શેરબજારમાં વિદેશી રોકાણકારોનો મોટો ઝટકો: ઓક્ટોબરમાં 52100 કરોડના શેર વેચ્યા, જાણો કેમ થઈ રહી છે આટલી મોટી વેચવાલી?
FPI selling in India: ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો (FPI) સતત પૈસા પાછા ખેંચી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 52100 કરોડ રૂપિયાના શેર વેચાયા. જાણો આ મહાવેચવાલી પાછળના મુખ્ય કારણો.
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડના ડેટા મુજબ, વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં પણ 35861 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
FPI selling in India: ભારતીય શેરબજારમાં અત્યારે વિદેશી રોકાણકારો સતત મોટી વેચવાલી કરી રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ અત્યાર સુધીમાં ભારતીય બજારમાંથી 52100 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. મોંઘુ ક્રૂડ ઓઈલ, અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં થયેલો વધારો અને ડોલરની મજબૂતીને કારણે રોકાણકારોનો ભરોસો ડગમગી ગયો છે, જેનાથી શેરબજાર પર મોટું દબાણ જોવા મળી રહ્યું છે.
CDSLના આંકડા શું કહે છે?
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડના ડેટા મુજબ, વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં પણ 35861 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જોકે, આ પહેલા જુલાઈમાં તેમણે 20200 કરોડ અને ઓગસ્ટમાં 29631 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આંકડાઓ પર નજર કરીએ તો, વિદેશી રોકાણકારોએ વર્ષ 2026 માં અત્યાર સુધીમાં 3.12 લાખ કરોડ રૂપિયા બજારમાંથી કાઢી લીધા છે. જ્યારે વર્ષ 2025 માં તેમણે 1.66 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
વિદેશી રોકાણકારો કેમ કરી રહ્યા છે વેચવાલી?
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, ચોઈસ વેલ્થના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઓફિસર ધીરજ ગૌડના જણાવ્યા અનુસાર, આ મહાવેચવાલી પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે. અમેરિકામાં સરકારી બોન્ડ પર હાઈ યીલ્ડ અને ડોલરની મજબૂતી વિદેશી રોકાણકારોને આકર્ષી રહી છે. મોંઘા ક્રૂડ ઓઈલના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર વધારાનું દબાણ આવી રહ્યું છે. અમેરિકામાં મોંઘવારી ઊંચા સ્તરે હોવાથી વ્યાજદરમાં વધારો થવાની આશંકા છે. આનાથી વિદેશી રોકાણકારો માટે અમેરિકન એસેટ્સ વધુ આકર્ષક બન્યા છે. આ ઉપરાંત, નોર્થ એશિયન બજારોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં આવેલી તેજીને કારણે, વિદેશી મૂડી ભારતને બદલે એ બજારો તરફ વળી રહી છે.
16 ઓક્ટોબરે જોવા મળી હતી થોડી ખરીદી
સતત વેચવાલી વચ્ચે 16 ઓક્ટોબરે વિદેશી રોકાણકારોએ બજારમાં થોડી ખરીદી પણ કરી હતી. આ પાછળનું મુખ્ય કારણ અમેરિકન સરકારી બોન્ડ યીલ્ડમાં આવેલો થોડો ઘટાડો અને રૂપિયાની મજબૂતી હતું. બજાજ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ પબિત્રો મુખર્જીનું કહેવું છે કે, એફપીઆઈની વેચવાલીમાં ઘટાડો અને શુક્રવારે થયેલી ખરીદી એ વાતનો સંકેત આપે છે કે બજારમાં રોકાણકારોની ધારણા હવે સ્થિર થઈ શકે છે. જોકે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ હજુ પણ માર્કેટની રિકવરી માટે એક મોટું જોખમ બનેલા છે.
એકંદરે જોઈએ તો, વૈશ્વિક પરિબળોની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી રહી છે. જ્યા સુધી ક્રૂડના ભાવ અને અમેરિકન માર્કેટમાં સ્થિરતા નહીં આવે, ત્યાં સુધી વિદેશી રોકાણકારોની ચાલ પર નજર રાખવી ખૂબ જ જરૂરી બની રહેશે.