શેરબજારમાં જબરદસ્ત રિકવરી: IT શેરોના સપોર્ટથી સેન્સેક્સ ઉછળ્યો, નિફ્ટી 24100 ની પાર, રોકાણકારોની સંપત્તિમાં 3.54 લાખ કરોડનો વધારો
શેરબજારમાં આજે જોરદાર રિકવરી આવી છે. IT સેક્ટરના સપોર્ટથી સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા છે. રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો. જાણો બજારની સંપૂર્ણ અપડેટ.
બજારમાં આવેલી આ રિકવરીને કારણે રોકાણકારોની સંપત્તિમાં સીધો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા કારોબારી દિવસે 4,76,96,162.71 કરોડ રૂપિયા હતું.
Share Market Rally: જીઓ-પોલિટિકલ ટેન્શનમાં આવેલી નરમાશ, કાચા તેલના ભાવમાં ઘટાડો અને એશિયન બજારો તરફથી મળેલા મજબૂત સપોર્ટને કારણે ભારતીય શેરબજારમાં ફરી તેજી જોવા મળી છે. પાછલા સેશનમાં આવેલા અડધા ટકાથી વધુના ઘટાડા બાદ, આજે સેન્સેક્સઅને નિફ્ટી બંને ઈન્ડેક્સ રિકવરી કરીને ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટીના આજના આંકડા
બજારમાં આજે દિવસ દરમિયાન સારી એવી વધઘટ સાથે અંતે પોઝિટિવ ક્લોઝિંગ આવ્યું છે. સેન્સેક્સ 291.17 પોઈન્ટ એટલે કે 0.38% ના ઉછાળા સાથે 77094.07 ના લેવલ પર બંધ થયો છે. ઇન્ટ્રા-ડે કારોબારમાં સેન્સેક્સ 522.66 પોઈન્ટ ઉછળીને 77325.56 ની ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી 50 89.80 પોઈન્ટ એટલે કે 0.37% ની મજબૂતી સાથે 24102.90 ની સપાટી પર બંધ રહ્યો છે. દિવસ દરમિયાન નિફ્ટી 24168.05 સુધી ગયો હતો.
રોકાણકારો માલામાલ: સંપત્તિમાં 3.54 લાખ કરોડનો વધારો
બજારમાં આવેલી આ રિકવરીને કારણે રોકાણકારોની સંપત્તિમાં સીધો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પાછલા કારોબારી દિવસે 4,76,96,162.71 કરોડ રૂપિયા હતું. જે આજના સેશનમાં વધીને 4,80,50,428.69 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આનો સીધો અર્થ એ છે કે, માત્ર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 3,54,265.97 કરોડ રૂપિયાનો ધરખમ વધારો થયો છે.
IT સેક્ટર બન્યું બજારનો હીરો, FMCG પર દબાણ
આજના બજારને સૌથી મોટો ટેકો આઈટી સેક્ટર તરફથી મળ્યો છે. નિફ્ટી IT ઈન્ડેક્સમાં 1% થી વધુનો ઉછાળો આવ્યો હતો, જેણે બજારના નફાવસૂલીના દબાણને ઓછું કરી દીધું હતું. જોકે, FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં આજે દબાણ જોવા મળ્યું હતું અને તેમાં ઘટાડો નોંધાયો છે. બ્રોડર માર્કેટની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ 100 માં અડધા ટકાથી ઓછો અને નિફ્ટી સ્મોલકેપ 100 માં અડધા ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ
સેન્સેક્સ પર લિસ્ટેડ 30 બ્લુચિપ શેરોમાંથી આજે 18 શેરો નફા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. ટેક મહિન્દ્રા અને સન ફાર્મામાં આજે સૌથી વધુ તેજી જોવા મળી છે. બીજીતરફ એશિયન પેઇન્ટ્સ, ટાઇટન અને પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
BSE ના અન્ય મહત્વના આંકડા
આજે BSE પર કુલ 4586 શેરોમાં ટ્રેડિંગ થયું હતું. જેમાંથી બજારનો ઝોક ખરીદી તરફ વધુ રહ્યો હતો.2635 શેરોના ભાવમાં વધારો થયો છે. 1754 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. 197 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.
શેરબજારમાં ખરીદીના ઉત્સાહ વચ્ચે આજે 217 કંપનીઓના શેર તેમના એક વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે, જ્યારે માત્ર 64 શેરો એક વર્ષના નીચલા સ્તરે આવ્યા છે. આ ઉપરાંત 297 શેરોમાં અપર સર્કિટ લાગી હતી અને 181 શેરોમાં લોઅર સર્કિટ જોવા મળી હતી.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.