Stock Market Today : માર્કેટ ખુલતા પહેલા આ 6 મોટા અપડેટ્સ પર નજર નાખો, ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો
25 જૂને ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ શરૂ કરતા પહેલા ગ્લોબલ માર્કેટ, ગિફ્ટ નિફ્ટી, એશિયન બજારો, ક્રૂડ ઓઇલ અને વિદેશી રોકાણકારોના લેટેસ્ટ આંકડાઓ અહીં જાણો. કોઈ પણ ટ્રેડ લેતા પહેલા આ રિપોર્ટ જરૂર વાંચો.
અમેરિકાની મજબૂત અર્થવ્યવસ્થા અને ફુગાવાના આંકડાની રાહ વચ્ચે યુએસ ડોલર ઇન્ડેક્સ મજબૂત બનીને 101.58 ના સ્તરે પહોંચ્યો છે. તે તેના એક વર્ષના સૌથી મોટા માસિક ઉછાળા તરફ આગળ વધી રહ્યો છે.
Stock Market Today : ભારતીય શેરબજારમાં આજે 25 જૂને ટ્રેડિંગ માટે માહોલ સારો દેખાઈ રહ્યો છે. ગઈકાલની શાનદાર રિકવરી બાદ આજે ગિફ્ટ નિફ્ટી પણ પોઝિટિવ ઓપનિંગના સંકેતો આપી રહ્યો છે. મિડલ ઈસ્ટમાં તણાવ ઘટતા ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો ઘટાડો બજાર માટે એક સારા સમાચાર બનીને આવ્યો છે.
કોઈપણ નવો ટ્રેડ લેતા પહેલા દેશ અને દુનિયાના એવા સમાચારો જાણી લેવા જરૂરી છે જે આજના બજારની દિશા નક્કી કરી શકે છે. ચાલો નજર કરીએ આજના મુખ્ય માર્કેટ ટ્રીગર્સ પર:
1. ગઈકાલના બજારની શાનદાર રિકવરી
24 જૂને ભારતીય શેરબજારમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. IT, રિયલ્ટી અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં થયેલી જોરદાર ખરીદીના કારણે નિફ્ટીએ ફરીથી 24,000 નો મહત્વનો આંકડો પાર કરી લીધો હતો. કામકાજના અંતે સેન્સેક્સ 790.54 પોઈન્ટ (1.04%) ઉછળીને 76,991.22 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 197.55 પોઈન્ટ (0.83%) ના વધારા સાથે 24,021.65 પર પહોંચ્યો હતો.
2. ગિફ્ટ નિફ્ટી અને એશિયન બજારોના સંકેત
આજે સવારે 07.40 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી લગભગ 87 પોઈન્ટ (0.36%) ની મજબૂતી સાથે 24,108.50 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ દર્શાવે છે કે ભારતીય બજારો આજે પણ લીલા નિશાનમાં ખુલી શકે છે.
એશિયન બજારોની વાત કરીએ તો ત્યાં આજે મિશ્ર વલણ છે. જાપાનના નિક્કેઈમાં 3.55% અને દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 4.62% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. તાઈવાન માર્કેટ 1.13% અને સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.15% ઉપર છે. જોકે હેંગસેંગ 1.43% અને શાંઘાઈ કમ્પોઝિટ 0.14% ના સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
3. અમેરિકન બજાર: ડાઉ જોન્સ વધ્યો, ટેક શેરોમાં દબાણ
બુધવારે અમેરિકામાં માર્કેટ મિશ્ર રહ્યું હતું. ક્રૂડ ઓઇલ સસ્તું થતા એરલાઇન્સ અને ટ્રાવેલ શેરોને ફાયદો થયો, જેના કારણે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 182.06 પોઈન્ટ (0.35%) વધીને 51,848.90 પર બંધ થયો હતો. પરંતુ ટેક શેરોમાં નબળાઈને કારણે S&P 500 ઇન્ડેક્સ 7.24 પોઈન્ટ (0.10%) ઘટીને 7,358.22 અને નેસ્ડેક 110.40 પોઈન્ટ (0.43%) તૂટીને 25,476.64 પર બંધ થયા હતા.
4. ક્રૂડ ઓઇલ અને સોનાના ભાવ તૂટ્યા
અમેરિકા અને ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુદ્ધ રોકવાના શરૂઆતી કરારના અહેવાલો બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ટેન્કરો ધીમે-ધીમે બહાર નીકળી રહ્યા છે. ઓઈલ સપ્લાયની ચિંતા હળવી થતા કાચું તેલ યુદ્ધ પહેલાના સ્તર પર આવી ગયું છે. હાલમાં WTI ક્રૂડ 0.91% અને બ્રેન્ટ ક્રૂડ 1.03% ડાઉન છે.
બીજી તરફ સોનાની ચમક પણ થોડી ઘટી છે. કોમેક્સ પર સોનું 0.38% ઘટીને 7 મહિનાના સૌથી નીચલા સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીમાં પણ 0.39% ની નબળાઈ જોવા મળી છે.
5. કરન્સી માર્કેટ અને બોન્ડ યીલ્ડનો માહોલ
અમેરિકાની મજબૂત અર્થવ્યવસ્થા અને ફુગાવાના આંકડાની રાહ વચ્ચે યુએસ ડોલર ઇન્ડેક્સ મજબૂત બનીને 101.58 ના સ્તરે પહોંચ્યો છે. તે તેના એક વર્ષના સૌથી મોટા માસિક ઉછાળા તરફ આગળ વધી રહ્યો છે.
એશિયન કરન્સીઝમાં ડોલર સામે ઇન્ડોનેશિયન રૂપિયો 0.52% અને દક્ષિણ કોરિયાઈ વોન 0.32% તૂટ્યા છે. મલેશિયન રિંગિટ 0.27% ની મજબૂતી સાથે સૌથી સારો દેખાવ કરી રહ્યો છે. અમેરિકામાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ નજીવી વધીને 4.40% થઈ ગઈ છે.
6. વિદેશી અને સ્થાનિક રોકાણકારોનો ડેટા
24 જૂનના આંકડા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો બજારમાં ફરીથી નેટ સેલર રહ્યા હતા અને તેમણે 1,843 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. પરંતુ સામે પક્ષે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ બજારને નીચે પડવા દીધું ન હતું. તેમણે સળંગ ત્રીજા સેશનમાં પણ જોરદાર ખરીદી ચાલુ રાખીને 3,637 કરોડ રૂપિયા બજારમાં ઠાલવ્યા હતા, જેનાથી ઘરેલુ માર્કેટને મોટો ટેકો મળ્યો છે.
સ્થાનિક રોકાણકારોની મજબૂત ખરીદી અને ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ ભારતીય માર્કેટ માટે મોટી પોઝિટિવ બાબત છે. આજે રોકાણકારોએ ટેકનિકલ લેવલ્સ અને આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર રાખીને સમજી-વિચારીને આગળ વધવું હિતાવહ છે.