SEBIના 4 નવા નિયમો રિટેલ રોકાણકારો પર પડ્યા ભારે, જાણો બજાર પર કેવી થઈ રહી છે અસર? | Moneycontrol Gujarati
Get App

SEBIના 4 નવા નિયમો રિટેલ રોકાણકારો પર પડ્યા ભારે, જાણો બજાર પર કેવી થઈ રહી છે અસર?

માર્કેટ રેગ્યુલેટર SEBI એ શેરબજારમાં રોકાણકારોની સુરક્ષા માટે કેટલાક કડક નિયમો લાગુ કર્યા છે. પરંતુ આ 4 મોટા નિયમોના કારણે રિટેલ રોકાણકારોની ભાગીદારી ઘટી છે. જાણો સમગ્ર વિગત

અપડેટેડ 12:03:41 PM Aug 16, 2026 પર
Story continues below Advertisement
સેબીના આકરા નિયમો અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારાને કારણે ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સમાં 51.5% અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં 17.7% નો ઘટાડો નોંધાયો છે.

ભારતીય શેરબજારમાં આમ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતું રહે છે. છેલ્લા કેટલાક સમયથી સેબીએ સટ્ટાબાજી રોકવા અને બજારને વધુ સુરક્ષિત બનાવવા માટે અમુક કડક પગલાં લીધા છે.

નિષ્ણાતો માને છે કે સેબીનો આશય એકદમ યોગ્ય છે, પરંતુ આ નવા નિયમોના કારણે રિટેલ રોકાણકારો માટે બજારમાં વેપાર કરવો મુશ્કેલ બની ગયો છે અને તેમની ભાગીદારીમાં મોટો ઘટાડો નોંધાયો છે. બ્રોકરેજ ફર્મ સેમ્કો સિક્યોરિટીઝના CEO અને ફાઉન્ડર જીમીત મોદીના મતે, સુરક્ષા વધારવાની સાથે માર્કેટમાં લિક્વિડિટી અને સામાન્ય લોકોની પહોંચ જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે.

ચાલો જાણીએ એવા 4 મુખ્ય નિયમો વિશે, જેનાથી રિટેલ રોકાણકારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.

1. F&O ટ્રેડિંગ પર કડકાઈ અને ઘટેલી ભાગીદારી

સેબીએ ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. જેમાં કોન્ટ્રાક્ટની સાઈઝ વધારવી, વીકલી એક્સપાયરીના વિકલ્પો ઘટાડવા અને ઓપ્શન પ્રીમિયમ અગાઉથી જમા કરાવવું જેવા નિયમો લાગુ કર્યા છે. નાણાકીય વર્ષ 2026 ના અંદાજ મુજબ, રિટેલ રોકાણકારોનું નુકસાન 18% ઘટીને 91,685 કરોડ થઈ ગયું છે, પરંતુ F&Oમાં તેમની ભાગીદારી પણ 20% ઘટીને 78.6 લાખ રહી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, પ્રતિ ટ્રેડર સરેરાશ નુકસાન 1.14 લાખથી વધીને 1.17 લાખ થઈ ગયું છે. એટલે કે એક્સેસ ઘટ્યો છે, પણ વ્યક્તિગત નુકસાન વધ્યું છે.


2. લોટ સાઈઝમાં વધારો અને એન્ટ્રી બેરિયર

નાના રોકાણકારોને મોટી સટ્ટાકીય પોઝિશન લેતા રોકવા માટે સેબીએ મિનિમમ કોન્ટ્રાક્ટ વેલ્યુ  વધારી દીધી છે. જોકે, જે લોકો પોતાના કેશ-માર્કેટના રોકાણને સુરક્ષિત કરવા માંગે છે, તેમને હવે વધુ મૂડીની જરૂર પડે છે. આનાથી બજારમાં નવી એન્ટ્રી કરવી ખૂબ મોંઘી અને મુશ્કેલ બની ગઈ છે.

3. એક્સપાયરી અને માર્જિનના નિયમોમાં ફેરફાર

એક્સપાયરીના દિવસે જોવા મળતા ભારે ઉતાર-ચઢાવને રોકવા માટે સેબીએ માર્જિનમાં મળતા ઘણા ફાયદાઓ નાબૂદ કર્યા છે. 2025 ના એક રિપોર્ટ અનુસાર, આ કડક નિયમોના કારણે ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વ્યક્તિગત ટ્રેડર્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે 20% નો ઘટાડો નોંધાયો છે અને ટર્નઓવર 11% ઘટ્યું છે. આનાથી રોકાણકારોની વર્ષો જૂની ટ્રેડિંગ સ્ટ્રેટેજી બગડી ગઈ છે.

4. ક્લોઝિંગ ઓક્શન સેશનની શરૂઆત

3 ઓગસ્ટ 2026 થી સેબીએ F&O શેરો માટે 30 મિનિટની જૂની સિસ્ટમની જગ્યાએ 'ક્લોઝિંગ ઓક્શન સેશન'શરૂ કર્યું છે. તેનો હેતુ છેલ્લી મિનિટના ટ્રેડિંગની અસર ઘટાડવાનો હતો. જોકે, શરૂઆતના દિવસોમાં સ્પોટ અને ફ્યુચર્સના ભાવ વચ્ચે અસામાન્ય તફાવત જોવા મળ્યો હતો અને રોકાણકારોની ભાગીદારી પણ ઘટી હતી, જોકે પાછળથી તેમાં સુધારો જોવા મળ્યો છે.

મુખ્ય સમસ્યા ક્યાં છે?

સેબીના આકરા નિયમો અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારાને કારણે ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સમાં 51.5% અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સમાં 17.7% નો ઘટાડો નોંધાયો છે. જીમીત મોદીના મતે, સટ્ટાબાજી ઘટે તે સારું છે, પરંતુ માર્કેટમાં એન્ટ્રી એટલી અઘરી ન હોવી જોઈએ કે બજારની લિક્વિડિટી જ ખતમ થઈ જાય.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 16, 2026 12:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.