શેરબજારમાં સતત બીજા દિવસે જબરદસ્ત તેજી જોવા મળી છે! સેન્સેક્સ 846 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટીએ 24200 ની સપાટી વટાવી. આર્ટિકલમાં જાણો શેરબજારમાં આવેલા આ ઉછાળા પાછળના 6 મોટા કારણો.
શેરબજારમાં જોખમ અને અસ્થિરતા માપતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા VIX' લગભગ 6 ટકા ઘટીને 12.63 ના સ્તર પર આવી ગયો છે. આ ઇન્ડેક્સમાં ઘટાડો દર્શાવે છે કે નજીકના ભવિષ્યમાં બજારમાં મોટા ઉતાર-ચઢાવની શક્યતા ઓછી છે અને રોકાણકારોનો માર્કેટ પર વિશ્વાસ મજબૂત બની રહ્યો છે.
Stock Market Rally: ભારતીય શેરબજારમાં શુક્રવાર, 10 જુલાઈના રોજ સતત બીજા દિવસે તેજીનો દબદબો જોવા મળ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ મોટી છલાંગ લગાવી હતી. સેન્સેક્સ ગ્રીન ઝોનમાં 77,395.63 ના સ્તર પર ખુલ્યો હતો અને જોતજોતામાં પાછલા બંધથી 846.26 પોઈન્ટ ઉછળીને 77,588.08 ની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો.
બીજી તરફ, નિફ્ટીએ પણ 24,124.70 ના સ્તરે શાનદાર શરૂઆત કરી હતી અને 263.25 પોઈન્ટનો જમ્પ લગાવીને 24,226.05 નો હાઈ બનાવ્યો હતો. નોંધનીય છે કે, ગુરુવારે પણ સેન્સેક્સ 238.22 પોઈન્ટ વધીને 76,741.82 પર અને નિફ્ટી 80.75 પોઈન્ટ વધીને 23,962.80 પર બંધ થયો હતો.
શેરબજારમાં આવેલી આ ઐતિહાસિક તેજી પાછળના 6 મુખ્ય કારણો
1. US-ઈરાન વિવાદ ઉકેલાવાની આશા
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા જીઓ-પોલિટિકલ ટેન્શનમાં ઘટાડો થયો છે. ગુરુવારે એક અમેરિકી અધિકારીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકા ઈરાન સાથેના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ છે અને તાજેતરના તણાવ છતાં ટેકનિકલ વાટાઘાટો ચાલુ છે. આ સમાચારથી યુદ્ધની ચિંતા હળવી થઈ છે, જેણે બજારને સારો સપોર્ટ આપ્યો છે.
2. IT શેરોમાં જોરદાર ખરીદી
IT સેક્ટરની દિગ્ગજ કંપની TCS ના શાનદાર ત્રિમાસિક પરિણામોએ બજારમાં પ્રાણ પૂર્યા છે. TCS નો શેર 3% થી વધુ ઉછળ્યો, જેના કારણે આખો નિફ્ટી IT ઈન્ડેક્સ 3% સુધી વધી ગયો. જૂન ક્વાર્ટરમાં TCS નો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.61% વધીને 13,349 કરોડ નોંધાયો છે. કંપનીના મેનેજમેન્ટે બીજી ક્વાર્ટરથી ડિમાન્ડ વધવાની આશા વ્યક્ત કરી છે, જેનાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે.
3. એશિયન બજારોનો સપોર્ટ
માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર એશિયાના બજારોમાં તેજીનો માહોલ છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 4% થી વધુ ઉછળ્યો છે. જ્યારે જાપાનનો નિક્કેઈ 1.91%, શાંઘાઈ કમ્પોઝિટ 0.76% અને હોંગકોંગનો હેંગસેંગ 1.73% ની મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યા છે. અગાઉ ગુરુવારે અમેરિકન બજારો પણ વધારા સાથે બંધ થયા હતા.
4. ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો
ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 76.19 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે પણ તેલ સસ્તું થવું એ ભારત માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું મોટું તેલ આયાત કરે છે. સસ્તા તેલથી આયાત ખર્ચ ઘટે છે અને મોંઘવારી કાબૂમાં રહે છે, જે શેરબજાર માટે પોઝિટિવ છે.
5. રૂપિયાની મજબૂતી
શુક્રવારે શરૂઆતી કારોબારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સામે 15 પૈસા મજબૂત થઈને 95.32 ના સ્તર પર પહોંચી ગયો હતો. ડોલરની નબળાઈ અને કાચા તેલના ઘટતા ભાવે સ્થાનિક ચલણને મોટો ટેકો આપ્યો છે. અગાઉ ગુરુવારે રૂપિયો 95.47 ના સ્તરે બંધ થયો હતો.
6. ઇન્ડિયા VIX માં મોટો ઘટાડો
શેરબજારમાં જોખમ અને અસ્થિરતા માપતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા VIX' લગભગ 6 ટકા ઘટીને 12.63 ના સ્તર પર આવી ગયો છે. આ ઇન્ડેક્સમાં ઘટાડો દર્શાવે છે કે નજીકના ભવિષ્યમાં બજારમાં મોટા ઉતાર-ચઢાવની શક્યતા ઓછી છે અને રોકાણકારોનો માર્કેટ પર વિશ્વાસ મજબૂત બની રહ્યો છે.