નિફ્ટીમાં આજે ઇટર્નલ, ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરો ટોપ ગેનર્સ રહ્યા હતા.
Closing Bell: ભારતીય શેરબજારમાં સળંગ 5 દિવસથી ચાલી આવતી પડતીનો આખરે અંત આવ્યો છે. બજારમાં આજે એકતરફી અને તોફાની તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 776 પોઈન્ટ ઉછળીને બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સે શાનદાર પ્રદર્શન કરતા 24,000 ની નજીક છે. ખાસ કરીને IT, મીડિયા અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં રોકાણકારોએ દિલ ખોલીને ખરીદી કરી છે. નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે જબરદસ્ત રોનક જોવા મળી.
બજારમાં અચાનક તેજી કેમ આવી?
બજારમાં આવેલા આ શાનદાર કમબેક પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા સકારાત્મક ફેરફારો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા મિલિટરી હુમલાઓ રોકાઈ ગયા છે. સતત બે અઠવાડિયાની દુશ્મનાવટ બાદ હવે બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક વાતચીત આગળ વધવાની આશા જાગી છે.
આ વૈશ્વિક રાહતના પગલે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો કડાકો નોંધાયો છે. તેલની કિંમતો 7.44% ઘટીને દિવસના સૌથી નીચલા સ્તર 89.58 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ હતી. જ્યારે ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર જુલાઈનો ફ્યુચર કોન્ટ્રાક્ટ 4.27% ઘટીને 92.65 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો. ભારત માટે સસ્તું ક્રૂડ ઓઈલ હંમેશા બજાર માટે 'બુસ્ટર ડોઝ' નું કામ કરે છે.
શરૂઆતથી જ દેખાયો હતો તેજીનો મૂડ
આજે સવારે 9:17 વાગ્યે જ બજાર ખૂલતાની સાથે નિફ્ટી 156 પોઈન્ટ (0.65%) વધીને 23,923.05 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 537 પોઈન્ટ (0.71%) વધીને 76,596.31 પર પહોંચી ગયો હતો. દિવસભર આ તેજી જળવાઈ રહી અને અંતે નિફ્ટી 24,000 ની આસપાસ શાનદાર રીતે બંધ થયો.
આજના ટોપ ગેઈનર્સ અને લુઝર્સ
ફાયદામાં રહેલા શેરો
નિફ્ટીમાં આજે ઇટર્નલ, ઇન્ટરગ્લોબ એવિએશન, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરો ટોપ ગેઈનર્સ રહ્યા હતા.
નુકસાનમાં રહેલા શેરો
બીજી તરફ ONGC, સિપ્લા, HDFC લાઇફ, HDFC બેંક અને અદાણી પોર્ટ્સના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
સેક્ટોરલ ઇન્ડેક્સની સ્થિતિ: ક્યાં થઈ સૌથી વધુ કમાણી?
આજે લગભગ તમામ સેક્ટરમાં લીલોતરી જોવા મળી હતી. માત્ર નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ સેક્ટર જ એકમાત્ર એવું હતું જે 0.12% ના સામાન્ય ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2.50% ના ઉછાળા સાથે સૌથી આગળ રહ્યો. નિફ્ટી IT માં 2.28% અને રિયલ્ટી સેક્ટરમાં 2.01% ની જબરદસ્ત તેજી નોંધાઈ. નિફ્ટી ઓટો (1.59%), ફાર્મા (1.54%), અને FMCG (1.03%) વધ્યા હતા. જ્યારે બેંકિંગ અને અન્ય સેક્ટરમાં નિફ્ટી બેંક 0.70%, ઇન્ફ્રા 0.58%, મેટલ 0.50%, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.45%, પ્રાઇવેટ બેંક 0.42% અને PSU બેંક 0.22% ના ઉછાળા સાથે બંધ થયા હતા.
મિડકેપ અને સ્મોલકેપમાં પણ રોનક
મોટા શેરોની સાથે-સાથે બ્રોડર માર્કેટમાં પણ રોકાણકારોએ પૂરો રસ દાખવ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સની જેમ જ નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 1.3% નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો.