Asian Market Today: એશિયન માર્કેટમાં જબરદસ્ત તેજી, માઇક્રોનના શાનદાર પરિણામોથી કોસ્પી 5% ઉછળ્યો, નિક્કેઈ પણ દોડ્યો
અમેરિકન ચિપમેકર માઇક્રોનના શાનદાર રિઝલ્ટ બાદ એશિયન બજારોમાં ભારે તેજી જોવા મળી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 5% વધ્યો છે. ગિફ્ટ નિફ્ટી પણ ભારતીય બજાર માટે પોઝિટિવ ઓપનિંગનો મજબૂત સંકેત આપી રહ્યો છે.
ક્રિપ્ટો માર્કેટમાં મોટો ભૂકંપ આવ્યો છે. બિટકોઈન 60,000 ડોલરની નીચે સરકી ગયો છે અને તે 5.4% તૂટીને 59,023 ડોલર પર આવી ગયો છે.
Asian Market Today: આજે ગ્લોબલ માર્કેટમાંથી રોકાણકારો માટે ઘણા સારા સમાચાર આવી રહ્યા છે. અમેરિકન ચિપમેકર કંપની માઇક્રોન ટેકનોલોજીના શાનદાર ત્રિમાસિક પરિણામો બાદ ગુરુવારે એશિયન શેરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ અને જીઓ-પોલિટિકલ સ્થિતિમાં આવતા સુધારાની સીધી પોઝિટિવ અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર પડી રહી છે.
એશિયન બજારોમાં તેજીનો માહોલ
એશિયાના મુખ્ય માર્કેટ્સમાં આજે ખરીદીનો જોરદાર ટ્રેન્ડ છે. માઇક્રોનના રિઝલ્ટની સૌથી મોટી અસર દક્ષિણ કોરિયાના બજાર પર જોવા મળી છે. ત્યાંનો કોસ્પી ઇન્ડેક્સ 5% થી વધુ ઉછળી ગયો છે, જ્યારે કોસડેક 1.32% વધ્યો છે.જાપાનના બજારો પણ પાછળ નથી. નિક્કેઈ 225 ઇન્ડેક્સ 1.28% ની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યો છે અને ટોપિક્સમાં 0.76% નો વધારો નોંધાયો છે. જોકે હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સે થોડી નબળી શરૂઆતનો સંકેત આપ્યો છે.
ભારતીય માર્કેટ માટે સંકેત આપતો ગિફ્ટ નિફ્ટી 24,114 ના લેવલ આસપાસ કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સના અગાઉના ક્લોઝિંગ કરતા આ 62 પોઈન્ટ્સનું પ્રીમિયમ છે. આ આંકડો ભારતીય શેરબજારમાં સારી અને પોઝિટિવ શરૂઆત માટે પૂરતો છે.
વોલ સ્ટ્રીટમાં મિશ્ર કારોબાર
અમેરિકન શેરબજારમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મેગાકેપ ટેક શેરોમાં વેચવાલીના કારણે નેસ્ડેક અને S&P 500 ઘટાડા સાથે બંધ થયા હતા.
ડાઉ જોન્સ: 182.06 પોઈન્ટ્સ અથવા 0.35% વધીને 51,848.90 ના લેવલ પર પહોંચી ગયો.
S&P 500: સામાન્ય ઘટાડા સાથે 7.24 પોઈન્ટ્સ અથવા 0.10% તૂટીને 7,358.22 પર બંધ થયો.
નેસ્ડેક: 110.40 પોઈન્ટ્સ અથવા 0.43% ઘટીને 25,476.64 પર રહ્યો.
મોટી ટેક કંપનીઓના શેરમાં નબળાઈ જોવા મળી હતી. માઈક્રોસોફ્ટ 2.27%, ટેસ્લા 1.61%, સ્પેસએક્સ 1.13%, એનવિડિયા 0.54% અને એપલ 0.38% ના ઘટાડા સાથે બંધ થયા હતા.
માઇક્રોનના પરિણામોએ બજાર પલટ્યું
માઇક્રોન ટેકનોલોજીની Q3 ની કમાણીએ વોલ સ્ટ્રીટના તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે. કંપનીએ 41.46 બિલિયન ડોલરની રેવેન્યુ નોંધાવી છે. જ્યારે બજારનો અંદાજ માત્ર 35.85 બિલિયન ડોલરનો હતો. કંપનીનો એડજસ્ટેડ નફો પણ 25.11 ડોલર પ્રતિ શેર રહ્યો છે.
આ શાનદાર આંકડાઓ બહાર આવતા જ આફ્ટર-અવર્સ ટ્રેડિંગમાં માઇક્રોનના શેરમાં 15% નો તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીને આગામી ક્વાર્ટરમાં 31 ડોલર પ્રતિ શેર કમાણીની આશા છે અને તેમનો કેપિટલ ખર્ચ 10 બિલિયન ડોલર રહેવાનો અંદાજ છે.
ક્રૂડ ઓઇલ અને જીઓ-પોલિટિકલ અપડેટ
અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક શાંતિ કરારની વાતો વહેતી થતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફસાયેલા ઓઇલ ટેન્કરો બહાર નીકળવા લાગ્યા છે. સપ્લાયની ચિંતા હળવી થતા કાચું તેલ ચાર મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડ 0.54% ઘટીને 73.34 ડોલર અને WTI 0.38% ઘટીને 70.07 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ મોટી હિલચાલ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંધ બારણે યોજાયેલી મિટિંગમાં રિપબ્લિકન નેતાઓને ઈરાન યુદ્ધ રોકવા માટે વોટિંગ કરવાની મંજૂરી બાબતે ફટકાર લગાવી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયે સ્વિટ્ઝરલેન્ડમાં ઈરાન સાથે વાતચીત થવાની છે.
બિટકોઈન અને સોનામાં કડાકો
ક્રિપ્ટો માર્કેટમાં મોટો ભૂકંપ આવ્યો છે. બિટકોઈન 60,000 ડોલરની નીચે સરકી ગયો છે અને તે 5.4% તૂટીને 59,023 ડોલર પર આવી ગયો છે. ઓક્ટોબર 2024 પછીનું આ સૌથી નીચું સ્તર છે. છેલ્લા 24 કલાકમાં જ લગભગ 800 મિલિયન ડોલરની ક્રિપ્ટો પોઝિશન લિક્વિડેટ થઈ છે. શુક્રવારે 10 બિલિયન ડોલરની બિટકોઈન ઓપ્શન્સ એક્સપાયરી આવવાની હોવાથી આ ઘટાડો જોવા મળ્યો છે.
ડોલર ઇન્ડેક્સ મજબૂત બનીને 13 મહિનાની ટોચ 101.8 પર પહોંચી ગયા બાદ હાલ 101.6 આસપાસ સ્થિર છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતાઓને પગલે સોના પર દબાણ આવ્યું છે. સ્પોટ ગોલ્ડ 0.4% ઘટીને 3,985.89 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 0.2% તૂટીને 57.33 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.