પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક બજારોમાં નબળાઈને કારણે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ઘટાડા સાથે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા છે.
નિફ્ટી પર મોટાભાગના બેન્કિંગ અને ફાઇનાન્સ શેરો તૂટ્યા છે. જેમાં Axis Bank, Kotak Mahindra Bank, Shriram Finance, SBI અને TMPV સૌથી મોટા લુઝર્સ સાબિત થયા છે.
Stock Market : આજના શેરબજારમાં રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ઉગ્ર બનતા અને તેમાં હૂતી વિદ્રોહીઓની એન્ટ્રી થતાં ગ્લોબલ માર્કેટમાં કોહરામ મચી ગયો છે. જેની સીધી અને ગંભીર અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ગ્લોબલ માર્કેટ અને ક્રૂડ ઓઇલમાં ભડકો
લાલ સાગરમાં યમનના હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયેલ પર હુમલો કરતા યુદ્ધનો એક નવો મોરચો ખુલી ગયો છે. આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઇલનો ભાવ 116 ડોલરને પાર કરી ગયો છે. માત્ર એક જ મહિનામાં તેમાં 60% નો અધધ ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ, ડોલરની મજબૂતી અને વધતી મોંઘવારીની આશંકાના કારણે સોના અને ચાંદી પર દબાણ જોવા મળી રહ્યું છે. જોકે, આ દરમિયાન ભારતીય રૂપિયો 134 પૈસા મજબૂત થયો છે.
વિદેશી બજારોમાં કડાકો
એશિયા અને અમેરિકાના બજારોની હાલત પણ ખરાબ છે. નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે ગિફ્ટ નિફ્ટી 250 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ લગભગ 5% જેટલો ગગડ્યો છે. ડાઓ ફ્યુચર્સમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે અમેરિકન ઇન્ડાઇસીસ (US INDICES) શુક્રવારે 2% ઘટ્યા હતા.
ભારતીય શેરબજારની આજની સ્થિતિ
નબળા ગ્લોબલ સંકેતોને કારણે 30 માર્ચે ભારતીય બજારો મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. પ્રી-ઓપનિંગ સેશનમાં જ બજારમાં નબળાઈ દેખાઈ રહી હતી, જ્યાં સેન્સેક્સ 1320.83 પોઈન્ટ અને નિફ્ટી 353.65 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યા હતા.
માર્કેટ ખુલ્યા બાદના આંકડા
સેન્સેક્સ: 1105.56 પોઈન્ટ (1.50%) તૂટીને 72,477.66 ના સ્તર પર પહોંચી ગયો.
નિફ્ટી: 321.75 પોઈન્ટ (1.41%) ના ઘટાડા સાથે 22,497.85 પર આવી ગયો, એટલે કે નિફ્ટી 22,600 ના લેવલથી નીચે સરકી ગયો.
આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. કુલ 2120 શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે માત્ર 649 શેર જ વધવામાં સફળ રહ્યા છે. આ ઉપરાંત 187 શેરમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.
આજના ટોપ ગેનર્સ અને લુઝર્સ
વધનારા શેર: ખરાબ માહોલ વચ્ચે પણ Hindalco અને ONGC ના શેરમાં મામૂલી તેજી જોવા મળી છે.
ઘટનારા શેર: નિફ્ટી પર મોટાભાગના બેન્કિંગ અને ફાઇનાન્સ શેરો તૂટ્યા છે. જેમાં Axis Bank, Kotak Mahindra Bank, Shriram Finance, SBI અને TMPV સૌથી મોટા લુઝર્સ સાબિત થયા છે.