Stock Market Crash: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી ભારતીય શેરબજારમાં મોટો કડાકો
Stock Market Crash: સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલા ટેન્શનની સીધી અસર સોમવારે સવારે ભારતીય બજાર પર જોવા મળી. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા કોઈ પણ પરિણામ વગર પૂરી થતાં રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ કડડભૂસ થઈ ગયો હતો. અગાઉના 77,550.25ના બંધ સામે આજે બીએસઈ સેન્સેક્સ 75,937.16ના સ્તરે નબળાઈ સાથે ઓપન થયો હતો. બજારમાં સતત વેચવાલી જોવા મળી અને થોડી જ વારમાં તે 75,923.32ના સ્તર સુધી ગગડી ગયો. સવારે 9:19 વાગ્યા સુધીના આંકડા મુજબ સેન્સેક્સમાં 1,626.93 પોઈન્ટ એટલે કે 2.10 ટકાનો મોટો કડાકો નોંધાયો છે. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 76,339.30 ની ઊંચી સપાટી અને 75,868.32 ની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.
સેન્સેક્સની સાથે નિફ્ટીની હાલત પણ ખરાબ
નિફ્ટી 50 ઈન્ડેક્સ તેના શુક્રવારના 24,050.60ના બંધ સામે આજે 23,589.60 પર ખુલ્યો હતો. ભારે ઘટાડાને કારણે તે 23,576.00ના સ્તર સુધી પહોંચ્યો હતો. આંકડાકીય રીતે જોઈએ તો નિફ્ટીમાં આશરે 474.60 પોઈન્ટ અથવા 1.97 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન નિફ્ટીનો હાઈ 23,699.70 અને લો 23,555.60 રહ્યો છે.
શેરબજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:
શાંતિ મંત્રણા ફેલ: પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સળંગ 21 કલાક સુધી વાતચીત ચાલી હતી. આ બેઠક નિષ્ફળ જતા મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ અચાનક વધી ગયું છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: મંત્રણા નિષ્ફળ જવાના સમાચારથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઊંચકાઈ ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટું તેલ આયાત કરે છે એટલે આ સમાચાર આપણા અર્થતંત્ર માટે સીધા નુકસાનકારક છે.
ગ્લોબલ સેલિંગ: યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાનના બંદરોની નાકેબંધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય બાદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના શેરબજારોમાં વેચવાલીનો માહોલ છે.
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી બજારમાં મંદી યથાવત છે. આઈટી, બેંકિંગ અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં સૌથી વધુ નુકસાન જોવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં ગ્લોબલ પરિસ્થિતિ કેવી રહે છે તેના પર જ ભારતીય બજારની ચાલ નિર્ભર રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.