Asian markets today: US-ઈરાન શાંતિ કરારની અસર, વોલ સ્ટ્રીટમાં તેજી, જાણો એશિયન બજારો અને નિફ્ટીની આજની ચાલ
US-ઈરાન વચ્ચે શાંતિ કરારના અહેવાલોથી અમેરિકન બજાર વોલ સ્ટ્રીટમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. 16 જૂને એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર રહ્યો. ગિફ્ટ નિફ્ટી, સોના-ચાંદી અને ક્રૂડ ઓઇલના લેટેસ્ટ અપડેટ્સ માટે આ રિપોર્ટ વાંચો.
US ઈરાન ડીલના સમાચારથી ખુશ થઈને અમેરિકન રોકાણકારોએ જબરદસ્ત ખરીદી કરી હતી, જેના કારણે સોમવારે વોલ સ્ટ્રીટ રેકોર્ડ હાઈ પર બંધ થયું હતું.
Asian markets today: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારની સીધી અને સકારાત્મક અસર ગ્લોબલ શેરમાર્કેટ પર જોવા મળી રહી છે. રોકાણકારો આ ડીલની સત્તાવાર જાહેરાત અને વિગતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જ કારણસર 16 જૂન, મંગળવારના રોજ એશિયન બજારોમાં મિશ્ર ટ્રેડિંગ જોવા મળ્યું હતું. હવે માર્કેટ એક્સપર્ટ્સની નજર દુનિયાભરની સેન્ટ્રલ બેંકોની આગામી પોલિસી મીટિંગ્સ પર ટકેલી છે.
એશિયન બજારો અને ગિફ્ટ નિફ્ટીની સ્થિતિ
મંગળવારે શરૂઆતી કારોબારમાં એશિયન માર્કેટમાં સાઉથ કોરિયાનું પ્રદર્શન સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું. જાપાન બહારના એશિયા-પેસિફિક શેરોના MSCI ઇન્ડેક્સમાં 0.2% નો સામાન્ય વધારો નોંધાયો હતો. જાપાનનો નિક્કેઈ 225 ઇન્ડેક્સ સપાટ રહ્યો હતો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.38% ઘટ્યો હતો. સાઉથ કોરિયાના કોસ્પીમાં 0.61% નો ઉછાળો આવ્યો હતો, સામે કોસ્ડેક 1.47% તૂટ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં પણ નબળી શરૂઆતના સંકેત મળ્યા હતા.
જો ભારતીય બજારની વાત કરીએ તો, ગિફ્ટ નિફ્ટી 23,919 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતા માત્ર 3 પોઈન્ટનું પ્રીમિયમ દર્શાવે છે. આ આંકડા ભારતીય બજાર માટે એકદમ ફ્લેટ શરૂઆતનો ઈશારો કરે છે. આ સિવાય બેંક ઓફ જાપાન દ્વારા વ્યાજદરમાં વધારો થવાની અપેક્ષાઓ પણ માર્કેટ પર અસર કરી રહી છે.
વોલ સ્ટ્રીટમાં ઐતિહાસિક ઉછાળો
US-ઈરાન ડીલના સમાચારથી ખુશ થઈને અમેરિકન રોકાણકારોએ જબરદસ્ત ખરીદી કરી હતી, જેના કારણે સોમવારે વોલ સ્ટ્રીટ રેકોર્ડ હાઈ પર બંધ થયું હતું.
ડોવ જોન્સ : 468.77 પોઈન્ટ અથવા 0.92% ના ઉછાળા સાથે 51,671.03 ના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો.
S&P 500: 122.83 પોઈન્ટ અથવા 1.65% ના જંગી વધારા સાથે 7,554.29 પર બંધ રહ્યો.
નેસ્ડેક : 795.10 પોઈન્ટ એટલે કે 3.07% ઉછળીને 26,683.94 પર બંધ થયો. 31 માર્ચ પછી એક જ દિવસમાં આ સૌથી મોટો ટકાવારી વધારો છે.
અમેરિકન બજારમાં ટેક કંપનીઓના શેરોમાં ધૂમ ખરીદી જોવા મળી હતી. એનવિડિયા 3.54%, AMD 6.98%, માઈક્રોસોફ્ટ 2.31%, એમેઝોન 3.16%, એપલ 1.82%, આલ્ફાબેટ 2.50% અને મેટા પ્લેટફોર્મ્સ 4.67% વધ્યા હતા. ટેસ્લામાં પણ 1.16% નો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, ફોક્સના શેરમાં 16.8% નો મોટો કડાકો બોલાયો હતો.
US-ઈરાન શાંતિ કરારની મુખ્ય વાતો
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે ફોક્સ ન્યૂઝને માહિતી આપી છે કે,,,રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવાર પહેલા ઈરાન સાથેના આ કરારની સત્તાવાર વિગતો જાહેર કરી શકે છે. આ ડીલ પર ઈલેક્ટ્રોનિક સાઈન થઈ ચૂકી છે અને શુક્રવારે તેના પર રૂબરૂમાં હસ્તાક્ષર થવાની સંભાવના છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે "ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં રાખવા" માટે રાજી થઈ ગયું છે.
કોમોડિટી માર્કેટ: ક્રૂડ ઓઇલ અને સોના-ચાંદીના ભાવ
શાંતિ કરારની સંપૂર્ણ વિગતો હજુ બહાર ન આવી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે.બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.3% વધીને $83.42 પ્રતિ બેરલ અને US WTI ક્રૂડ 0.3% વધીને $81.12 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
સોનાના ભાવ મોટાભાગે સ્થિર રહ્યા છે. સ્પોટ ગોલ્ડ 0.1% વધીને $4,311.36 પ્રતિ ઔંસ થયું છે, જ્યારે ઓગસ્ટ ડિલિવરી માટેના US ગોલ્ડ ફ્યુચર્સ 0.4% ઘટીને $4,332.60 પર આવી ગયા છે. સ્પોટ સિલ્વરની કિંમત 0.4% ના ઘટાડા સાથે $69.74 પ્રતિ ઔંસ નોંધાઈ છે.
કરન્સી માર્કેટ અપડેટ
US ડોલર હાલમાં 10 દિવસના સૌથી નીચલા સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. છ મોટી કરન્સી સામે ડોલરનું મૂલ્ય માપતો 'ડોલર ઇન્ડેક્સ' 99.66 પર નોંધાયો હતો. યુરોપિયન કરન્સી યુરો $1.159 પર અને બ્રિટિશ પાઉન્ડ $1.3413 પર જોવા મળ્યા હતા. જ્યારે જાપાનીઝ યેન US ડોલર સામે 160.24 ના સ્તર પર હતો.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.