ફેસ્ટિવ સિઝનમાં ભારતીય ઓટો માર્કેટમાં રેકોર્ડ વેચાણ નોંધાયું. કુલ વાહન વેચાણ 55 લાખને પાર ગયું, જ્યારે EV વેચાણમાં 53%નો જોરદાર ઉછાળો જોવા મળ્યો.
Auto Sales: ભારતીય ઓટો સેક્ટર માટે તહેવારોની સિઝન ઉત્સાહજનક રહી છે. ધનતેરસ અને દિવાળી દરમિયાન વાહનોની ખરીદીમાં જોરદાર તેજી જોવા મળી અને અત્યાર સુધીની સૌથી મોટી ફેસ્ટિવ રિટેલ વેચાણ નોંધાઈ છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)ના આંકડા અનુસાર, 2026ની 42 દિવસની ફેસ્ટિવ સિઝનમાં કુલ વાહન રિટેલ વેચાણ 2.21% વધીને ઓલટાઇમ હાઈ પર પહોંચ્યું છે. કુલ વેચાણ 55 લાખ યુનિટ્સને પાર ગયું છે. આ સાથે એક કેલેન્ડર વર્ષમાં વાહન વેચાણ 3 કરોડ યુનિટ્સના માઇલસ્ટોનની નજીક પહોંચી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં ઓટો વેચાણમાં લગભગ 24%નો ઉછાળો નોંધાયો છે.
કયા સેગમેન્ટમાં સૌથી વધુ તેજી?
વિવિધ વાહન સેગમેન્ટમાં વેચાણની વાત કરીએ તો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ સેગમેન્ટ સૌથી આગળ રહ્યું છે. તેમાં વાર્ષિક ધોરણે 26%ની વૃદ્ધિ નોંધાઈ છે. થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 5.3% અને કોમર્શિયલ વ્હીકલ (CV) સેગમેન્ટમાં 7%નો વધારો થયો છે.
ટુ-વ્હીલર વેચાણમાં 3.67% અને ટ્રેક્ટર વેચાણમાં 2.24%ની વૃદ્ધિ જોવા મળી છે. જોકે, પેસેન્જર વ્હીકલ (PV) સેગમેન્ટમાં નબળાઈ રહી છે અને વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં નબળાઈ
ફેસ્ટિવ સિઝન દરમિયાન પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 7.16%નો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં કુલ 7,48,616 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો 8,06,322 યુનિટ્સ હતો.
FADAના જણાવ્યા મુજબ, ગયા વર્ષે GST 2.0 સંબંધિત માંગને કારણે વેચાણનો મજબૂત બેઝ બન્યો હતો, જેની અસર આ વર્ષની વૃદ્ધિ પર જોવા મળી છે. જોકે, 2024ની સરખામણીમાં પેસેન્જર વ્હીકલ વેચાણ હજુ પણ 16.43% વધારે છે.
નવરાત્રિ દરમિયાન પેસેન્જર વ્હીકલ વેચાણમાં 18%થી વધુનો ઘટાડો થયો હતો, પરંતુ ધનતેરસ અને દિવાળીની આસપાસ માંગમાં સુધારો થતાં કુલ ઘટાડો ઓછો થયો હતો. તહેવાર દરમિયાન બુક થયેલા કેટલાક વાહનોની ડિલિવરી હજુ પણ ચાલુ છે.
EVનો ક્રેઝ વધ્યો, વેચાણ 5 લાખને પાર
ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે આ ફેસ્ટિવ સિઝન ખાસ રહી છે. દેશમાં પ્રથમ વખત ફેસ્ટિવ સિઝન દરમિયાન EVનું વેચાણ 5 લાખ યુનિટ્સને પાર ગયું છે. કુલ EV રિટેલ વેચાણ 53% વધીને 5,09,667 યુનિટ્સ થયું છે, જ્યારે ગયા વર્ષે 3,33,935 યુનિટ્સ વેચાયા હતા.
2024ની સરખામણીમાં EV વેચાણમાં 67.55%નો વધારો થયો છે. કુલ ફેસ્ટિવ વાહન વેચાણમાં EVનો હિસ્સો લગભગ 10% રહ્યો છે, એટલે કે દર 10 વાહનોમાંથી લગભગ એક વાહન ઇલેક્ટ્રિક હતું.
EVના વિવિધ સેગમેન્ટમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. EV કોમર્શિયલ વ્હીકલ વેચાણમાં 154%, EV પેસેન્જર વ્હીકલમાં 73%, EV ટુ-વ્હીલરમાં 61% અને EV થ્રી-વ્હીલરમાં 25%નો વાર્ષિક વધારો નોંધાયો છે.
ફેસ્ટિવ સિઝનના આ આંકડા દર્શાવે છે કે ભારતીય ઓટો માર્કેટમાં એકંદર માંગ મજબૂત છે અને ઇલેક્ટ્રિક વાહનો તરફ ગ્રાહકોનું આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે.