RBI નો મોટો નિર્ણય: 13 વર્ષ બાદ ફરી શરૂ થઈ શકે છે FCNR (B) ડિપોઝિટ, જાણો રૂપિયાને બચાવવા માટેની આ સ્કીમ શું છે?
ડોલર સામે રૂપિયાના સતત થઈ રહેલા ઘટાડાને રોકવા માટે RBI 8 એપ્રિલે 13 વર્ષ બાદ FCNR (B) ડિપોઝિટ સ્કીમ ફરી શરૂ કરી શકે છે. જાણો NRI માટેની આ સ્કીમ શું છે અને તેના ફાયદા.
આ નિર્ણયથી વિદેશી ભંડોળ આકર્ષવામાં મદદ મળશે અને રૂપિયા પરનું દબાણ ઘટશે.
ભારતીય રિઝર્વ બેંક ડોલર સામે ભારતીય રૂપિયામાં થઈ રહેલા સતત ઘટાડાને રોકવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય બેંક 8 એપ્રિલના રોજ પોતાની મોનેટરી પોલિસીની બેઠકમાં ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ એટલે કે FCNR (B) ડિપોઝિટ સ્કીમ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. આ નિર્ણયથી વિદેશી ભંડોળ આકર્ષવામાં મદદ મળશે અને રૂપિયા પરનું દબાણ ઘટશે.
રૂપિયા પર દબાણ અને NRI ડિપોઝિટમાં ઘટાડો
છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની સ્થિતિ નબળી પડી છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા તણાવ બાદ ડોલર સામે રૂપિયામાં લગભગ 3% નો ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં રૂપિયો લગભગ 10% તૂટ્યો છે, જે છેલ્લા એક દાયકાનો સૌથી મોટો ઘટાડો છે.
મેક્વાયરી કેપિટલના રિપોર્ટ અને RBI ના ડેટા મુજબ, એપ્રિલ 2025થી જાન્યુઆરી 2026 વચ્ચે NRI ડિપોઝિટ 26% ઘટીને 14.35 અબજ ડોલર પર આવી ગઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં FCNR (B) ફ્લો 7.02 અબજ ડોલર હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 0.94 અબજ ડોલર રહી ગયો છે. ભારતીય બેંકોમાં FCNR (B) ડિપોઝિટમાં એકલા યુએઈનો હિસ્સો 40% થી વધુ છે, જે દર્શાવે છે કે આ સ્કીમમાં ગલ્ફ દેશોનું પ્રભુત્વ વધારે છે.
OCBC બેંકના સિનિયર ઇકોનોમિસ્ટ લાવણ્યા વેંકટેશ્વરને જણાવ્યું હતું કે, "RBI ને રૂપિયા પરનું દબાણ ઘટાડવા માટે ડોલરનો ઇનફ્લો (આવક) વધારવાની સખત જરૂર છે, કારણ કે વધતું ઇમ્પોર્ટ બિલ એક મોટો પડકાર છે."
શું છે FCNR (B) ડિપોઝિટ?
આ એક ખાસ પ્રકારની બેંક ડિપોઝિટ સ્કીમ છે, જેમાં વિદેશી ચલણમાં નાણાં જમા કરવામાં આવે છે. આ સ્કીમ ખાસ કરીને નોન-રેસિડેન્ટ ઇન્ડિયન્સ (NRI), પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન (PIO) અથવા OCI કાર્ડ ધરાવતા લોકો માટે હોય છે. આ ડિપોઝિટ ચોક્કસ મુદત (Fixed Term) માટે હોય છે. આના દ્વારા દેશમાં વિદેશી હૂંડિયામણની આવક વધે છે, જેથી ડોલર સામે રૂપિયો મજબૂત બને છે.
13 વર્ષ બાદ થઈ રહી છે વાપસી
તમને જણાવી દઈએ કે RBI દ્વારા 13 વર્ષ પહેલાં 2013 માં પહેલીવાર FCNR (B) ડિપોઝિટ સ્કીમ માટે સ્પેશિયલ સ્વેપ વિન્ડો લોન્ચ કરવામાં આવી હતી. તે સમયે બેંકોને 3 વર્ષ કે તેથી વધુ સમયની પાકતી મુદતવાળી અમેરિકન ડોલર ડિપોઝિટ માટે 3.5% ના રાહત દરે મંજૂરી અપાઈ હતી.
આ રેટ બજાર કિંમત કરતા ઓછો હતો, છતાં તે સમયે દેશમાં લગભગ 30 અબજ ડોલરનું વિદેશી ભંડોળ આવ્યું હતું, જેનાથી રૂપિયામાં થતી ઉથલ-પાથલ શાંત થઈ હતી.