ભારત દ્વારા આયાત કરવામાં આવતા માલ સામાનના આંકડામાં પણ વધારો થયો છે.
વિદેશમાં ભારતીય વસ્તુઓની ખૂબ ડિમાન્ડ છે. અમે આવું નથી કહી રહ્યા પરંતુ એક્સપોર્ટના આંકડા જણાવી રહ્યા છીએ. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઇન્ટ્રીમ વેપાર ડેટા અનુસાર, ભારતનું કુલ એક્સપોર્ટ (સામાન અને સેવાઓ સહિત) એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં $200.3 બિલિયન રહી હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં $184.5 બિલિયન હતી. ખાસ વાત એ છે કે કોઈપણ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દેશ દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી વધુ એક્સપોર્ટ છે.
જૂનમાં ભારતનું એક્સપોર્ટ ખૂબ વધ્યુ
કોઈપણ દેશના એક્સપોર્ટ ડેટામાં ઉછાળાનો અર્થ એ છે કે તે દેશમાં બનેલી ચીજવસ્તુઓની માંગ અન્ય દેશોના બજારોમાં વધી રહી છે અને ભારતમાં પણ એવું જ છે. તેની એક્સપોર્ટમાં જોરદાર વધારો થયો છે. જો આપણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર નજર કરીએ તો, જૂન 2024માં માલનું એક્સપોર્ટ 2.55 ટકા વધીને $35.2 બિલિયન થયું છે, જે એક વર્ષ પહેલા જૂનમાં $34.32 બિલિયન હતું. ગયા મહિને, મે 2024માં ભારતના માલસામાનનું એક્સપોર્ટ 9.1 ટકા વધીને $38.13 બિલિયન થયું હતું.
ભારતે મોટાપાયે વિદેશી વસ્તુઓની ખરીદી કરી
આ સમયગાળા દરમિયાન ભારત દ્વારા આયાત કરવામાં આવતા માલ સામાનના આંકડામાં પણ વધારો થયો છે. જૂન મહિનામાં ભારતની આયાતમાં 5 ટકાનો વધારો થયો છે. જૂન 2024માં સામાનની આયાત 5 ટકા વધીને $56.18 બિલિયન થઈ, જ્યારે જૂન 2023માં તે $53.51 બિલિયન હતી. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ભારતની વેપાર ખાધ 20.98 અબજ ડોલર નોંધાઈ છે.
એક તરફ દેશમાં મોંઘવારીના આંકડામાં વધારો થયો છે. પ્રથમ, રિટેલ ફુગાવો 5 ટકાથી ઉપર ગયો, જ્યારે સોમવારે જ જથ્થાબંધ ફુગાવાના ડેટામાં WPI પણ 3.36 ટકા પર પહોંચી ગયો. પરંતુ આ દરમિયાન એક્સપોર્ટ ડેટા સારા સમાચાર લઈને આવ્યા છે.
એક્સપોર્ટ 800 અબજ ડોલરને પાર કરશે!
ભારતની એક્સપોર્ટના બેસ્ટ ડેટાને જોતા, વાણિજ્ય મંત્રાલયે આ નાણાકીય વર્ષમાં દેશની એક્સપોર્ટમાં 800 અબજ ડોલરથી વધુની વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરી છે. એક્સપોર્ટના આંકડા જાહેર કરતાં વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે કહ્યું કે ત્રિમાસિક આંકડાઓ એકદમ આશાવાદી છે, કુલ એક્સપોર્ટ $200 બિલિયનને વટાવી ગઈ છે અને જો આ ગતિ ચાલુ રહેશે તો અમે આ નાણાકીય વર્ષમાં એક્સપોર્ટમાં $800 બિલિયનને પાર કરી જઈશું.