Foreign Stock Investing વિદેશી કંપનીના શેરમાં પૈસા લગાવ્યા છે? ITR ભરતી વખતે આ ભૂલ કરશો તો લાગશે 200% દંડ! | Moneycontrol Gujarati
Get App

Foreign Stock Investing વિદેશી કંપનીના શેરમાં પૈસા લગાવ્યા છે? ITR ભરતી વખતે આ ભૂલ કરશો તો લાગશે 200% દંડ!

Foreign Stock Investing: જો તમે વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કર્યું છે અને ડિવિડન્ડની માહિતી ITRમાં નથી આપી, તો તમને ઇન્કમ ટેક્સની નોટિસ મળી શકે છે. 200% સુધીના દંડથી બચવા શું કરવું તે જાણો.

અપડેટેડ 10:51:46 AM Mar 14, 2026 પર
Story continues below Advertisement
Foreign Stock Investing: જો તમે વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કર્યું છે અને ડિવિડન્ડની માહિતી ITRમાં નથી આપી, તો તમને ઇન્કમ ટેક્સની નોટિસ મળી શકે છે.

Foreign Stock Investing Dividend: આજકાલ ઘણા લોકો વિદેશી કંપનીઓ અને અમેરિકન શેરબજારમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ વિદેશી શેરોમાં પૈસા લગાવ્યા છે, તો ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરતી વખતે એક નાનકડી ભૂલ તમારા પર ભારે પડી શકે છે. જો તમે વિદેશી કંપનીઓ પાસેથી મળતા ડિવિડન્ડની માહિતી આવકવેરા વિભાગને નથી આપતા, તો સાવધાન થઈ જાવ. આ ભૂલને કારણે તમારા ઘરે ઇન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે અને સાથે જ 200% જેટલો તોતિંગ દંડ પણ લાગી શકે છે.

શું છે આખો મામલો?

જે રોકાણકારો અમેરિકા કે અન્ય દેશોના શેરબજારમાં રોકાણ કરે છે, તેઓ ITR માં શેરની ખરીદી અને વેચાણની માહિતી તો આપે છે, પરંતુ તેમાંથી મળતા ડિવિડન્ડને ‘અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક' (Income from other sources) તરીકે દર્શાવવાનું ભૂલી જાય છે. હવે ઇન્કમ ટેક્સ વિભાગ વિદેશી ડેટા એક્સચેન્જ દ્વારા આવી છુપાવેલી આવકની માહિતી મેળવી રહ્યું છે.

ડિવિડન્ડની માહિતી આપવી કેમ જરૂરી છે?

ભારતના ટેક્સ નિયમો અનુસાર, જો તમે ભારતના નાગરિક છો, તો તમારી ‘ગ્લોબલ ઇન્કમ' એટલે કે દુનિયાભરમાંથી થતી આવક પર ભારતમાં ટેક્સ લાગે છે. તમે પૈસા અમેરિકામાં કમાયા હોય કે જાપાનમાં, તેની જાણકારી તમારે દેશના ટેક્સ વિભાગને આપવી ફરજિયાત છે.


ઉદાહરણથી સમજો ડબલ ટેક્સેશનનો નિયમ

માની લો કે કોઈ અમેરિકન કંપનીએ તમને 10 ડોલરનું ડિવિડન્ડ આપ્યું. અમેરિકાના નિયમ મુજબ ત્યાંની સરકાર તેના પર 25% વિથહોલ્ડિંગ ટેક્સ કાપી લેશે અને તમારા ખાતામાં 7.5 ડોલર જમા થશે. હવે ભારતીય રોકાણકારો એવું વિચારે છે કે ટેક્સ તો કપાઈ ગયો છે, તો હવે ITR માં શું બતાવવું?

બસ, અહીં જ સૌથી મોટી ભૂલ થાય છે! તમારે તમારા ITR માં પૂરા 10 ડોલરની આવક દર્શાવવી પડશે. તમને થશે કે આ તો બે વખત ટેક્સ લાગી ગયો. પરંતુ એવું નથી. ભારત અને અમેરિકા વચ્ચે ડબલ ટેક્સેશન અવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) થયેલો છે. આ અંતર્ગત તમે કપાયેલા 2.5 ડોલર માટે ફોરેન ટેક્સ ક્રેડિટ (FTC) ક્લેમ કરી શકો છો. એટલે કે તમારે બે વાર ટેક્સ ચૂકવવો નહીં પડે.

આવક છુપાવવા પર કેટલો દંડ લાગી શકે?

જો તમે વિદેશી ડિવિડન્ડની આવક છુપાવો છો, તો ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 270A હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. ઓછી આવક દર્શાવવા પર ટેક્સના 50% અને જાણીજોઈને ખોટી માહિતી આપવા પર ટેક્સના 200% સુધીનો દંડ લાગી શકે છે. આટલું જ નહીં, બ્લેક મની એક્ટ હેઠળ પણ કાયદાકીય પગલાં લેવાઈ શકે છે.

ભૂલ થઈ ગઈ હોય તો કેવી રીતે સુધારવી?

જો તમે ગયા વર્ષના રિટર્નમાં આ માહિતી આપવાનું ભૂલી ગયા છો, તો ગભરાવાની જરૂર નથી. સરકાર ‘અપડેટેડ રિટર્ન'નો વિકલ્પ આપે છે. અસેસમેન્ટ વર્ષ પૂરું થયાના 24 મહિનાની અંદર તમે તમારું રિટર્ન અપડેટ કરી શકો છો. જોકે, આ માટે તમારે થોડી પેનલ્ટી ચૂકવવી પડશે, જો 12 મહિનાની અંદર રિટર્ન અપડેટ કરશો, તો બાકી ટેક્સ અને વ્યાજ પર 25% વધારાનો ટેક્સ આપવો પડશે. જો 12 થી 24 મહિનાની વચ્ચે અપડેટ કરશો, તો આ પેનલ્ટી 50% થઈ જશે. પરંતુ, 200% ના મોટા દંડ કરતા આ વિકલ્પ ઘણો સારો અને સુરક્ષિત છે.

રોકાણકારોએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

* તમારી તમામ વિદેશી સંપત્તિ અને બેંક ખાતાની માહિતી ITR માં 'Schedule FA' હેઠળ ચોક્કસ આપો.

* ફોરેન ટેક્સ ક્રેડિટનો લાભ લેવા માટે સમયસર Form 67 ભરો.

* સૌથી મહત્વનું, તમારી આવકમાં હંમેશા ટેક્સ કપાયા પહેલાની કુલ રકમ (Gross Amount) જ દર્શાવો.

વિદેશી બજારમાં રોકાણ કરવું ફાયદાકારક છે, પરંતુ ટેક્સના નિયમોનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો - LPG સિલિન્ડરની અછતની ચિંતા છોડો! ગેસ બુકિંગથી લઈને સપ્લાય સુધી સરકારના 10 મોટા નિર્ણયો જાણી લો

MoneyControl News

MoneyControl News

First Published: Mar 14, 2026 10:51 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.