January WPI : મોંઘવારીનો ડામ - જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી 10 મહિનાની ટોચે, આંકડો 0.83% થી વધીને 1.81% પર પહોંચ્યો
જાન્યુઆરીમાં જથ્થાબંધ મોઘવારી દરે 10 મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. ડિસેમ્બરના 0.83% થી વધીને આંકડો 1.81% પર પહોંચ્યો છે. જાણો શાકભાજી, ઈંડા અને ડુંગળીના ભાવમાં થયેલા મોટા ફેરફારો વિશે.
આંકડાઓ દર્શાવે છે કે બેઝિક મેટલ્સ, ખાણીપીણીની વસ્તુઓ અને કાપડના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે જથ્થાબંધ ભાવો વધ્યા છે.
January WPI : સામાન્ય જનતા માટે મોઘવારીના મોરચે ચિંતાજનક સમાચાર આવ્યા છે. મોઘવારીની ગાડીએ ફરી રફ્તાર પકડી લીધી છે. જાન્યુઆરી મહિનામાં જથ્થાબંધ મોઘવારી દર 10 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ડિસેમ્બરમાં જે આંકડો માત્ર 0.83% હતો, તે જાન્યુઆરીમાં વધીને સીધો 1.81% પર પહોંચી ગયો છે.
સરકારી આંકડા મુજબ, આ વધારા પાછળ મુખ્યત્વે ખાણી-પીણીની વસ્તુઓ, શાકભાજી અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સના ભાવમાં થયેલો વધારો જવાબદાર છે.
રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થઈ
જાન્યુઆરીના આંકડા પર નજર કરીએ તો, રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓની મોઘવારી 0.21% થી વધીને 2.21% થઈ ગઈ છે. આ એક મોટો ઉછાળો છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોની મોઘવારીમાં વધારો થયો છે.
શાકભાજી: શાકભાજીના ભાવમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં શાકભાજીની જથ્થાબંધ મોઘવારી માઈનસમાં (-3.50%) હતી, જે જાન્યુઆરીમાં વધીને 6.78% થઈ ગઈ છે.
ઈંડા અને માંસ: આ કેટેગરીમાં પણ મોઘવારી 1.14% થી વધીને 3.66% પર પહોંચી છે.
ડુંગળી: ડુંગળીની વાત કરીએ તો ભલે આંકડો હજુ માઈનસમાં છે, પરંતુ તેમાં વધારો થયો છે. ડુંગળીની મોઘવારી -54.40% થી વધીને -33.42% થઈ છે.
બટાકા: જોકે, બટાકાના ભાવમાં સામાન્ય રાહત છે. તેની મોઘવારી -38.21% થી ઘટીને -38.84% થઈ છે.
ક્યાં વધારો અને ક્યાં ઘટાડો? (સેક્ટર મુજબ રિપોર્ટ)
ફૂડ આર્ટિકલ્સ: ખાદ્ય પદાર્થોનો WPI 0% થી વધીને 1.41% થયો છે.
મેન્યુફેક્ચરિંગ: ઉત્પાદિત વસ્તુઓની મોઘવારી પણ 1.82% થી વધીને 2.86% થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે ફેક્ટરીઓમાં બનતી વસ્તુઓ મોંઘી થઈ છે.
ફ્યુઅલ અને પાવર: અહીં થોડી રાહત છે. ઈંધણ અને વીજળીનો WPI -2.31% થી વધુ ઘટીને -4.01% થયો છે.
અનાજ (Cereals): અનાજની જથ્થાબંધ મોઘવારીમાં પણ ઘટાડો નોંધાયો છે, જે -1.18% થી ઘટીને -1.41% પર આવી છે.
શા માટે વધી મોઘવારી?
આંકડાઓ દર્શાવે છે કે બેઝિક મેટલ્સ (ધાતુઓ), ખાણીપીણીની વસ્તુઓ અને કાપડના ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે જથ્થાબંધ ભાવો વધ્યા છે. તમામ કોમોડિટીઝનો ઇન્ડેક્સ નંબર ડિસેમ્બરના 157.0 થી વધીને જાન્યુઆરીમાં 157.8 થઈ ગયો છે. મહિના-દર-મહિનાના આધાર પર જોઈએ તો ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં WPIમાં 0.51% નો વધારો થયો છે.