Defense Stocks: 'સૂર્યાસ્ત્ર' રોકેટના સફળ ટેસ્ટિંગથી આ ડિફેન્સ શેરમાં તોફાની તેજી, માત્ર 3 દિવસમાં શેર 27% ઉછળ્યો
ઓડિશામાં 'સૂર્યાસ્ત્ર' રોકેટના સફળ પરીક્ષણ બાદ ડિફેન્સ કંપની Nibe ના શેરમાં 3 દિવસમાં 27% નો મોટો ઉછાળો આવ્યો છે. આ રોકેટ 300 કિમીની સચોટ રેન્જ ધરાવે છે. જાણો સંપૂર્ણ વિગત.
આ રોકેટ તેની અદભૂત સચોટતા માટે ચર્ચામાં છે. ટેસ્ટિંગ દરમિયાન આ રોકેટોએ માત્ર 1.5 મીટર અને 2 મીટરનું 'સર્ક્યુલર એરર પ્રોબેબલ' (CEP) નોંધાવ્યું છે.
Defense Stocks: ડિફેન્સ સેક્ટરના શેરોમાં રોકાણકારોને હંમેશા મોટો નફો મળતો હોય છે. તાજેતરમાં પુણે સ્થિત ડિફેન્સના સાધનો અને પાર્ટ્સ બનાવતી કંપની Nibe (નિબે) ના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. આ શાનદાર ઉછાળા પાછળનું મુખ્ય કારણ 'સૂર્યાસ્ત્ર'રોકેટનું સફળ પરીક્ષણ છે.
શેર બજારમાં કંપનીનું શાનદાર પ્રદર્શન
શુક્રવારે સવારે શેર બજાર ખુલતા જ Nibe ના શેરમાં 10 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ઈન્ટ્રાડે કારોબારમાં આ શેર 11 ટકા જેટલો ભાગ્યો હતો. રોકેટ પરીક્ષણના સમાચાર માર્કેટમાં આવ્યા બાદ છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં આ શેર લગભગ 27 ટકા જેટલો ઉછળી ચૂક્યો છે. રોકાણકારો આ સમાચારને કંપનીના ભવિષ્ય માટે એક 'બૂસ્ટર ડોઝ' માની રહ્યા છે.
સૂર્યાસ્ત્ર રોકેટનું સફળ ટેસ્ટિંગ
કંપનીએ 20 મેના રોજ સત્તાવાર માહિતી આપી હતી કે, તેણે એક્સ્ટ્રા અને પ્રિડેટર હોક 'સૂર્યાસ્ત્ર' રોકેટોના ફાયરિંગ ટેસ્ટ સફળતાપૂર્વક પૂરા કરી લીધા છે. આ મહત્વપૂર્ણ ટેસ્ટિંગ 18 અને 19 મેના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતે કરવામાં આવ્યા હતા. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ રોકેટોની મારક ક્ષમતા 150 કિલોમીટરથી લઈને 300 કિલોમીટર સુધીની છે.
શા માટે 'સૂર્યાસ્ત્ર' રોકેટ દુનિયામાં ખાસ છે?
આ રોકેટ તેની અદભૂત સચોટતા માટે ચર્ચામાં છે. ટેસ્ટિંગ દરમિયાન આ રોકેટોએ માત્ર 1.5 મીટર અને 2 મીટરનું 'સર્ક્યુલર એરર પ્રોબેબલ' (CEP) નોંધાવ્યું છે. CEP એ કોઈપણ મિસાઈલ કે રોકેટની સચોટતા માપવાનો સૌથી મહત્વનો માપદંડ છે.
300 કિલોમીટરના અંતરે પણ 2 મીટરથી ઓછાનું CEP હાંસલ કરવું એ 'સૂર્યાસ્ત્ર'ને દુનિયાની સૌથી સચોટ લોન્ગ-રેન્જ રોકેટ આર્ટિલરી સિસ્ટમમાંથી એક બનાવે છે. આ અત્યાધુનિક સિસ્ટમ ભારતીય સેનાને દુશ્મનના વિસ્તારમાં ખૂબ અંદર ઘૂસીને અત્યંત સચોટ હુમલો કરવામાં મદદ કરશે. તેની ચોકસાઈને કારણે હુમલા દરમિયાન આસપાસના વિસ્તારોમાં થતું નુકસાન નહિવત રહેશે.
જાન્યુઆરીમાં સેના તરફથી મળ્યો હતો મોટો ઓર્ડર
NSE પર લિસ્ટેડ Nibe કંપનીને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતીય સેના તરફથી ઈમરજન્સી ખરીદી હેઠળ 'સૂર્યાસ્ત્ર યુનિવર્સલ રોકેટ લોન્ચર' અને રોકેટ સપ્લાય કરવાનો એક મોટો ઓર્ડર મળ્યો હતો.