ટેક્સ પેયર્સ માટે સારા સમાચાર છે. જુલાઈમાં રજૂ કરવામાં આવેલા મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં ટેક્સ પેયર્સને થોડી રાહત મળી છે. પરંતુ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ થનાર આગામી બજેટમાં ઓછી આવક ધરાવતા ટેક્સ પેયર્સને મોટી રાહત મળે તેવી શક્યતા છે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 3 લાખથી 7 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબમાં આવતા ટેક્સ પેયર્સને ટેક્સમાં ઘટાડાનો લાભ મળી શકે છે. ET નાઉના અહેવાલ મુજબ, સરકાર નવી સિસ્ટમ હેઠળ મુક્તિ મર્યાદા રૂ. 3 લાખથી વધુ વધારી શકે છે.
અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઓછી આવક ધરાવતા વર્ગ માટે મોટી રાહત અપેક્ષિત છે પરંતુ હાઇ ટેક્સ સ્લેબ માટે કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. આ અંગે અંતિમ નિર્ણય બજેટની નજીક લેવામાં આવશે. જુલાઈમાં રજૂ કરાયેલા બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે નવા ટેક્ષ વ્યવસ્થામાં ટેક્સ પેયર્સને થોડી રાહત આપી હતી. ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. તેમજ સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.
ઇન્ડસ્ટ્રી બોડી CIIએ સરકારને 2024-25 માટે GDPના 4.9% અને 2025-26 માટે 4.5%ના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત વધુ પડતા આક્રમક લક્ષ્યાંકો ભારતના આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર કરી શકે છે તેવી ચેતવણી પણ આપી હતી. CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે ધીમી વૈશ્વિક અર્થવ્યવસ્થા વચ્ચે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. મેક્રો ઇકોનોમિક સ્થિરતા માટે વિવેકપૂર્ણ નાણાકીય વ્યવસ્થાપન આ ગ્રોથ માટે મહત્વપૂર્ણ છે.