયન બજારનો આ વર્ષનો ગ્રોથ
નોંધનીય છે કે, અત્યાર સુધી આ વર્ષે દક્ષિણ કોરિયાના બજારોએ રોકાણકારોને સૌથી વધુ વળતર આપ્યું હતું. કોસ્પી આ વર્ષે 77 ટકા ચડ્યો હતો. સેમસંગનો શેર આ વર્ષે 122 ટકા (છેલ્લા એક વર્ષમાં 370 ટકાથી વધુ) અને SK Hynix નો શેર 223 ટકા (છેલ્લા એક વર્ષમાં 683 ટકા) ઉછળ્યો હતો. પરંતુ હવે આ જ શેરો બજારને નીચે ખેંચી રહ્યા છે.
જાપાન અને ચીનના બજારો પણ લાલ નિશાનમાં
આ વૈશ્વિક ઘટાડાની અસર એશિયાના અન્ય બજારો પર પણ જોવા મળી.જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.95 ટકા ગગડ્યો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 2 ટકાથી વધુ તૂટીને બંધ થયો.ચીનની સૌથી મોટી ચિપ કંપની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ (SMIC) નો શેર ઇન્ટ્રા-ડેમાં 11 ટકા ક્રેશ થયા બાદ છેલ્લે 10 ટકા ઘટીને બંધ રહ્યો. અન્ય ચિપ કંપની હુઆ હોંગ ગ્રેસનો શેર પણ 9.86 ટકા તૂટ્યો.
ભારતીય IT કંપનીઓના શેરોમાં બમ્પર ઉછાળો
એક તરફ જ્યાં એશિયાની ટેક કંપનીઓમાં કડાકો બોલી રહ્યો છે, ત્યારે ભારતનું ચિત્ર સાવ અલગ છે. ગુરુવારે ભારતીય બજારમાં IT શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી.નિફ્ટી IT ઈન્ડેક્સ સીધો 4.47 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.
ઇન્ફોસિસના શેરમાં 5.44 ટકાની શાનદાર તેજી જોવા મળી. કોફોર્જ 5.36 ટકા અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ 4.98 ટકા ઉછળ્યા. HCL ટેક 4.18 ટકા, જ્યારે TCS નો શેર 4 ટકા ઉપર ચાલી રહ્યો હતો. વિપ્રોમાં પણ 2.2 ટકાનો વધારો નોંધાયો હતો.