Stock Market Update: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે (27 ફેબ્રુઆરી 2026), ભારતીય શેરબજારની શરૂઆત નિરાશાજનક રહી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે આજે ભારતીય માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. આઈટી (IT) શેરોમાં આજે થોડો વધારો જોવા મળ્યો છે, પરંતુ અન્ય સેક્ટરોમાં ભારે વેચવાલીના કારણે બજાર દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે.
માર્કેટ પર નેગેટિવ અસર પાડવામાં ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઈટ શેરો જેવા કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને એચડીએફસી બેન્ક (HDFC Bank) ની નબળાઈનું મોટું યોગદાન છે. આ ઉપરાંત, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ભૌગોલિક તણાવને કારણે રોકાણકારો સાવચેત બન્યા છે અને સમયાંતરે પોતાનો નફો બુક કરી રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીની હાલની સ્થિતિ
30 શેરો વાળો BSE નો સેન્સેક્સ 82,246ના સ્તર પર લગભગ ફ્લેટ ખુલ્યો હતો. પરંતુ માર્કેટ ખુલતાની સાથે જ તેમાં વેચવાલી હાવી થઈ ગઈ. સવારે 9:24 વાગ્યે સેન્સેક્સ 237.94 પોઈન્ટ એટલે કે 0.29 ટકાના ઘટાડા સાથે 82,010.67 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 (Nifty-50) પણ લાલ નિશાનમાં 25,459 પર ખુલ્યો હતો. 2:29 વાગ્યાની આસપાસ નિફ્ટી 111 પોઈન્ટ એટલે કે 0.44 ટકાના ઘટાડા સાથે 25,385 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.
ગ્લોબલ માર્કેટમાંથી કેવા છે સંકેત?
શુક્રવારે એશિયન બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. આ અગાઉ અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની જાણીતી કંપની એનવિડિયા (Nvidia) એ પોતાના ત્રિમાસિક પરિણામો ઘણા સારા આપ્યા છે, તેમ છતાં તેના શેરમાં ભારે કડાકો બોલ્યો હતો. જેની સીધી અસર આખા ટેકનોલોજી સેક્ટર પર પડી છે.
જો અન્ય બજારો પર નજર કરીએ તો, જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 0.6 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.1 ટકા ઘટ્યો હતો. ઓસ્ટ્રેલિયાનું બજાર લગભગ સ્થિર રહ્યું હતું. જ્યારે અમેરિકામાં ડાઉ જોન્સ 0.03 ટકા મામૂલી વધ્યો હતો, પરંતુ S&P 500 માં 0.54 ટકા અને ટેક શેરો વાળા નેસ્ડેકમાં 1.18 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
IPO માર્કેટમાં આજની હલચલ
જો તમે પ્રાઈમરી માર્કેટમાં રોકાણ કરો છો, તો આજે ઘણી નવી ગતિવિધિઓ જોવા મળી રહી છે:
લિસ્ટિંગ: ગૌડિયમ આઇવીએફ એન્ડ વુમન હેલ્થ (Gaudium IVF & Women Health) કંપનીના શેર આજે શેરબજારમાં લિસ્ટ થશે.
ક્લોઝિંગ: ઓમ્નિટેક એન્જિનિયરિંગ (Omnitech Engineering)નો IPO આજે સબસ્ક્રિપ્શન માટે બંધ થઈ રહ્યો છે. તેમજ યાપ ડિજિટલ (Yap Digital) નો IPO પણ આજે તેના અંતિમ દિવસમાં પ્રવેશી ચૂક્યો છે.
એલોટમેન્ટ: PNGS રેવા ડાયમંડ જ્વેલરી (PNGS Rewa Diamond Jewellery)ના IPO ના શેરોનું એલોટમેન્ટ આજે ફાઈનલ થઈ શકે છે.
નવા IPO: SME સેગમેન્ટમાં એસીટેક ઈ-કોમર્સ (Acetech E-commerce)નો IPO આજથી રોકાણકારો માટે ખુલી રહ્યો છે. જ્યારે, સ્ટ્રાઈડર્સ ઈમ્પેક્સ (Striders Impex) ના IPO નો આજે સબસ્ક્રિપ્શન માટે બીજો દિવસ છે.
ટૂંકમાં, આજે ગ્લોબલ ટેન્શન અને હેવીવેઈટ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ થોડું નબળું પડ્યું છે, રોકાણકારોએ કોઈપણ નવો સોદો કરતા પહેલા માર્કેટના વલણને ધ્યાનથી સમજવું જરૂરી છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.