Auto Stocks: ફેબ્રુઆરીમાં વાહનોનું વેચાણ ટોપ ગિયરમાં! આ શેરોમાં જોવા મળી તગડી તેજી, જાણો વિગતવાર રિપોર્ટ
ફેબ્રુઆરી મહિનામાં વાહનોના રજિસ્ટ્રેશનમાં જોરદાર ઉછાળો આવતા ઓટો શેરોમાં તેજી જોવા મળી છે. Hero MotoCorp, Tata Motors અને Bajaj Auto જેવા શેરો દોડ્યા છે. જાણો વેચાણના આંકડા અને માર્કેટનો હાલ.
એવું માનવામાં આવી રહ્યું છે કે વાહનોના વેચાણની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો વર્ષ 2022 પછીનો સૌથી શ્રેષ્ઠ મહિનો સાબિત થઈ શકે છે.
Auto Stocks: શેરબજારમાં ઓટો સેક્ટરના શેરો અત્યારે ફૂલ સ્પીડમાં દોડી રહ્યા છે. 1 માર્ચના રોજ ઓટો કંપનીઓના વેચાણના સત્તાવાર આંકડા આવવાના છે, તે પહેલાં જ ઓટો શેરોમાં જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. ફેબ્રુઆરી મહિનાના રજિસ્ટ્રેશન ડેટા દર્શાવે છે કે વાહનોની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે.
આ સંકેતોને કારણે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ લગભગ 2 ટકાના વધારા સાથે બંધ થયો છે. ખાસ કરીને ટુ-વ્હીલર સેગમેન્ટમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. Hero MotoCorp નો શેર વાયદા બજારમાં ટોપ ગેઈનર રહ્યો છે અને તેમાં 4 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત બજાજ ઓટો, TVS મોટર અને યુનો મિન્ડાના શેરોમાં પણ 2 ટકાથી વધુની તેજી નોંધાઈ છે.
ફેબ્રુઆરી બની શકે છે વેચાણ માટે સૌથી શ્રેષ્ઠ મહિનો
ફેબ્રુઆરી મહિનાના ઓટો રજિસ્ટ્રેશનના આંકડા ખૂબ જ મજબૂત માંગના સંકેત આપી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વાહનોના વેચાણની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો વર્ષ 2022 પછીનો સૌથી શ્રેષ્ઠ મહિનો સાબિત થઈ શકે છે. મોટાભાગની કંપનીઓના રજિસ્ટ્રેશન આંકડા ગયા વર્ષની સરખામણીએ ઘણા સારા રહ્યા છે. આ ડેટા પરથી અંદાજ લગાવી શકાય છે કે તમામ સેગમેન્ટની ડિમાન્ડમાં 20 ટકા કે તેથી વધુ ગ્રોથ જોવા મળી શકે છે.
વાહનોના રજિસ્ટ્રેશનમાં મોટો ઉછાળો
જો આપણે 1 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધીના આંકડા જોઈએ તો: કુલ 20 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે, જે વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો દર્શાવે છે.
ટુ-વ્હીલર: 14.21 લાખ વાહનો રજિસ્ટર થયા, જેમાં 22 ટકાનો ગ્રોથ છે.
પેસેન્જર વ્હીકલ (PV): રજિસ્ટ્રેશન 20 ટકા વધીને 3.90 લાખ પર પહોંચ્યું છે.
કોમર્શિયલ વ્હીકલ (CV): રજિસ્ટ્રેશન વાર્ષિક ધોરણે 23 ટકા વધીને આશરે 76 હજારની આસપાસ રહ્યું છે.
થ્રી-વ્હીલર: રજિસ્ટ્રેશન 19 ટકા વધીને 95,400 પર પહોંચ્યું છે.
કંપનીઓની કામગીરી કેવી રહી?
બજાજ ઓટો અને હીરો મોટો: ગયા વર્ષના ફેબ્રુઆરીના આંકડા કરતા માત્ર 3 ટકા જ પાછળ છે, જે રિકવરીનો સંકેત છે. બજાજ ઓટોના એક્સપોર્ટ સેગમેન્ટમાં મજબૂતી છે અને કંપનીએ એપ્રિલથી 2.5 લાખ યુનિટ એક્સપોર્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
TVS અને રોયલ એનફિલ્ડ: આ બંને કંપનીઓના રજિસ્ટ્રેશન નંબર ગયા વર્ષ કરતા વધુ છે.
પેસેન્જર વ્હીકલ: મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાઅને ટાટા મોટર્સના આંકડા ગયા વર્ષ કરતા સારા રહ્યા છે. તેમાં પણ ટાટા મોટર્સના રજિસ્ટ્રેશનમાં સૌથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે.
કોમર્શિયલ વ્હીકલ: અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સ CVના નંબર્સમાં પણ વાર્ષિક ધોરણે વધારો થયો છે.
ઈલેક્ટ્રિક વાહનોમાં કોણ આગળ?
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં પણ રસાકસી જામી છે. એથર એનર્જી ઓલા કરતા સારું પ્રદર્શન કરી રહી છે. ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ એથરના નંબર્સ 40 ટકા વધારે છે, જ્યારે ઓલાના રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળી શકે છે. એકંદરે ફેબ્રુઆરી મહિનો ઓટો સેક્ટર માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે અને તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે.