આ પ્રોજેક્ટની સૌથી મોટી વાત એ છે કે અમેરિકાને 50 વર્ષ બાદ નવી ઓઇલ રિફાઇનરી મળવા જઈ રહી છે અને આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ મહત્વની ભૂમિકા ભજવશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં એક નવી ઓઇલ રિફાઇનરી ખોલવાની મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પ્રોજેક્ટને અમેરિકન વર્કર્સ અને અર્થતંત્ર માટે એક મોટી જીત ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર માહિતી આપતા ટ્રમ્પે જણાવ્યું કે, આ નવી રિફાઇનરી અમેરિકાના બજારોમાં ઇંધણ પૂરું પાડશે, ઊર્જા ઉત્પાદન વધારશે અને દેશની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
આ પ્રોજેક્ટની સૌથી મોટી વાત એ છે કે અમેરિકાને 50 વર્ષ બાદ નવી ઓઇલ રિફાઇનરી મળવા જઈ રહી છે અને આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં ભારતની દિગ્ગજ કંપની 'રિલાયન્સ' મહત્વની ભૂમિકા ભજવશે.
ટ્રમ્પે માન્યો ભારત અને રિલાયન્સનો આભાર
આ 300 અબજ ડોલરની ઐતિહાસિક ડીલ છે, જેને અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જંગી રોકાણ માટે ખુશી વ્યક્ત કરતા કહ્યું, "ભારત અને તેમની સૌથી મોટી પ્રાઇવેટ એનર્જી કંપની 'રિલાયન્સ' નો આ શાનદાર રોકાણ માટે ખૂબ ખૂબ આભાર."
પ્રોજેક્ટના મુખ્ય ફાયદા અને લક્ષ્યાંકો
રોજગારી અને અર્થતંત્ર: આ નવી રિફાઇનરીથી અમેરિકાને અબજો ડોલરનો આર્થિક ફાયદો થશે અને સાઉથ ટેક્સાસ વિસ્તારમાં હજારો નવી નોકરીઓ ઉભી થશે.
અમેરિકા ફર્સ્ટ એજન્ડા: ટ્રમ્પે કહ્યું કે, ટેક્સ ઘટાડવા અને પરમિટ સરળ બનાવવાની નીતિઓને કારણે જ દેશમાં આવા મોટા રોકાણો પાછા આવી રહ્યા છે. આ દુનિયાની સૌથી સ્વચ્છ રિફાઇનરી હશે.
પ્રોજેક્ટની શરૂઆત: 'અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ' કંપનીના જણાવ્યા અનુસાર, બ્રાઉન્સવિલે પોર્ટ પર બનનારી આ રિફાઇનરીનું કામ 2026 ના બીજા ક્વાર્ટરમાં (Q2) શરૂ થવાની અપેક્ષા છે.
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે મોટો નિર્ણય
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વણસી છે. ઈરાન દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલાઓ દ્વારા યુએઈ (UAE), સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન અને જોર્ડન જેવા ખાડી દેશોમાં અમેરિકન મિલિટરી બેઝ અને એનર્જી ફેસિલિટીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ વૈશ્વિક તણાવને કારણે ગ્લોબલ એનર્જી માર્કેટમાં મોટું સંકટ ઉભું થયું છે. આવા સમયે અમેરિકા પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનવા માંગે છે.
તેલના ભાવ ઘટવાની અમેરિકાની ખાતરી
મંગળવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રીફિંગમાં લોકોને ખાતરી આપી હતી કે તેલ અને ગેસના ભાવમાં થયેલો હાલનો વધારો કામચલાઉ છે. તેમણે કહ્યું કે, "જ્યારે ઓપરેશન એપિક ફ્યુરીના રાષ્ટ્રીય સુરક્ષાના લક્ષ્યાંકો પૂરા થશે, ત્યારે અમેરિકામાં તેલ અને ગેસના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે. કદાચ આ ભાવ ઓપરેશન શરૂ થયા પહેલાના સમય કરતા પણ નીચે જઈ શકે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, અમે એક એવી દુનિયા બનાવીશું જ્યાં ઈરાન ક્યારેય અમેરિકા કે તેના સાથી દેશોને પરમાણુ બોમ્બની ધમકી નહીં આપી શકે.
ભારતની રિલાયન્સ કંપની અને અમેરિકા વચ્ચેની આ 300 અબજ ડોલરની ભાગીદારી દર્શાવે છે કે ગ્લોબલ એનર્જી સેક્ટરમાં ભારતનું કદ કેટલું મોટું થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટથી બંને દેશોના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનશે અને વૈશ્વિક ઊર્જા બજારને પણ સ્થિરતા મળશે.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.