Market Outlook 2026: નવા વર્ષે મેટલ નહીં પણ ઓટો શેર્સ ચમકશે? અનુજ સિંઘલ પાસેથી જાણો 2026 માટેનો ‘વિનિંગ મંત્ર’ અને રોકાણની રણનીતિ
Market Outlook 2026: વર્ષ 2026માં શેરબજારની ચાલ કેવી રહેશે? અનુજ સિંઘલે આપી ખાસ સલાહ, મેટલ થીમ હવે રિસ્કી છે, ઓટો સેક્ટર પર ફોકસ કરો. જાણો પોર્ટફોલિયોમાંથી કયા શેર કાઢવા અને FII ની વેચવાલી વચ્ચે કેવી રીતે કમાણી કરવી. વાંચો વિગતવાર અહેવાલ.
Market Outlook 2026: વર્ષ 2026માં શેરબજારની ચાલ કેવી રહેશે? અનુજ સિંઘલે આપી ખાસ સલાહ, મેટલ થીમ હવે રિસ્કી છે, ઓટો સેક્ટર પર ફોકસ કરો.
Market Outlook 2026: દુનિયાભરમાં નવા વર્ષ 2026નું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે. લોકોએ જશ્ન અને ખુશી સાથે 2026ને વધાવ્યું છે ત્યારે રોકાણકારો માટે પણ આ નવું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે. બજારની આગળની સંભાવનાઓ પર વાત કરતા સીએનબીસી-આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલે જણાવ્યું હતું કે વીતેલું વર્ષ 2025 ખરાબ નહોતું, પરંતુ તે રોકાણકારો માટે ખાસ્સું થકવી નાખનારૂં સાબિત થયું હતું. જો તમે 2025માં ખોટા શેરની પસંદગી કરી હશે તો બજારે તેની સજા પણ આપી છે. અનુમાન છે કે 2025માં ઘણા રોકાણકારોના પોર્ટફોલિયો 40% થી 60% સુધી લપસી ગયા હશે. જોકે, જેમણે સારી થીમ પકડી રાખી હતી, તેમણે જબરદસ્ત પૈસા પણ બનાવ્યા છે.
સૌથી પહેલા પોતાની ભૂલોમાંથી બહાર આવવાની સલાહ
વર્ષના પહેલા દિવસે અનુજ સિંઘલે રોકાણકારોને સૌથી પહેલા પોતાની ભૂલોમાંથી બહાર આવવાની સલાહ આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે રોકાણકારોએ કસમ લેવી જોઈએ કે માત્ર કોઈના કહેવાથી તેઓ કોઈ શેર ખરીદશે નહીં. બજારમાં કોઈપણ ટ્રેડ કે રોકાણ ‘સ્ટોપ લોસ’ વગર કરવું નહીં. સૌથી મહત્વની વાત એ છે કે તમારા જે શેર વિનર છે એટલે કે નફો આપી રહ્યા છે તેના પર ટકી રહો અને જે શેર ખોટ કરી રહ્યા છે તેને પોર્ટફોલિયોમાંથી હટાવો. ભારતની ગ્રોથ સ્ટોરી પર ભરોસો રાખીને SIP તોડવી નહીં. બજારમાં જ્યારે ઘટાડો આવે ત્યારે DIP અને SIP ના રોકાણના સુવર્ણ મંત્રને ભૂલવો જોઈએ નહીં.
‘2025માં ભારતની બહાર પૈસા વધુ બન્યા’
વર્ષ 2025માં ભારત કરતા ભારતની બહાર પૈસા વધુ બન્યા હતા. આંકડાઓ પર નજર કરીએ તો FIIs (વિદેશી સંસ્થાકીય રોકાણકારો) દ્વારા ઇતિહાસમાં સૌથી મોટી વેચવાલી જોવા મળી છે. વર્ષ 2024માં 3.02 લાખ કરોડ રૂપિયાની વેચવાલી હતી, જેની સામે 2025માં 3.06 લાખ કરોડ રૂપિયાની જંગી વેચવાલી નોંધાઈ છે. છેલ્લા 5 વર્ષોથી સતત FIIsની વેચવાલીનો રેકોર્ડ રહ્યો છે. જોકે, આ બધા છતાં નિફ્ટી અને બેંક નિફ્ટીએ પોઝિટિવ રિટર્ન આપ્યા છે, કારણ કે ઘરેલુ રોકાણકારોએ બજારને પૂરી રીતે સંભાળી લીધું છે. હાલમાં FIIsનું હોલ્ડિંગ રેકોર્ડ low પર છે. જો તેમની વાપસી થશે તો તે મોટો પોઝિટિવ સંકેત હશે, પરંતુ હાલ આપણે એ માનીને જ ચાલવું પડશે કે તેમની વેચવાલી ચાલુ રહી શકે છે.
2020થી 2024 સુધીનો સમય એક અપવાદ
બજારની રણનીતિ વિશે વાત કરીએ તો, અત્યારે બજાર ખરાબ નથી. યાદ રાખવું જોઈએ કે 2020 થી 2024 સુધીનો સમય એક અપવાદ હતો, નિયમ નહીં. શેરબજારમાં 80% સમય 2025 જેવો જ હોય છે. મંદીના સમયમાં સારા શેર લેવાથી જ પૈસા બને છે. આ મહિને રોકાણકારોએ પોતાનું પૂરું ફોકસ ‘અર્નિંગ સીઝન’ (કંપનીઓના પરિણામો) પર રાખવું જોઈએ. જ્યાં બેઝ ઇફેક્ટ તમારા ફેવરમાં હોય અને અર્નિંગમાં પુશ મળે ત્યાં ખરીદી કરીને હોલ્ડ કરવું. જો અર્નિંગ સીઝન સારી નહીં રહે તો બજાર જોરથી ગબડી શકે છે, હવે ખરાબ પરિણામો માટે કોઈ બહાનું નથી.
સેક્ટર પ્રમાણે રણનીતિ
સેક્ટર મુજબ વાત કરીએ તો, મેટલ જેવી થીમ હવે થોડી રિસ્કી લાગી રહી છે, તેથી તેમાં હેજ સાથે કામ કરવું હિતાવહ છે. બીજી તરફ, ઓટો નંબર્સ પર નજર રાખવી અને જે કંપનીઓ આઉટપરફોર્મ કરી રહી છે તેમાં ખરીદી કરવી જોઈએ. આ બજારમાં તમને સારા શેર મોંઘા મળશે અને સસ્તા શેર સસ્તા જ મળશે, પરંતુ એક વાત ગાંઠે બાંધી લેવી કે "મોંઘો શેર એકવાર રડાવશે, પણ સસ્તો શેર વારંવાર રડાવશે."
ગ્લોબલ માર્કેટ અને આપણું બજાર
આજના બજારના સંકેતો પર નજર કરીએ તો, આજે તમામ ગ્લોબલ બજાર બંધ છે, માત્ર આપણે ત્યાં ટ્રેડિંગ થઇ રહ્યું છે. અમેરિકામાં ગઇકાલે વોલ્યુમ ઓછું હતું, જ્યાં SPX માં 0.70% નું દબાણ અને Nasdaq -0.76% જેટલો ફિસલ્યો હતો. ચાંદીની કિંમતોમાં ફરી દબાણ જોવા મળ્યું છે અને ગઈકાલે તે 9% તૂટી હતી. આજે ઓટો સેલ્સના પરિણામો પર ફોકસ રહેશે. બજારે 4 દિવસની ગિરાવટનો સિલસિલો તોડ્યો છે. નિફ્ટી 10 DEMA અને 20 DEMA ની ઉપર બંધ થયો છે. બેંક નિફ્ટીએ સિરીઝ low બચાવીને lowથી બે દિવસમાં 800 પોઈન્ટની રેલી આપી છે. બજારની ખરી મુશ્કેલી લાર્જ કેપમાં નહીં પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં હતી. ઘણા દિવસો બાદ હવે સારો advance/decline રેશિયો જોવા મળ્યો છે.
(ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલા વિચાર એક્સપર્ટના પોતાના ખાનગી વિચાર હોય છે. વેબસાઈટ કે મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને સલાહ છે કે કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લેવી.)