Budget 2024 Halwa Ceremony: કેન્દ્રીય બજેટની રજૂઆત પહેલા પરંપરાગત હલવો સમારોહ મંગળવારે પૂર્ણ થયો હતો. આ કાર્ય બજેટ તૈયારીના છેલ્લા તબક્કામાં કરવામાં આવે છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં નોર્થ બ્લોકમાં હલવા સેરેમની યોજાયો હતો. બજેટની તૈયારીની "લોક-ઇન" પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દર વર્ષે પરંપરાગત આ સમારોહ યોજવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજીને આ મહિને રજૂ થનારા બજેટ અંગે તેમના મંતવ્યો અને સૂચનો મેળવ્યા હતા. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. જાણીતા અર્થશાસ્ત્રીઓ ઉપરાંત, નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી અને અન્ય સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી.
બજેટની પ્રિન્ટિંગ પહેલા નોર્થ બ્લોકમાં હલવા સમારોહની ઉજવણી કરવામાં આવે છે. આમાં પરંપરાગત રીતે હલવો એક મોટી તપેલીમાં બનાવવામાં આવે છે. તે કહેવતને કારણે ઉજવવામાં આવે છે - કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા, વ્યક્તિએ કંઈક મીઠું ખાવું જોઈએ જેથી કામ સારી રીતે પૂર્ણ થાય.
આ દરમિયાન નાણામંત્રી પોતે જ તે હલવો નાણા મંત્રાલયના તમામ અધિકારીઓને પોતાના હાથે પીરસે છે. આ સમારોહ બજેટ દસ્તાવેજોની પ્રિન્ટિંગની શરૂઆત પહેલાં થાય છે.
હલવો સમારોહ નાણા મંત્રાલયમાં કડક લોકડાઉનની શરૂઆત પણ કરે છે. એકવાર સમારોહ પૂર્ણ થયા પછી, બજેટ પ્રક્રિયા સાથે સંકળાયેલા કોઈપણ અધિકારીને સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી મંત્રાલયની જગ્યા છોડવાની મંજૂરી આપવામાં આવતી નથી. 1950માં બજેટ લીક થવાને કારણે તત્કાલિન નાણામંત્રી જોન મથાઈએ રાજીનામું આપવું પડ્યું ત્યારથી આ પરંપરાનું કડકાઈથી પાલન કરવામાં આવે છે.