Share market this week: આગામી સપ્તાહે શેરબજાર કઈ તરફ જશે?
Share market this week: છેલ્લા કારોબારી સપ્તાહમાં શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. 15 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સેન્સેક્સ 2090.20 પોઈન્ટ (2.7%) અને નિફ્ટી 532.65 પોઈન્ટ (2.2%) તૂટ્યો હતો. શુક્રવારે 15 મેના રોજ સેન્સેક્સ 160.73 પોઈન્ટ ઘટીને 75,237.99 અને નિફ્ટી 46.10 પોઈન્ટ ઘટીને 23,643.50 ના સ્તર પર બંધ થયા હતા. બજારમાં બે દિવસની તેજી બાદ આવેલી આ પડતી પાછળ પ્રોફિટ બુકિંગ, નબળો રૂપિયો, ક્રૂડના વધતા ભાવ અને એશિયન બજારોનો ઘટાડો મુખ્ય કારણો હતા. હવે 18 મેથી શરૂ થતા નવા સપ્તાહમાં બજારની ચાલ કયા પરિબળો પર આધાર રાખશે, ચાલો જાણીએ.
US-ઈરાન તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર નજર
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહી છે. એનરિચ મનીના સીઈઓ પોનમુડી આર.ના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર બનતી કોઈપણ ઘટના પર બજારની નજર રહેશે, કારણ કે આ રૂટ દુનિયાના એનર્જી સપ્લાય માટે ખૂબ મહત્ત્વનો છે. જો રાજદ્વારી સ્તરે શાંતિના પ્રયાસો થશે તો બજારમાં તેજી આવશે, પરંતુ જો ક્રૂડનો સપ્લાય ખોરવાશે તો શેરબજાર અને કોમોડિટી માર્કેટમાં ભારે દબાણ જોવા મળશે.
ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ
બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત બજારની દિશા નક્કી કરવામાં મોટો ભાગ ભજવશે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ વધીને 109.2 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. ક્રૂડના વધતા ભાવથી પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની અને મોંઘવારી વધવાની ચિંતા ઊભી થઈ છે, જે બજાર માટે નેગેટિવ સંકેત છે.
રૂપિયાની નબળી ચાલ
ગયા સપ્તાહે ડોલર સામે ભારતીય રૂપિયો 96 ના સ્તરથી પણ નીચે ગગડી ગયો હતો. 15 મેના રોજ તે 96.14 સુધી પહોંચ્યા બાદ અંતે 95.81 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારનું કહેવું છે કે, જો વિદેશી રોકાણકારો (FPI) ની વેચવાલી ચાલુ રહેશે અને ક્રૂડના ભાવ ઊંચા રહેશે, તો રૂપિયામાં હજુ પણ મોટો ઘટાડો આવી શકે છે.
કંપનીઓના Q4 પરિણામો
આ નવા સપ્તાહમાં 644 જેટલી કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો (Q4 Results) જાહેર કરવાની છે. જેમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL), ગેલ (GAIL) અને એનટીપીસી (NTPC) જેવી મોટી કંપનીઓ સામેલ છે. આ કંપનીઓના રિઝલ્ટ જે તે શેરની ચાલ નક્કી કરશે.
વિદેશી રોકાણકારો (FPI) ની સતત વેચવાલી
વૈશ્વિક અનિશ્ચિતતા અને ભૌગોલિક તણાવ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. મે મહિનામાં તેમણે અત્યાર સુધીમાં 27,048 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. NSDL ના આંકડા મુજબ, વર્ષ 2026 માં અત્યાર સુધીમાં FPI દ્વારા કુલ 2.2 લાખ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચવામાં આવી છે. અમેરિકન ડોલરની મજબૂતી અને યુએસ બોન્ડ યીલ્ડ ઊંચા હોવાને કારણે વિદેશી રોકાણકારો માટે ત્યાં રોકાણ કરવું વધુ આકર્ષક બન્યું છે.
અન્ય મહત્ત્વના આંકડાઓ પર રહેશે નજર
આગામી સપ્તાહમાં ચીન, અમેરિકા અને ભારતના નવા આર્થિક આંકડાઓ જાહેર થશે. આ ઉપરાંત, અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ની બેઠકની મિનિટ્સ પણ બહાર આવશે. આ તમામ ગ્લોબલ ઇવેન્ટ્સ ભારતીય શેરબજારની આગામી દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. રોકાણકારોએ હાલ પૂરતું બજારમાં સાવચેતીપૂર્વક ટ્રેડિંગ કરવું હિતાવહ છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.