શેર બજારમાં અસ્થિરતાનો સંકેત આપતો વોલેટિલિટી ઈન્ડેક્સ – India VIX – આજે લગભગ 14 ટકા ઉછળીને 19.51 પર પહોંચી ગયો.
Share Market Crash: ભારતીય શેર બજારે રોકાણકારોના રંગમાં ભંગ પાડી દીધો. 4 માર્ચે સતત બીજા દિવસે બજારમાં ભારે ધોવાણ જોવા મળ્યું. સવારે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 1700 અંકથી વધુ તૂટી ગયો, જ્યારે નિફ્ટી 530 અંકનો ગોટો ખાઈને 24,400ની સપાટીથી પણ નીચે ઉતરી ગયો. માત્ર થોડી જ મિનિટોમાં રોકાણકારોની 10 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાફ થઈ ગઈ.
સવારે 9:25 વાગ્યાની આસપાસ BSE સેન્સેક્સ 1,721.97 અંક એટલે કે 2.15 ટકાના ઘટાડા સાથે 78,516.88ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 529.05 અંક એટલે કે 2.13 ટકા ઘટીને 24,348.60ના સ્તર પર આવી ગયો.
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 456.90 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 446.45 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું. IT સેક્ટરને બાદ કરતાં બાકીના લગભગ તમામ મુખ્ય સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.
બજાર કેમ તૂટ્યું? – 5 મોટા કારણો
1. મિડલ ઈસ્ટમાં ભડકતો સંઘર્ષ
છેલ્લા ત્રણ દિવસમાં મિડલ ઈસ્ટમાં તણાવ ખૂબ ઝડપથી વધ્યો છે, જેની સીધી અસર દુનિયાભરના શેર બજારો પર દેખાઈ રહી છે. શનિવારે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરી. આ હુમલા દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું.
તેના જવાબમાં ઈરાને અમેરિકા અને ઈઝરાયલના ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. આ તણાવ વચ્ચે હોર્મુઝ જળડમરૂમધ્યને બંધ કરી દેવામાં આવ્યું છે. ભારતની લગભગ 40 ટકા ઊર્જા સપ્લાય આ જ સમુદ્રી માર્ગથી આવે છે, જેના કારણે ભારત માટે ચિંતા ઓર વધી ગઈ છે.
રોકાણકારો હવે એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે મિડલ ઈસ્ટનું આ યુદ્ધ ક્યાં જઈને અટકશે અને તેની અસર કઈ કંપનીઓ અને તેમના સ્ટોક્સ પર પડશે.
2. ગ્લોબલ બજારોમાંથી નબળા સંકેતો
દુનિયાભરના શેર બજારોમાં ચાલી રહેલી નબળાઈએ ભારતીય બજારને પણ દબાણમાં રાખ્યું. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવની આર્થિક અસર રોકાણકારોને ચિંતામાં નાખી રહી છે.
જાપાનનો ટોપિક્સ ઈન્ડેક્સ 4 ટકાથી વધુ ગબડ્યો.
હોંગકોંગનો હેંગ સેંગ 2 ટકાથી વધુ તૂટ્યો.
સાઉથ કોરિયાનું શેર બજાર 11 ટકા ક્રેશ થઈ ગયું.
ડાઉ જોન્સ 403 અંક ઘટ્યો, S&P 500 માં 0.9 ટકાનો ઘટાડો અને નાસ્ડેક 1 ટકા લપસ્યો.
એશિયન બજારોમાં સતત ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો, જેણે ભારતીય બજારના સેન્ટિમેન્ટને વધુ ખરાબ કર્યું.
3. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
તેલના ભાવ અત્યારે શેર બજાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની ગયા છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 81-82 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે. હોર્મુઝ જળમાર્ગ બંધ થવાને કારણે તેલ સપ્લાયમાં ખલેલ પડવાનો ડર વધ્યો છે. આ દુનિયામાં તેલ સપ્લાયનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે.
ભારત પોતાની લગભગ 85 ટકા તેલની જરૂરિયાત વિદેશોમાંથી આયાત કરે છે, એટલે ક્રૂડ ઓઈલ મોંઘું થવું ભારત માટે મોટું આર્થિક જોખમ છે.
જિયોજીત ઈન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ VK વિજયકુમારે કહ્યું કે જો આ સંઘર્ષ લાંબો ચાલે તો બજાર માટે સૌથી મોટી ચિંતા તેની આર્થિક અસર હશે. તેમના મતે, યુદ્ધ વધવાથી અને ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. તેમણે ચેતવણી આપી કે, તેલ મોંઘું રહેવાથી ભારતનો વેપાર ખાધ વધી શકે છે. રૂપિયા પર દબાણ આવી શકે છે. કંપનીઓની કમાણી ઉપર માઠી અસર પડી શકે છે તેમજ મોંઘવારી વધવાથી આર્થિક વૃદ્ધિ પણ પ્રભાવિત થઈ શકે છે
4. વિદેશી રોકાણકારોની (FII) સતત બિકવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની સતત બિકવાલી બજાર માટે ચિંતાનો મુદ્દો બની રહી છે. સોમવાર 2 માર્ચના કારોબારમાં વિદેશી રોકાણકારોએ ચોખ્ખા ધોરણે 3,295.64 કરોડ રૂપિયાના શેરો વેચ્યા.
છેલ્લા 8 મહિનાથી FII સતત ચોખ્ખા વેચવાલ બનેલા છે, જેના કારણે બજારનું સેન્ટિમેન્ટ સતત નબળું બની રહ્યું છે. વિદેશી રોકાણકારોની આ ભારે વેચવાલીએ ભારતીય બજારમાંથી મોટા પ્રમાણમાં પૈસા બહાર ખેંચ્યા છે.
5. India VIX માં તીવ્ર ઉછાળો
શેર બજારમાં અસ્થિરતાનો સંકેત આપતો વોલેટિલિટી ઈન્ડેક્સ – India VIX – આજે લગભગ 14 ટકા ઉછળીને 19.51 પર પહોંચી ગયો. VIX જેટલો ઊંચો, બજારમાં ડર અને અનિશ્ચિતતા એટલી વધારે.
ટ્રેડર્સ ભૂ-રાજકીય તણાવ અને વધતી તેલ કિંમતોને લઈને સાવધ થઈ ગયા છે. આ કારણે બજારમાં ગભરાટ અને ઉતાર-ચઢાવ બંને વધ્યા છે.
અત્યારે બજારની નજર મુખ્યત્વે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવ અને FIIની હિલચાલ પર ટકેલી છે. જો હોર્મુઝ જળમાર્ગ લાંબા સમય સુધી બંધ રહે તો તેલના ભાવ હજુ વધુ ઊંચે જઈ શકે છે, જે ભારતીય અર્થતંત્ર અને બજાર બંને માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. રોકાણકારોએ આ સમયે ગભરાટમાં કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે સ્થિતિ પર નજર રાખીને સાવચેતીથી આગળ વધવું જોઈએ.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.