Share Market Crash: શેરબજારમાં કડાકા વચ્ચે SEBI ચીફની રોકાણકારોને અપીલ - ‘ગભરાશો નહીં, ભારતનો પાયો મજબૂત છે'
SEBI Chief Tuhin Kanta Pandey: શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે SEBI ચીફ તુહિન કાંત પાંડેએ રોકાણકારોને અપીલ કરી છે કે ગભરાશો નહીં. જાણો માર્કેટ ક્રેશ પાછળનું કારણ અને સેબી ચીફની મહત્વની વાતો.
SEBI Chief Tuhin Kanta Pandey: શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે SEBI ચીફ તુહિન કાંત પાંડેએ રોકાણકારોને અપીલ કરી છે કે ગભરાશો નહીં.
Share Market Crash: શેરબજારમાં આવેલા મોટા કડાકાને કારણે સામાન્ય રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. પરંતુ આ ભારે ઘટાડા વચ્ચે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ચેરમેન તુહિન કાંત પાંડેએ રોકાણકારો માટે એક મહત્વનો અને રાહત આપનારો સંદેશ આપ્યો છે. તેમણે રોકાણકારોને અપીલ કરી છે કે બજારના આ ઉતાર-ચઢાવથી ગભરાવાની કોઈ જ જરૂર નથી.
માર્કેટમાં કેમ આવ્યો ઘટાડો?
સોમવારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના એક કાર્યક્રમમાં સંબોધન કરતા સેબી ચીફે જણાવ્યું હતું કે અત્યારે વૈશ્વિક બજારોમાં અસ્થિરતાનો માહોલ છે. ખાસ કરીને ઈરાન સાથે જોડાયેલા ભૌગોલિક અને રાજકીય તણાવને કારણે દુનિયાભરના શેરબજારોમાં તેના આંચકા અનુભવાઈ રહ્યા છે.
આ ઘટાડાની અસર ભારતીય બજાર પર પણ પડી છે. આંકડાઓ પર નજર કરીએ તો, સેન્સેક્સ 1353 પોઈન્ટ તૂટીને 77566 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 422 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો અને તે 24028ના સ્તર પર બંધ થઈ.
ભારતનો આર્થિક પાયો એકદમ મજબૂત
સેબી ચીફે રોકાણકારોને હૈયાધારણા આપતા સ્પષ્ટ કહ્યું કે, આવા મુશ્કેલ સમયે રોકાણકારોએ ગભરાવાને બદલે શાંતિ રાખવી જોઈએ. દુનિયાના બજારોમાં ભલે ગમે તેટલી ઉથલપાથલ થતી હોય, પરંતુ ભારતની ઘરેલુ આર્થિક સ્થિતિ અને બજારનો પાયો હજુ પણ એકદમ મજબૂત છે.
રોકાણકારોની સંખ્યા 14 કરોડને પાર
ભારતીય શેરબજારની વધતી તાકાત અને પહોંચ વિશે વાત કરતા તેમણે એક મોટો આંકડો આપ્યો હતો. તેમણે જણાવ્યું કે દેશમાં હવે રોકાણકારોની સંખ્યા લગભગ 14 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ આંકડો એ વાતનો પુરાવો છે કે ફાઇનાન્સિયલ માર્કેટની પહોંચ છેવાડાના લોકો સુધી વધી રહી છે અને ઇક્વિટી માર્કેટમાં રિટેલ (નાના) રોકાણકારોની ભાગીદારીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
બજાર વિશે સેબી પ્રમુખની અન્ય મહત્વની વાતો:
નિફ્ટીનું વધતું મહત્વ: નિફ્ટી હવે ભારતીય શેરબજારનો સૌથી મહત્વનો અને સૌથી વધુ ટ્રેક થતો ઇન્ડેક્સ બની ગયો છે, જે બજારનું કદ દર્શાવે છે.
એક્સચેન્જ વચ્ચે સહકાર: ભલે અલગ-અલગ સ્ટોક એક્સચેન્જ વચ્ચે બિઝનેસ માટે હરીફાઈ હોય, પરંતુ જ્યારે બજારની સ્થિરતા અને આર્થિક વિકાસની વાત આવે છે, ત્યારે તેઓ એકબીજાને પૂરો સહકાર આપે છે.
ભવિષ્યની કંપનીઓ: આવનારા સમયમાં જે કંપનીઓ ભારતના શેરબજારને નવી ઊંચાઈઓ પર લઈ જશે, તે એવા ઉદ્યોગોમાંથી બહાર આવશે જે અત્યારે તેમના શરૂઆતના તબક્કામાં છે.
સેબી ચીફ તુહિન કાંત પાંડેના આ નિવેદનથી એ સંકેત મળે છે કે ગ્લોબલ ઇવેન્ટ્સ અને વિદેશી કારણોસર બજારમાં શોર્ટ-ટર્મ (ટૂંકા ગાળાના) ઉતાર-ચઢાવ આવી શકે છે. પરંતુ લાંબા ગાળે ભારતની ઇકોનોમી અને શેર માર્કેટની સ્થિતિ ખૂબ જ મજબૂત છે, જેથી રોકાણકારોએ ગભરાઈને પોતાના શેર્સ વેચવા કરતા બજાર પર ભરોસો જાળવી રાખવો જોઈએ.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.