Market Crash Today: શેર બજારમાં ભયંકર કડાકો, સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યો; જાણો બજાર કેમ પડ્યું તેના 4 મોટા કારણો | Moneycontrol Gujarati
Get App

Market Crash Today: શેર બજારમાં ભયંકર કડાકો, સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યો; જાણો બજાર કેમ પડ્યું તેના 4 મોટા કારણો

Market Crash Today: ભારતીય શેર બજારમાં 2 માર્ચે મોટો કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ 1200 અને નિફ્ટી 350 પોઈન્ટ તૂટ્યા. જાણો મિડલ ઇસ્ટ યુદ્ધ અને ક્રૂડ ઓઇલ સહિતના 4 મોટા કારણો.

અપડેટેડ 11:49:39 AM Mar 02, 2026 પર
Story continues below Advertisement
Market Crash Today: શેર બજારમાં રક્તપાત, સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું

Market Crash Today: ભારતીય શેર બજારો માટે 2 માર્ચનો દિવસ ઘણો નિરાશાજનક રહ્યો. આજે ટ્રેડિંગ દરમિયાન બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ સુધી તૂટી ગયો હતો. બીજી તરફ નિફ્ટીએ પણ 350 પોઈન્ટથી વધુનો ડૂબકો લગાવ્યો અને 24,900 ની સપાટીની નીચે સરકી ગયો હતો.

બજાર ખુલ્યા બાદ સવારે 10:45 વાગ્યાની આસપાસ, BSE સેન્સેક્સ 1,170.81 પોઈન્ટ (1.44%) ઘટીને 80,116.38 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 354.35 પોઈન્ટ (1.41%) ના ઘટાડા સાથે 24,824.30 પર આવી ગયો હતો. બજારમાં આજે મેટલ સેક્ટર સિવાયના તમામ સેક્ટર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ 0.8% નો ઘટાડો નોંધાયો હતો.

શેર બજારમાં આજના મોટા કડાકા પાછળના 4 મુખ્ય કારણો:

1. મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ અને ગ્લોબલ માર્કેટના નબળા સંકેતો

ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ મિડલ ઇસ્ટ (પશ્ચિમ એશિયા) માં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રિપોર્ટ અનુસાર, આ હુમલાઓમાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામનેઈનું મોત થયું છે. જેના વળતા જવાબમાં ઇરાને પણ મિસાઈલ હુમલાઓ કર્યા છે. આ તંગદિલીને કારણે ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ના ભાવ સોમવારે 7% થી વધુ ઉછળીને 82.40 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયા, જે છેલ્લા 14 મહિનાની સૌથી ઉંચી સપાટી છે.


આ સાથે જ ઇરાને ‘હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) માંથી દરિયાઈ વાહનવ્યવહાર બંધ કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે દુનિયાનું 20% અને ભારતનું 40% થી વધુ કાચું તેલ આ માર્ગેથી આવે છે. તેના બંધ થવાથી સપ્લાય ખોરવાશે અને મોંઘવારી વધશે તેવો ડર રોકાણકારોમાં જોવા મળ્યો. જેના કારણે એવિએશન, પેઇન્ટ, ટાયર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેર તૂટ્યા.

2. નબળો પડતો રૂપિયો અને બોન્ડ યીલ્ડમાં વધારો

યુદ્ધની આ સ્થિતિ વચ્ચે સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો, જ્યારે સરકારી બોન્ડ યીલ્ડમાં મોટો ઉછાળો આવ્યો હતો. એશિયાની અન્ય કરન્સીમાં પણ 0.2% થી 0.6% નો ઘટાડો થયો અને MSCI એશિયા-પેસિફિક ઇન્ડેક્સ 1.5% સુધી ગગડ્યો. હાલમાં ડોલર ઇન્ડેક્સ 97.9 પર છે. નિષ્ણાતો માને છે કે રૂપિયો 91.9875 ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચે તે પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તેને બચાવવા માટે વચ્ચે પડી શકે છે.

3. વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા જંગી વેચવાલી

માર્કેટ પડવા પાછળ વિદેશી રોકાણકારોની વેચવાલી પણ મોટો ભાગ ભજવી રહી છે. આંકડા મુજબ 27 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 7,536.4 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ 12,292.8 કરોડ રૂપિયાની ખરીદી કરી બજારને થોડો ટેકો આપ્યો હતો.

4. India VIX માં મોટો ઉછાળો

બજારમાં અસ્થિરતા અને રોકાણકારોના ડરને માપતો ઇન્ડેક્સ ‘India VIX' સોમવારે 15% થી વધુ ઉછળીને 15.78 પર પહોંચી ગયો હતો. આ દર્શાવે છે કે રોકાણકારોમાં ગભરાહટનો માહોલ છે.

બજાર પડવા પર એક્સપર્ટ્સની શું સલાહ છે?

જીઓજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારનું કહેવું છે કે, માર્કેટ માટે હાલ સૌથી મોટો ખતરો ક્રૂડ ઓઇલ છે. જો તેલનો ભાવ 20% જેટલો વધે તો મુશ્કેલી પડી શકે છે. પરંતુ જો ક્રૂડ 76 ડોલરની આસપાસ રહેશે તો બજાર નબળું પડશે પરંતુ કોઈ મોટો કડાકો આવવાની શક્યતા ઓછી છે.

તેમણે રોકાણકારોને સલાહ આપતા કહ્યું કે, "ભૂતકાળના આંકડાઓ (જેમ કે કોવિડ, રશિયા-યુક્રેન યુદ્ધ) બતાવે છે કે આવા સંકટની અસર બજાર પર 6 મહિનાથી વધુ રહેતી નથી. તેથી ગભરાઈને પોતાના શેર વેચવા તે ખોટી રણનીતિ છે. રોકાણકારોએ ધીરજ રાખવી જોઈએ. બજારના આ ઘટાડાને એક તક તરીકે જુઓ અને બેન્કિંગ, ઓટોમોબાઇલ અને ડિફેન્સ જેવી મજબૂત કંપનીઓના શેર ધીમે-ધીમે ખરીદવાનું શરૂ કરો."

બ્રિકવર્ક રેટિંગ્સના હેડ રાજીવ શરણે જણાવ્યું કે, "ભારત તેની જરૂરિયાતનું 90% કાચું તેલ વિદેશથી મંગાવે છે. જો કાચા તેલના ભાવ લાંબા સમય સુધી ઉંચા રહેશે, તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, મોંઘવારી વધશે અને દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર પડશે."

આ પણ વાંચો- Kiaasa IPO Listing: લિસ્ટિંગ થતાં જ લોઅર સર્કિટ, 127 રૂપિયાના શેરે રોકાણકારોને આપ્યો મોટો ઝટકો!

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી રોકાણની સલાહ અને એક્સપર્ટના વિચારો મનીકંટ્રોલ અને નિષ્ણાતોના પોતાના છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.)

MoneyControl News

MoneyControl News

First Published: Mar 02, 2026 11:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.