વોડાફોન આઇડિયા માટે માઠા સમાચાર, બેંકોએ લોન માટે મૂકી આકરી શરતો, શેરમાં 3%નો કડાકો
Vodafone Ideaને 4G અને 5G ના વિસ્તરણ માટે બેંકો પાસેથી 25,000 કરોડની લોન જોઈએ છે. પરંતુ SBI અને અન્ય બેંકોએ પ્રમોટર ગેરંટીની શરત મુકતા શેરમાં કડાકો બોલાયો છે. જાણો સંપૂર્ણ વિગત.
વોડાફોન આઇડિયા હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના બેંકોના એક જૂથ (કન્સોર્ટિયમ) સાથે લોન માટે વાતચીત કરી રહી છે.
Vodafone idea Share Price: શેરબજારમાં ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની વોડાફોન આઇડિયાના શેરોમાં આજે દબાણ જોવા મળી રહ્યું છે. કંપની પોતાના નેટવર્કને મજબૂત કરવા માટે બેંકો પાસેથી મોટી લોન લેવા માંગે છે, પરંતુ બેંકોએ નવી શરતો મૂકતા કંપનીની મુશ્કેલીઓ વધી છે. જેના કારણે 12 જુલાઈના રોજ ટ્રેડિંગ સેશનમાં કંપનીનો શેર એક સમયે 3 ટકાથી વધુ તૂટ્યો હતો. બપોરે 1 વાગ્યાની આસપાસ આ શેર 2.96 ટકાના ઘટાડા સાથે 11.82 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.
શેર તૂટવા પાછળનું મુખ્ય કારણ શું છે?
વોડાફોન આઇડિયા હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેંકોના એક જૂથ (કન્સોર્ટિયમ) સાથે લોન માટે વાતચીત કરી રહી છે.
કંપનીને પોતાનું કામકાજ વધારવા 25,000 કરોડ રૂપિયાની લોન જોઈએ છે. ઉપરાંત, 10,000 કરોડ રૂપિયાની લેટર ઓફ ક્રેડિટ (LC) સુવિધાની પણ માંગ કરી છે.
આ જંગી ફંડનો ઉપયોગ કંપની 4G અને 5G ઇક્વિપમેન્ટ ખરીદવા માટે કરવા માંગે છે. રંતુ, મનીકંટ્રોલના અહેવાલ મુજબ, બેંકોએ આ નવી લોન આપતા પહેલા કંપની પાસે પ્રમોટર ગ્રુપની ગેરંટી માંગી છે. એટલું જ નહીં, લોન કેવી રીતે ચૂકવાશે તે અંગેનો ટેક્નો ઇકોનોમિક વાયબિલિટી (TEV) રિપોર્ટ અને કંપનીની કમાણી કરવાની ક્ષમતાનો સચોટ હિસાબ પણ માંગ્યો છે.
નાની બેંકો લોન આપવા તૈયાર નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની સૌથી મોટી બેંક SBI એ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ જૂથમાં સૌથી વધુ લોન આપનાર બેંક બનવા માંગતી નથી. SBI ઈચ્છે છે કે નાની સરકારી અને ખાનગી બેંકો પણ આ લોનમાં ભાગીદાર બને.
જોકે, નાની બેંકો SBI ની શરતો પર લોન આપવા માટે અચકાઈ રહી છે. નાની બેંકોનું માનવું છે કે વોડાફોન આઇડિયાની હાલની કમાણી જોતા આટલી મોટી લોન આપવી આર્થિક રીતે વ્યાવહારિક નથી. જ્યાં સુધી વોડાફોન આઇડિયાના પ્રમોટર્સ ગેરંટી ન આપે અથવા નવા રોકાણનું વચન ન આપે, ત્યાં સુધી બેંકો લોન પાસ કરવાના મૂડમાં નથી. કંપનીએ હજુ સુધી બેંકોની આ શરતનો કોઈ જવાબ આપ્યો નથી.
છેલ્લા એક મહિનામાં શેરે આપ્યું શાનદાર રિટર્ન
નોંધનીય છે કે, તાજેતરમાં ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) માં રાહત મળ્યા પછી વોડાફોન આઇડિયાના શેરમાં તેજી જોવા મળી હતી. આ રાહત બાદ જ બેંકોએ લોન આપવામાં રસ દાખવ્યો હતો.
છેલ્લા એક મહિનાના આંકડા જોઈએ તો, વોડાફોનનો શેર 28 ટકાથી વધુ ઉછળ્યો છે. આ એવો સમય હતો જ્યારે શેરબજારમાં કોઈ ખાસ તેજી ન હતી. આ સમયગાળામાં નિફ્ટીમાં 1.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 12 મે ના રોજ અને આ અઠવાડિયે બજારમાં મોટા કડાકા નોંધાયા હોવા છતાં કંપનીના શેરે રોકાણકારોને સારું વળતર આપ્યું હતું.
હાલમાં વોડાફોન આઇડિયા માટે 4G અને 5G નું વિસ્તરણ ખૂબ જ જરૂરી છે. પરંતુ બેંકોની આકરી શરતો અને ગેરંટીની માંગે કંપની માટે નવો પડકાર ઊભો કર્યો છે. જો પ્રમોટર્સ તરફથી પોઝિટિવ જવાબ મળશે તો જ લોનનો રસ્તો સાફ થશે, ત્યાં સુધી શેરમાં વોલેટિલિટી (ઉતાર-ચઢાવ) જોવા મળી શકે છે.