Share Market Holiday today: રોકાણકારો માટે આજે છે રાહતનો દિવસ
Share Market Holiday today: સોમવારે (2 માર્ચ) શેર બજારમાં આવેલા ભયંકર કડાકા અને વેચવાલી બાદ આજે રોકાણકારો માટે થોડા રાહતના સમાચાર છે. આજે 3 માર્ચના રોજ હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે શેર બજાર બંધ રહેવાનું છે. સામાન્ય લોકોમાં ભલે તહેવારને લઈને એવી મૂંઝવણ હોય કે હોળી 3 તારીખે છે કે 4 તારીખે, પરંતુ શેર બજારના કેલેન્ડરમાં કોઈ કન્ફ્યુઝન નથી. આજે મંગળવારે, 3 માર્ચે માર્કેટમાં કોઈ જ ટ્રેડિંગ નહીં થાય.
BSE-NSE બંધ રહેશે, પણ MCX ખુલશે?
ભારતીય શેર બજાર (BSE અને NSE) દર વર્ષે પોતાનું અગાઉથી નક્કી કરેલું હોલિડે કેલેન્ડર બહાર પાડે છે. આ કેલેન્ડર મુજબ, 3 માર્ચ 2026 ના રોજ બંને મુખ્ય એક્સચેન્જ ટ્રેડિંગ માટે બંધ રહેશે.
જોકે, કોમોડિટી માર્કેટ (MCX) માં ટ્રેડિંગ કરનારા લોકો માટે નિયમ થોડો અલગ છે. MCX નું સવારનું સત્ર (Morning Session) રજાના કારણે બંધ રહેશે, પરંતુ સાંજના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ટ્રેડિંગ રાબેતા મુજબ ફરી શરૂ થઈ જશે.
2 માર્ચે માર્કેટમાં બોલી ગયો હતો કડાકો
તમને જણાવી દઈએ કે, ગઈકાલે એટલે કે 2 માર્ચે ભારતીય બજારમાં ભારે ગભરાટ અને નિરાશા જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધના ભણકારા તેમજ મિડલ ઈસ્ટના તણાવને કારણે કાચા તેલ (Crude Oil) ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ વૈશ્વિક ટેન્શનના કારણે છેલ્લી ઘડીએ બજાર 1 ટકાથી વધુ તૂટ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 1,048 પોઈન્ટ (1.29%) નો ગોથું ખાઈને 80,238.85 ના સ્તરે બંધ થયો હતો.
માર્ચ મહિનામાં શેર બજાર ક્યારે-ક્યારે બંધ રહેશે?
માર્ચ મહિનો શેર બજારના રોકાણકારો અને ટ્રેડર્સ માટે રજાઓથી ભરેલો છે. શનિવાર અને રવિવારની સામાન્ય વીકએન્ડ રજાઓ સિવાય, આ મહિને કુલ 3 ટ્રેડિંગ હોલિડે (Trading Holidays) આવશે:
* 3 માર્ચ: હોળી
* 26 માર્ચ: શ્રી રામ નવમી
* 31 માર્ચ: મહાવીર જયંતી
વર્ષ 2026નું શેર બજાર હોલિડે કેલેન્ડર
જો આખા વર્ષ 2026 ની વાત કરીએ તો, શેર બજારમાં કુલ 16 રજાઓ નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં 2 રજાઓ જતી રહી છે. હવે એપ્રિલ અને મે મહિનામાં 2-2 રજાઓ આવશે. જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં 1-1 દિવસ બજાર બંધ રહેશે. જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કોઈ જ ટ્રેડિંગ હોલિડે નથી. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ તહેવારોના દિવસોએ બજાર બંધ રહેશે.
હાલમાં ગ્લોબલ માર્કેટ પર યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર જોવા મળી રહી છે. આ સ્થિતિમાં, આજના રજાના દિવસે રોકાણકારોને માર્કેટના તણાવમાંથી થોડી મુક્તિ મળશે. જોકે, આવતીકાલે જ્યારે બજાર ફરી ખુલે ત્યારે ગ્લોબલ ન્યૂઝ પર નજર રાખીને જ ટ્રેડિંગ કરવું હિતાવહ રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.