શેર બજારમાં ‘બ્લેક ફ્રાઈડે': સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના એક જ દિવસમાં 3 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: ભારતીય શેર બજારમાં ‘બ્લેક ફ્રાઈડે'. સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટ્યો અને રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા. જાણો આ મોટા ઘટાડા પાછળનું કારણ અને કયા શેર વધ્યા-ઘટ્યા.
Share Market Crash: ભારતીય શેર બજારમાં ‘બ્લેક ફ્રાઈડે'. સેન્સેક્સ 1097 પોઈન્ટ તૂટ્યો અને રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા.
Share Market Crash: ભારતીય શેર બજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે મોટો ભૂકંપ જોવા મળ્યો. આ દિવસ રોકાણકારો માટે ‘બ્લેક ફ્રાઈડે' સાબિત થયો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 1097 પોઈન્ટ (1.37%) તૂટીને 78,918.90ના સ્તર પર બંધ થયો. જ્યારે NSE નિફ્ટી પણ 315.45 પોઈન્ટ (1.27%)ના ભારે ઘટાડા સાથે 24,450 ની સપાટી પર બંધ રહી. આ મોટા કડાકાને કારણે માત્ર એક જ દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા પાણીમાં ગયા છે.
આ મોટા ઘટાડા પાછળનું કારણ શું છે?
શેર બજારમાં આજના આ ભારે દબાણ અને નેગેટિવ સેન્ટિમેન્ટ પાછળ મુખ્યત્વે ત્રણ મોટા કારણો જવાબદાર છે:
મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભયંકર યુદ્ધ અને તણાવ.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ના ભાવમાં અચાનક આવેલો ઉછાળો.
વિદેશી રોકાણકારો (FIIs) દ્વારા બજારમાં સતત કરવામાં આવી રહેલી મોટા પાયે વેચવાલી.
રોકાણકારોના 2.98 લાખ કરોડ ડૂબ્યા
ગુરુવારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 452.90 લાખ કરોડ રૂપિયા હતું. જે શુક્રવારે ઘટીને 449.92 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું. સીધા શબ્દોમાં કહીએ તો, એક જ દિવસમાં BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 2.98 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે રોકાણકારોની સંપત્તિમાંથી 3 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
કયા સેક્ટરમાં નુકસાન અને ક્યાં ફાયદો?
નિફ્ટીના મોટાભાગના સેક્ટરમાં લાલાશ જોવા મળી હતી. બજારમાં સૌથી વધુ નુકસાન બેન્કિંગ, ફાઈનાન્સિયલ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં થયું હતું. જોકે, આ ખરાબ માહોલ વચ્ચે પણ IT, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, બ્રોડર માર્કેટમાં થોડી મજબૂતી જોવા મળી, જ્યાં નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ લગભગ લીલા નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સના આ 5 શેરોમાં જોવા મળી તેજી
BSE સેન્સેક્સના 30 માંથી માત્ર 7 શેરો જ લીલા નિશાનમાં એટલે કે ફાયદા સાથે બંધ થયા હતા. ભારત ઇલેક્ટ્રોનિક્સ (Bharat Electronic) ના શેરમાં સૌથી વધુ 1.82% નો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), સન ફાર્મા (Sun Pharma), NTPC અને પાવરગ્રીડ (Power Grid)ના શેરો 0.35%થી લઈને 1.11% સુધીના વધારા સાથે બંધ થયા હતા.
આ 5 શેરોમાં રહ્યો સૌથી વધુ કડાકો
સેન્સેક્સના બાકીના 23 શેરો લાલ નિશાનમાં એટલે કે નુકસાન સાથે બંધ રહ્યા. જેમાં ઇટર્નલ (Eternal) નો શેર 3.39% ના ઘટાડા સાથે ટોપ લૂઝર સાબિત થયો હતો. આ સાથે જ ICICI Bank, Axis Bank, Ultratech Cement અને HDFC Bank ના શેરોમાં પણ 2.39% થી લઈને 3.39% સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો.
4374 શેરોમાં થયું ટ્રેડિંગ
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે કુલ 4,374 શેરોમાં કામકાજ જોવા મળ્યું હતું. જેમાંથી 1,898 શેરો તેજી સાથે અને 2,300 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે 176 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો અને તે સપાટ રહ્યા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં 69 શેરોએ પોતાની નવી 52-વીક હાઈ (52 સપ્તાહની ઊંચી) સપાટીને સ્પર્શ કર્યો હતો, જ્યારે 258 શેરોએ 52-સપ્તાહનું નવું તળિયું બનાવ્યું હતું.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી માહિતી માત્ર એજ્યુકેશન અને જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. એક રોકાણકાર તરીકે કોઈપણ જગ્યાએ પૈસા લગાવતા પહેલા તમારા સર્ટિફાઈડ નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.