Technical View: 25,200ની સપાટી પાર થતાં જ નિફ્ટીમાં આવશે નવી તેજી! બેંક નિફ્ટી માટે 60,400 મહત્વનું રેઝિસ્ટન્સ, જાણો એક્સપર્ટ્સનો મત | Moneycontrol Gujarati
Get App

Technical View: 25,200ની સપાટી પાર થતાં જ નિફ્ટીમાં આવશે નવી તેજી! બેંક નિફ્ટી માટે 60,400 મહત્વનું રેઝિસ્ટન્સ, જાણો એક્સપર્ટ્સનો મત

Technical View: શેરબજારમાં નિફ્ટીને નવી તેજી પકડવા માટે 25,150–25,200નો રેઝિસ્ટન્સ ઝોન પાર કરવો પડશે. જ્યારે બેંક નિફ્ટી માટે 60,400 મહત્વની સપાટી છે. જાણો નિફ્ટી અને બેંક નિફ્ટીનો સંપૂર્ણ ટેકનિકલ વ્યૂ.

અપડેટેડ 11:19:19 AM Nov 10, 2026 પર
Story continues below Advertisement
બેંક નિફ્ટીમાં સતત થઈ રહેલું એક્યુમુલેશન (શેરોની જમાવટ) બજારના સુધરતા મોમેન્ટમનો સંકેત આપે છે.

Technical View: ભારતીય શેરબજારમાં 9 નવેમ્બરના રોજ નિફ્ટી આખા ટ્રેડિંગ સેશન દરમિયાન એક મર્યાદિત રેન્જમાં અથડાતો રહ્યો હતો. બજારમાં ચાલી રહેલા કન્સોલિડેશન વચ્ચે નિફ્ટી સામાન્ય વધારા સાથે 25,000ની મહત્વની સાયકોલોજિકલ સપાટીની ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન ઈન્ડેક્સને 24,800 ની આસપાસ મજબૂત સપોર્ટ મળ્યો હતો અને તે વધુ એક સેશનમાં 2 માર્ચના રોજ બનેલા 'બેરિશ ગેપ' (Bearish Gap) ની આસપાસ જ ફરતો જોવા મળ્યો હતો.

નિફ્ટી માટે 25,200ની દીવાલ પાર કરવી કેમ જરૂરી?

માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે જો નિફ્ટીએ અહીંથી નવી તેજી પકડવી હશે, તો તેણે 25,150 થી 25,200 ના મજબૂત રેઝિસ્ટન્સ ઝોનને પાર કરીને આ 'બેરિશ ગેપ' ભરવો પડશે. એકવાર નિફ્ટી આ દીવાલ પાર કરી લેશે, તો તે 25,500 ના આગામી રેઝિસ્ટન્સ તરફ આગળ વધતો જોવા મળશે. આ સપાટી 26,373 થી લઈને 22,180 સુધીના ઘટાડાના 78.6 ટકા ફાઈબોનાચી રિટ્રેસમેન્ટ (Fibonacci Retracement) ની એકદમ નજીક છે.


બીજી તરફ, હાલમાં નિફ્ટી માટે 24,800 ના સ્તર પર સૌથી નજીકનો અને મહત્વનો સપોર્ટ બનેલો છે. જો કોઈ કારણસર આ સપોર્ટ તૂટે છે, તો બજારમાં 24,600 થી 24,500 ના સ્તર સુધી વધુ મોટો ઘટાડો જોવા મળી શકે છે.

નિફ્ટીનું ટેકનિકલ સ્ટ્રક્ચર અને ઈન્ડિકેટર્સ શું કહે છે?

ગઈકાલે નિફ્ટીની શરૂઆત પોઝિટિવ થઈ હતી, પરંતુ આખો દિવસ તે એક સીમિત દાયરામાં જ રહ્યો હતો. નીચેની તરફ 24,800 પાસે સપોર્ટ મળ્યો, જ્યારે ઉપર 25,080 ના રેઝિસ્ટન્સ ઝોન પાસે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. દિવસના તળિયેથી નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુની શાનદાર રિકવરી આવી હતી અને અંતે તે 58 પોઈન્ટ 0.23 ટકા વધીને 25,045 પર બંધ થયો હતો. ડેઈલી ચાર્ટ પર નિફ્ટીએ એક નાની બેરિશ કેન્ડલ બનાવી છે, જેની નીચેની વિક લાંબી છે. આ બાબત દર્શાવે છે કે નીચલા મથાળે રોકાણકારો જોરદાર ખરીદી કરી રહ્યા છે. ઈન્ડેક્સ હાલમાં તમામ મુખ્ય મૂવિંગ એવરેજની ઘણી ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને આ મૂવિંગ એવરેજ પણ ઉપરની તરફ જઈ રહી છે, જે બજારનું માળખું તેજી તરફી હોવાનો સંકેત આપે છે.

મોમેન્ટમ ઈન્ડિકેટર્સમાં RSI 77.88 ના સ્તરે 'ઓવરબોટ' ઝોનમાં રહ્યો છે અને તેમાં મજબૂત 'બુલિશ ક્રોસઓવર' જોવા મળ્યું છે. જ્યારે MACD એ પણ તેનો ઉપર તરફનો ટ્રેન્ડ જાળવી રાખ્યો છે. જોકે, છેલ્લા 8 સેશનમાં સતત વધારા બાદ ગ્રીન હિસ્ટોગ્રામ બાર પહેલીવાર થોડો સંકોચાયો છે. આ સંકેત બતાવે છે કે ટૂંકા ગાળામાં થોડું કન્સોલિડેશન હોવા છતાં બજારનો મુખ્ય ટ્રેન્ડ હજુ પણ મજબૂત છે.

ઘટાડે ખરીદીની તક, આ 5 સેક્ટર પર રાખો ખાસ નજર

રેલિગેર બ્રોકિંગના રિસર્ચ SVP અજીત મિશ્રાના જણાવ્યા અનુસાર, બજારમાં આવેલા ઝડપી ઉછાળા બાદ હવે થોડું કન્સોલિડેશન આવે તે માર્કેટની તંદુરસ્તી માટે સારું છે. તેજીનો ટ્રેન્ડ જાળવી રાખવા અને 25,200–25,600 સુધી પહોંચવાની શક્યતા જીવંત રાખવા માટે નિફ્ટીનું 24,600–24,800 ની રેન્જની ઉપર ટકી રહેવું ખૂબ જરૂરી છે. તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે બજારમાં આવનારા કોઈપણ ઘટાડાનો ફાયદો ઉઠાવીને પસંદગીના સારા શેરો જમા કરવા જોઈએ. હાલમાં ખાસ કરીને બેંકિંગ, ફાર્મા, ઓટો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ માર્કેટ જેવા સેક્ટર પર ફોકસ રાખવું જોઈએ.

Bank Nifty View: બેંક નિફ્ટીમાં 891 પોઈન્ટનો ઉછાળો, હવે આગળ શું?

એક દિવસના ઘટાડા બાદ ગઈકાલે બેંકિંગ ઈન્ડેક્સમાં જબરદસ્ત વાપસી જોવા મળી હતી. બેંક નિફ્ટી 891 પોઈન્ટ (1.51 ટકા) ના મોટા ઉછાળા સાથે 59,741 પર બંધ થયો હતો અને નિફ્ટીની સરખામણીએ તેનું પ્રદર્શન ઘણું ચઢિયાતું રહ્યું હતું. ડેઈલી ચાર્ટ પર બેંક નિફ્ટીએ નીચેની તરફ સ્પષ્ટ 'લોઅર વિક' સાથે એક 'બુલિશ કેન્ડલ' બનાવી છે, જે નીચલા સ્તરે મજબૂત ખરીદી દર્શાવે છે.

મહત્વના લેવલ્સ: બેંક નિફ્ટી માટે સૌથી નજીકનું અને મહત્વનું રેઝિસ્ટન્સ 60,300–60,400 ની રેન્જમાં છે. ત્યારબાદ આગામી રેઝિસ્ટન્સ ઝોન 60,800–61,100 પર રહેશે.

ટેકનિકલ સંકેત: બેંક નિફ્ટીમાં સતત થઈ રહેલું એક્યુમુલેશન (શેરોની જમાવટ) બજારના સુધરતા મોમેન્ટમનો સંકેત આપે છે. RSI ઉપર તરફ છે અને ADX માં આવેલી તેજીએ વર્તમાન બુલિશ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવ્યો છે.

બેંક નિફ્ટીએ સતત 6ઠ્ઠા સેશનમાં 'હાયર હાઈ - હાયર લો' (Higher High-Higher Low) ની પેટર્ન જાળવી રાખી છે. આ ઉપરાંત, તેણે 3 ફેબ્રુઆરીના 61,765 ના રેકોર્ડ હાઈથી લઈને 6 એપ્રિલના 49,955 ના નીચલા સ્તર સુધીના ઘટાડાના 78.6 ટકા ફાઈબોનાચી રિટ્રેસમેન્ટ લેવલને સ્પષ્ટપણે પાર કરી લીધું છે, જે મજબૂત તેજીની નિશાની છે.

SBI સિક્યોરિટીઝના ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચ હેડ સુદીપ શાહનું કહેવું છે કે બેંક નિફ્ટી માટે 59,200–59,300 નો દાયરો તાત્કાલિક સપોર્ટ ઝોન તરીકે કામ કરશે. જ્યારે ઉપરની તરફ 60,300–60,400 નો ઝોન એક મહત્વનો અવરોધ છે. જો ઈન્ડેક્સ આ રેન્જની ઉપર મજબૂત બ્રેકઆઉટ આપે છે, તો શોર્ટ-કવરિંગ અને પોઝિટિવ મોમેન્ટમના સહારે બેંક નિફ્ટી ઝડપથી 60,800 ના સ્તર સુધી જતો દેખાઈ શકે છે.

આ પણ વાંચો- ચીન કરતાં ભારત પર HSBCનો વધુ વિશ્વાસ, આ સેક્ટર્સમાં તેજીની આશા

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલા વિચારો અને લેવલ્સ માર્કેટ એક્સપર્ટ્સના પોતાના અંગત મંતવ્યો છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી કોઈપણ પ્રકારનું રોકાણ કે ટ્રેડિંગ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

MoneyControl News

MoneyControl News

First Published: Nov 10, 2026 11:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.