શેરબજારમાં હાહાકાર: એપ્રિલના માત્ર 2 દિવસમાં FPI એ વેચ્યા 19,837 કરોડના શેર, જાણો રોકાણકારો કેમ ખેંચી રહ્યા છે પૈસા
Share Market: ભારતીય શેરબજારમાં FPIની વેચવાલી અટકવાનું નામ નથી લઈ રહી. એપ્રિલના 2 દિવસમાં 19,837 કરોડના શેર વેચાયા. જાણો આ પાછળના મુખ્ય કારણો અને માર્કેટ એક્સપર્ટ્સનું શું કહેવું છે.
Share Market: ભારતીય શેરબજારમાં FPIની વેચવાલી અટકવાનું નામ નથી લઈ રહી.
Share Market: ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા સતત વેચવાલી જોવા મળી રહી છે અને આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ વિદેશી રોકાણકારોએ બજારમાંથી મોટા પાયે પૈસા ખેંચવાનું શરૂ કરી દીધું છે. એપ્રિલના માત્ર પહેલા બે ટ્રેડિંગ સેશનમાં જ FPI એ ભારતીય બજારમાંથી 19,837 કરોડના શેર વેચી દીધા છે. NSDL ના આંકડા મુજબ, આ તાજી વેચવાલી બાદ વર્ષ 2026માં અત્યાર સુધીમાં FPI કુલ 1.5 લાખ કરોડ ભારતીય શેરબજારમાંથી પાછા ખેંચી ચૂક્યા છે.
અગાઉના મહિનાઓમાં કેવો રહ્યો FPI નો ટ્રેન્ડ?
માર્ચ મહિનામાં પણ વિદેશી રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. તેમણે સ્થાનિક બજારમાં અંદાજે 1.17 લાખ કરોડના શેર વેચ્યા હતા, જે એક મોટો આંકડો છે. નોંધનીય છે કે 3 એપ્રિલે ગુડ ફ્રાઈડે નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું. આ અગાઉ ઓક્ટોબર 2024 માં FPI એ કોઈ એક મહિનામાં સૌથી વધુ 94017 કરોડના શેર વેચ્યા હતા. જોકે, ફેબ્રુઆરી 2026 માં તેમણે બજારમાં 22,615 કરોડનું રોકાણ પણ કર્યું હતું, જે 17 મહિનાની સૌથી ઊંચી સપાટી હતી. પરંતુ હવે ફરીથી વેચવાલીનો દોર શરૂ થઈ ગયો છે.
વિદેશી રોકાણકારો કેમ વેચી રહ્યા છે શેર?
બજારમાંથી સતત પૈસા બહાર જવા પાછળ કેટલાક વૈશ્વિક કારણો જવાબદાર છે:
પશ્ચિમ એશિયામાં યુદ્ધ: ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તણાવ બજારના સેન્ટિમેન્ટને બગાડી રહ્યો છે.
મોંઘુ ક્રૂડ ઓઈલ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી 100 ડોલર પ્રતિ બેરલની પાર જવાની ભીતિ છે.
રૂપિયામાં ઘટાડો: અમેરિકન ડોલરની મજબૂતી સામે ભારતીય રૂપિયો સતત તૂટી રહ્યો છે. યુદ્ધ શરૂ થયા પછી રૂપિયામાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભવિષ્યમાં રૂપિયો વધુ નબળો પડવાની આશંકાએ પણ રોકાણકારો શેર વેચી રહ્યા છે.
માર્કેટ એક્સપર્ટ્સ શું કહે છે?
જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, યુદ્ધની સ્થિતિ, ક્રૂડના વધતા ભાવ અને નબળા રૂપિયાના કારણે FPI ની વેચવાલી રેકોર્ડ સ્તરે પહોંચી છે. જોકે, આ સતત વેચવાલીના કારણે ભારતીય બજારના કેટલાક સેગમેન્ટ્સના વેલ્યુએશન હવે રોકાણ માટે ખૂબ જ આકર્ષક બની ગયા છે.
બીજી તરફ, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના એક્સપર્ટ હિમાંશુ શ્રીવાસ્તવનું માનવું છે કે અમેરિકામાં બોન્ડ પર યીલ્ડ વધી છે, જેના કારણે ફિક્સ્ડ ઇન્કમવાળા વિકલ્પો વધુ આકર્ષક બન્યા છે. આથી વિદેશી રોકાણકારો શેરબજારમાંથી પૈસા કાઢીને સુરક્ષિત જગ્યાએ રોકાણ બેલેન્સ કરી રહ્યા છે.
FPIનું રોકાણ ફરી ક્યારે આવશે?
એક્સપર્ટ્સનું સ્પષ્ટ માનવું છે કે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું મોટું ફંડ ત્યારે જ પાછું ફરશે, જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધનો તણાવ ઓછો થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો આવશે. ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.