FII માટે સરકારની મોટી જાહેરાત! સરકારી બોન્ડ્સમાં રોકાણ પર નહીં લાગે કોઈ ટેક્સ, કેબિનેટ લાવશે વટહુકમ
સરકાર FII અને વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ્સ પર ઇતિહાસની સૌથી મોટી ટેક્સ છૂટ આપવાની તૈયારીમાં છે. 12.5% LTCG અને 20% વિથહોલ્ડિંગ ટેક્સ નાબૂદ કરવા વટહુકમ આવી શકે છે.
આવા કપરા સમયમાં ટેક્સનો આ મોટો બોજ હટાવીને સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ડેટ માર્કેટમાં વિદેશી મૂડીને ઝડપથી આકર્ષિત કરવાનો છે.
ભારતીય અર્થવ્યવસ્થા અને રૂપિયાને વૈશ્વિક સંકટથી બચાવવા માટે કેન્દ્ર સરકાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોને ઇતિહાસની સૌથી મોટી ટેક્સ રાહત આપવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સરકાર વિદેશી રોકાણકારોને ભારતીય સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા પર ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
આ મોટા નિર્ણયનો અમલ કરવા માટે કેબિનેટ એક ખાસ વટહુકમ લાવી શકે છે. આ ઐતિહાસિક રાહતના સમાચાર સામે આવતા જ, ગુરુવારે સવારે શરૂઆતી કારોબારમાં ભારતના બેન્ચમાર્ક 10-વર્ષના સરકારી બોન્ડની યીલ્ડ ઘટીને 7.01 ટકા પર આવી ગઈ હતી.
કયા બે મોટા ટેક્સ થશે સંપૂર્ણ નાબૂદ?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ નવા વટહુકમ દ્વારા વિદેશી રોકાણકારો પર લાગતા બે સૌથી મોટા ટેક્સને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવી શકે છે. પસંદગીની સરકારી સિક્યોરિટીઝ પર લાગતો 12.5 ટકાનો લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ સંપૂર્ણપણે ખતમ કરવામાં આવી શકે છે. સરકારી બોન્ડ્સમાંથી મળતા વ્યાજની આવક પર FII ને જે 20 ટકાનો ભારેખમ વિથહોલ્ડિંગ ટેક્સ ચૂકવવો પડતો હતો, તેને પણ શૂન્ય કરવામાં આવી શકે છે.
આ મોટા પગલાં પાછળ સરકારની રણનીતિ શું છે?
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ અને કાચા તેલના આસમાને પહોંચેલા ભાવના કારણે આ વર્ષે ભારતીય રૂપિયો 5 ટકાથી વધુ નબળો પડી ચૂક્યો છે. બીજી તરફ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો સતત ભારતીય શેરબજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે.
આવા કપરા સમયમાં ટેક્સનો આ મોટો બોજ હટાવીને સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ડેટ માર્કેટમાં વિદેશી મૂડીને ઝડપથી આકર્ષિત કરવાનો છે. જો વિદેશી ફંડ આવશે, તો રૂપિયાના ઘટાડાને રોકી શકાશે અને બોન્ડ માર્કેટમાં સીધો ડોલરનો પ્રવાહવધશે.
માર્કેટ એક્સપર્ટ્સનું શું કહેવું છે?
આ નિર્ણયને લઈને બજારના નિષ્ણાતો ખૂબ જ પોઝિટિવ છે.
એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇકોનોમિસ્ટ માધવી અરોરા માને છે કે, આ પ્રસ્તાવ વિદેશી ફંડ્સના ઇનફ્લોને વધારવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જોકે હાલના વૈશ્વિક માહોલને જોતા તેને કોઈ જાદુઈ લાકડી ન કહી શકાય, પરંતુ મિડિયમ-ટર્મમાં (મધ્યમ ગાળામાં) તેના ખૂબ જ સકારાત્મક પરિણામો જોવા મળશે.
RO ફંડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને CIO રોહિત અગ્રવાલના મતે, અમે સરકારના આ પગલાનું દિલથી સ્વાગત કરીએ છીએ. એવી આશા છે કે વિદેશી મૂડીને આકર્ષવા અને ભારતના ડેટ માર્કેટને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ અન્ય મોટા સુધારાઓનું પહેલું કદમ સાબિત થશે.