વિદેશી રોકાણકારોએ 1 જ અઠવાડિયામાં કાઢ્યા 42,927 કરોડ, વર્ષની કુલ નિકાસી 2.67 લાખ કરોડને પાર!
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોનું મોહભંગ! જૂનના પહેલા જ અઠવાડિયામાં 42,927 કરોડ પાછા ખેંચ્યા. વર્ષ 2026 માં અત્યાર સુધી 2.67 લાખ કરોડથી વધુની ઐતિહાસિક વેચવાલી. જાણો આ પાછળના મુખ્ય કારણો.
ગયા અઠવાડિયાની વેચવાલી ઉમેરીએ તો વર્ષ 2026 માં અત્યાર સુધી ભારતીય શેરોમાંથી FPI ની કુલ નિકાસી વધીને 2.67 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોદ્વારા સતત વેચવાલીનો દૌર ચાલી રહ્યો છે. રોકાણકારો બજારમાંથી ધૂમ પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેની સીધી અસર માર્કેટના સેન્ટિમેન્ટ પર જોવા મળી રહી છે. આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે જૂન મહિનાના પહેલા જ અઠવાડિયામાં વિદેશી રોકાણકારોએ 42,927 કરોડ રૂપિયાના શેર વેચીને પોતાનું ફંડ પાછું ખેંચી લીધું છે.
આખા મહિના કરતા એક અઠવાડિયામાં વધુ વેચવાલી
ગયા મહિને એટલે કે મે મહિનામાં FPIs એ ભારતીય બજારમાંથી 32,963 કરોડ રૂપિયા કાઢ્યા હતા. આનો સીધો અર્થ એ છે કે, વિદેશી રોકાણકારોએ આખા મે મહિનામાં જેટલા શેર નહોતા વેચ્યા, તેના કરતા ઘણી વધારે વેચવાલી તેમણે જૂનના માત્ર 1 જ અઠવાડિયામાં કરી નાખી છે. ગ્લોબલ લેવલે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વધી રહેલો ક્રેઝ અને રૂપિયામાં જોવા મળતી નબળાઈ આ પાછળના મુખ્ય કારણો મનાય છે.
2026 માં 2.67 લાખ કરોડનો આંકડો પાર
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના લેટેસ્ટ ડેટા અનુસાર, ગયા અઠવાડિયાની વેચવાલી ઉમેરીએ તો વર્ષ 2026 માં અત્યાર સુધી ભારતીય શેરોમાંથી FPI ની કુલ નિકાસી વધીને 2.67 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ આંકડો આખા વર્ષ 2025 માં કાઢવામાં આવેલા 1.66 લાખ કરોડ રૂપિયા કરતા ઘણો મોટો છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનીએ તો, કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો, રૂપિયામાં ઘટાડો અને ગ્લોબલ માર્કેટમાં ખાસ કરીને ટેકનોલોજી અને AI સેક્ટરમાં રોકાણની શાનદાર તકોને લીધે વિદેશી રોકાણકારો હાલ ભારતીય શેરબજારથી અંતર જાળવી રહ્યા છે.
ઇલોન મસ્કની SpaceX ના IPOની મોટી અસર
આલ્ફા AMC ના ફાઉન્ડર રાજેશ સિંગલાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારો અને ડોલરની મજબૂતી તો છે જ, પરંતુ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અત્યારે દુનિયાભરમાં ઉભરી રહેલા મોટા ટેક અને AI માર્કેટ તરફ ફંડ ટ્રાન્સફર કરી રહ્યા છે. ઇલોન મસ્કની કંપની SpaceX નો આવનારો IPO અને લીડિંગ AI કંપનીઓની કેપિટલ માર્કેટની આસપાસની ગતિવિધિઓ વૈશ્વિક રોકાણને પોતાની તરફ ખેંચી રહી છે. આ જ કારણોસર ભારત સહિતના અન્ય ઉભરતા બજારોમાંથી મૂડી કામચલાઉ ધોરણે બહાર જઈ રહી છે."
આ વર્ષે માત્ર ફેબ્રુઆરીમાં જ આવ્યું રોકાણ
જો 2026 ના આંકડાઓ પર મહિનાવાર નજર કરીએ તો, ફેબ્રુઆરી મહિનાને બાદ કરતા વિદેશી રોકાણકારો સતત નેટ સેલર રહ્યા છે.
જાન્યુઆરી: 35,962 કરોડ રૂપિયાની વેચવાલી.
ફેબ્રુઆરી: 22,615 કરોડ રૂપિયાનું શાનદાર રોકાણ (છેલ્લા 17 મહિનામાં સૌથી વધુ માસિક રોકાણ).
જ્યાં સુધી ગ્લોબલ માર્કેટમાં વ્યાજ દરોની અનિશ્ચિતતા અને AI સેક્ટરમાં નવા આકર્ષણો રહેશે, ત્યાં સુધી ભારતીય બજારમાં વિદેશી ફંડનો પ્રવાહ દબાણમાં રહી શકે છે. રિટેલ રોકાણકારોએ અત્યારના માહોલમાં સમજી વિચારીને સારા ફંડામેન્ટલ ધરાવતા શેરોમાં જ રોકાણ જાળવી રાખવું હિતાવહ છે.