FII Inflows: ભારતીય શેરબજાર માટે માર્ચ મહિનો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ખરાબ સાબિત થયો છે. આ મહિનામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FIIs) એ ભારતીય માર્કેટમાં જાણે હડકંપ મચાવી દીધો છે. આંકડાઓ પર નજર કરીએ તો, માર્ચ મહિનામાં જ વિદેશી રોકાણકારોએ 1.17 લાખ કરોડથી વધુની જંગી રકમના શેર વેચી દીધા છે. આ ભારે વેકવાલીની સૌથી મોટી અસર બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર પર જોવા મળી છે.
બેન્કિંગ સેક્ટરમાંથી 60,000 કરોડ ગાયબ
માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ એકલા બેન્કિંગ સેક્ટરમાંથી જ આશરે 60,000 કરોડ પાછા ખેંચી લીધા છે. આ મોટા કડાકાને કારણે બેન્કિંગ સેક્ટરમાં FIIsની સંપત્તિ 22 મહિનાના સૌથી નીચલા સ્તરે એટલે કે 19.04 લાખ કરોડ પર આવી ગઈ છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં 17%થી વધુનો ઘટાડો નોંધાયો છે, જે માર્ચ 2020માં આવેલી કોવિડ મહામારી પછીનો સૌથી મોટો માસિક કડાકો છે.
બેન્કિંગ શેરોમાં ઘટાડા પાછળના મુખ્ય 3 કારણો
1) HDFC બેન્કને મોટો ફટકો: દેશની દિગ્ગજ બેન્ક HDFC ના ચેરમેન અતનુ ચક્રવર્તીના અચાનક રાજીનામાએ રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા, જેને કારણે બેન્કનો શેર 18% સુધી તૂટી ગયો હતો.
2) બોન્ડ યીલ્ડમાં વધારો: ભારતની 10 વર્ષની બોન્ડ યીલ્ડ એક વર્ષની ટોચ પર પહોંચીને 7% ને પાર કરી ગઈ. આનાથી બેન્કોના સરકારી સિક્યોરિટીઝ પોર્ટફોલિયોમાં નુકસાન જવાની ભીતિ વધી છે.
3) RBIનું કડક વલણ: રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થતાં રિઝર્વ બેન્કે કરન્સી માર્કેટમાં દખલગીરી કરી, જેના કારણે બજારમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ) ઘટી ગઈ. આની સીધી અસર આવનારી ત્રિમાસિકમાં બેન્કોના નફા પર પડી શકે છે.
યુદ્ધ અને મોંઘવારીનો બેવડો માર
આ કડાકા પાછળ માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ ગ્લોબલ કારણો પણ જવાબદાર છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ના વધતા ભાવે ફરી એકવાર મોંઘવારીની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ, માર્ચમાં રૂપિયો 4.24% તૂટ્યો, જે છેલ્લા 6 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે. જાણીતી બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies) ના જણાવ્યા અનુસાર, કરન્સીમાં આટલા મોટા ઉતાર-ચઢાવને કારણે બેન્કોને 4,000 થી 5,000 કરોડનું નુકસાન સહન કરવું પડી શકે છે.
ઓટો અને મેટલ સહિતના સેક્ટરમાં પણ ધોવાણ
વિદેશી રોકાણકારોએ લગભગ તમામ સેક્ટરમાંથી પોતાના પૈસા કાઢ્યા છે. ઓટો સેક્ટરની વાત કરીએ તો, જે FIIs ફેબ્રુઆરીમાં ખરીદી કરી રહ્યા હતા, તેમણે જ માર્ચમાં 12,500 કરોડના ઓટો શેર વેચી માર્યા. વાહનો બનાવવાનો ખર્ચ (ઇનપુટ કોસ્ટ) વધવાના ડરથી ઓટો સેક્ટર 16% ગગડી ગયું. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સેક્ટરમાં 9,154 કરોડ, ટેલિકોમમાં 5,603 કરોડ, FMCG માં 5,419 કરોડ અને રિયલ્ટી સેક્ટરમાં 4,693 કરોડની ભારે વેકવાલી જોવા મળી હતી.
બજાર પર એકંદર અસર
FIIsની આ અંધાધૂંધ વેકવાલીની અસર આખા શેરબજાર પર સ્પષ્ટ દેખાઈ છે. માર્ચ મહિનામાં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને 11.5% થી વધુ પડ્યા. આ સાથે મિડકેપ 150 અને સ્મોલકેપ 250 ઇન્ડેક્સમાં પણ લગભગ 11% નો ઘટાડો નોંધાયો છે. આ બધાની વચ્ચે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની કુલ હિસ્સેદારી, જે ફેબ્રુઆરીમાં 15.5% હતી, તે ઘટીને હવે 15.14% રહી ગઈ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.