Home Delivery of Alcohol: દારૂનું સેવન કરનારાઓ માટે એક સારા સમાચાર છે. દેશના ઘણા રાજ્યોમાં ટૂંક સમયમાં દારૂની હોમ ડિલિવરી જોવા મળી શકે છે. એક રિપોર્ટ અનુસાર, કર્ણાટક, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, ગોવા, કેરળ અને દિલ્હી સહિત કેટલાંય ભારતીય રાજ્યો સ્વિગી, બિગબાસ્કેટ, ઝોમેટો અને બ્લિકિન્ટ દ્વારા દારૂની ઓનલાઈન હોમ ડિલિવરી શરૂ કરવાનું વિચારી રહ્યા છે. હાલમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાનો વિચાર છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, પ્રારંભિક તબક્કામાં બીયર, વાઇન અને દારૂ જેવી ઓછી આલ્કોહોલની ટકાવારી સાથે ઉત્પાદનોની હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવશે.
અહેવાલમાં જણાવાયું છે કે, અધિકારીઓ હાલમાં આ પગલાના ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં દેશના માત્ર 2 રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જ દારૂની હોમ ડિલિવરી કરવાની મંજૂરી છે.
તમને જણાવી દઈએ કે કોવિડ-19 લોકડાઉન દરમિયાન મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ અને આસામમાં પ્રતિબંધો સાથે દારૂની હોમ ડિલિવરીની અસ્થાયી રૂપે મંજૂરી આપવામાં આવી હતી. ETના અહેવાલ મુજબ, આ રાજ્યોમાં લોકડાઉન દરમિયાન તમામ હંગામી પ્રતિબંધો છતાં દારૂની હોમ ડિલિવરી સફળ રહી હતી.
રિપોર્ટ અનુસાર, રિટેલ ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું કે ઓનલાઈન ડિલિવરીને કારણે તે સમયે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વેચાણમાં 20 થી 30 ટકાનો વધારો થયો હતો.