Share Market Crash: આજે 9 માર્ચે ભારતીય શેર બજાર ખુલતાની સાથે જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લગભગ 2300 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ તૂટીને 23,800 ના લેવલની નીચે જતો રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, સેન્સેક્સ અને નિફ્ટીનું આ છેલ્લા 10 મહિનાનું સૌથી નીચું સ્તર છે. મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ 115 ડોલરની પાર પહોંચી જવાને કારણે આજે બજારમાં રોકાણકારો વચ્ચે હાહાકાર મચી ગયો છે.
સવારના 09:35 વાગ્યાની આસપાસના આંકડા જોઈએ તો, સેન્સેક્સ 2,270.48 પોઈન્ટ એટલે કે 2.86 ટકાના જંગી ઘટાડા સાથે 76,651.84 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ 690.85 પોઈન્ટ એટલે કે 2.83 ટકા તૂટીને 23,759.60 પર પહોંચી ગયો હતો. બજારમાં આજે ચારેબાજુ વેચવાલી જોવા મળી હતી અને તમામ સેક્ટર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
શેર બજારમાં કડાકો બોલવા પાછળના 5 મુખ્ય કારણો:
1. ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો
શેર બજારમાં આજના આ મહાકડાકા પાછળનું સૌથી મોટું કારણ કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં આવેલો જંગી ઉછાળો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 115 ડોલર પ્રતિ બેરલની ઉપર નીકળી ગયો છે. જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારના જણાવ્યા અનુસાર, ક્રૂડના ભાવમાં આ ઉછાળો ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે એક મોટો 'ક્રૂડ શોક' છે. જો મિડલ ઈસ્ટનું યુદ્ધ લાંબુ ચાલશે, તો તેની સીધી અને ગંભીર અસર દેશની અર્થવ્યવસ્થા પર પડશે.
2. મોંઘવારી વધવાનો મોટો ડર
તેલના ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડશે અને મોંઘવારી વધશે. એક્સપર્ટ્સનું માનવું છે કે, કાચા તેલના વધતા ભાવને કારણે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં જે ઘટાડો કરવાની હતી તેમાં હવે વિલંબ કરી શકે છે. આ અનિશ્ચિતતાના કારણે વિદેશી રોકાણકારો (FII) નું સેન્ટિમેન્ટ પણ બગડ્યું છે, જેના કારણે બજારમાંથી પૈસા પાછા ખેંચાઈ રહ્યા છે.
3. નબળા ગ્લોબલ સંકેતો (Global Cues)
આજે ભારતીય બજારને વિદેશી બજારોમાંથી પણ કોઈ સપોર્ટ મળ્યો ન હતો. એશિયન શેર બજારો શરૂઆતના કારોબારમાં જ ખરાબ રીતે તૂટ્યા હતા. જાપાનનો નિક્કેઇ (Nikkei) ઇન્ડેક્સ 6% થી વધુ ગગડી ગયો, જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પી (Kospi) ઇન્ડેક્સ પણ મોટા ઘટાડા સાથે ખુલ્યો હતો. ગ્લોબલ એનર્જી સપ્લાય ખોરવાઈ જવાના ડરથી અમેરિકન શેર બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
4. ઈન્ડિયા VIX માં જંગી ઉછાળો
શેર બજારમાં જ્યારે પણ ડર અને અસ્થિરતાનો માહોલ હોય ત્યારે 'ઈન્ડિયા VIX' ઈન્ડેક્સ વધે છે. આજે આ ઇન્ડેક્સ 18% થી વધુ ઉછળીને 23.52 પર પહોંચી ગયો હતો. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારોમાં અત્યારે ભારે ગભરાહટ અને પેનિકનો માહોલ છે.
5. માર્કેટમાં ચોતરફ ભારે વેચવાલી
આજે કોઈ એક સેક્ટર નહીં, પણ આખું બજાર ડાઉન હતું. સૌથી મોટો ફટકો સરકારી બેંકોને પડ્યો છે. નિફ્ટી પીએસયુ (PSU) બેંક ઇન્ડેક્સ 4.8% તૂટ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં 3.8% નો ઘટાડો નોંધાયો. ઓટો સેક્ટરમાં પણ નિરાશા રહી, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 3.3% નીચે ગયો. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ લગભગ 3% ઘટ્યો. આ ઉપરાંત, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.9%, રિયલ્ટી ઇન્ડેક્સ 2.8% અને મેટલ ઇન્ડેક્સ 2.7% ના ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.
હાલની પરિસ્થિતિ જોતાં જ્યાં સુધી મિડલ ઈસ્ટના તણાવમાં ઘટાડો ન થાય અને ક્રૂડ ઓઈલના ભાવ કાબૂમાં ન આવે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા યથાવત રહે તેવી શક્યતા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.