મંગળવારે એશિયન બજારોમાં જબરદસ્ત તેજી જોવા મળી. દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) ઇન્ડેક્સ 6 ટકા ઉછળ્યો, જે એશિયામાં સૌથી વધુ વધનાર માર્કેટ બન્યું.
Closing Bell: 10 માર્ચ 2026 ના રોજ ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી માર્કેટમાં જે સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, તે આજે અટકી ગયો છે. એશિયન બજારોના સપોર્ટ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી મોટી ઘટનાઓના કારણે ભારતીય શેરબજાર મંગળવારે શાનદાર તેજી સાથે બંધ થયું છે.
ટ્રમ્પના નિવેદનથી ક્રૂડ ઓઇલ સસ્તું થયું
શેરબજારમાં આવેલી આ તેજી પાછળનું મુખ્ય કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ જલ્દી પૂરું થઈ શકે છે. આ સમાચાર આવતાની સાથે જ ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જેની સીધી પોઝિટિવ અસર ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પડી છે.
સેન્સેક્સ અને નિફ્ટીની આજની ચાલ
આજે બજારમાં ફાઇનાન્શિયલ અને ઓટો સેક્ટરના શેરોએ સૌથી વધુ લીડ લીધી હતી, જ્યારે આઇટી (IT) અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 30 શેરો વાળો સેન્સેક્સ 78,375 ના સ્તરે મજબૂતી સાથે ખૂલ્યો હતો. દિવસ દરમિયાન ટ્રેડિંગમાં તે 78,526 ની ટોચે પહોંચ્યો અને અંતે 639.82 પોઈન્ટ (0.82 ટકા) ના શાનદાર ઉછાળા સાથે 78,205.98 ના લેવલ પર બંધ થયો. નિફ્ટી 24,280ના લેવલ પર ખૂલ્યો હતો અને જોતજોતામાં 24,300 ને પાર કરી ગયો હતો. વચ્ચે બજારમાં થોડી સુસ્તી રહી, પરંતુ છેલ્લા એક કલાકમાં જોરદાર ખરીદી નીકળતા નિફ્ટી 233.55 પોઈન્ટ (0.97 ટકા) વધીને 24,261.60 પર બંધ થયો.
ગ્લોબલ માર્કેટ અને ક્રૂડ ઓઇલની સ્થિતિ
મંગળવારે એશિયન બજારોમાં જબરદસ્ત તેજી જોવા મળી. દક્ષિણ કોરિયાનો કોસ્પી (Kospi) ઇન્ડેક્સ 6 ટકા ઉછળ્યો, જે એશિયામાં સૌથી વધુ વધનાર માર્કેટ બન્યું. આ ઉપરાંત જાપાનનો નિક્કેઈ 225 (Nikkei 225) પણ 5 ટકાથી વધુ વધ્યો હતો. બીજી તરફ, અમેરિકી શેરબજારના ફ્યુચર્સ થોડા નબળા દેખાયા હતા. ડાઉ જોન્સ અને S&P 500 ના ફ્યુચર્સ અનુક્રમે 0.22 ટકા અને 0.25 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.
ક્રૂડ ઓઇલમાં મોટો કડાકો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી ક્રૂડનો સપ્લાય રોકશે, તો તેને 20 ગણું વધારે નુકસાન ભોગવવું પડશે. આ કડક વલણને કારણે મંગળવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 8.53 ટકા ગગડીને 85.73 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો હતો. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, બપોરે 3:30 વાગ્યા સુધીમાં બ્રેન્ટ ક્રૂડ 7.55 ટકાના ઘટાડા સાથે 86.64 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા એ ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે હંમેશા સારા સમાચાર હોય છે. આજે પણ આ જ ફેક્ટરે બજારમાં નવો પ્રાણ ફૂંક્યો છે અને રોકાણકારોને સારી એવી કમાણી કરાવી છે. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં ગ્લોબલ માર્કેટ અને ક્રૂડની ચાલ બજારને કઈ દિશામાં લઈ જાય છે.