Ambuja Cement Merger: અંબુજા સિમેન્ટના બોર્ડે ACC અને ઓરિયન્ટ સિમેન્ટના વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે.
Ambuja Cement Merger: અદાણી ગ્રુપે સિમેન્ટ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં મળેલા સમાચાર મુજબ, અંબુજા સિમેન્ટના બોર્ડ દ્વારા સિમેન્ટ કારોબારના વિલીનીકરણ (Merger) માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ નિર્ણય હેઠળ હવે ACC અને ઓરિયન્ટ સિમેન્ટનો વિલય અંબુજા સિમેન્ટમાં કરવામાં આવશે. આ સમાચાર આવતાની સાથે જ શેરબજારમાં પણ તેની હકારાત્મક અસર જોવા મળી છે, જેમાં ખાસ કરીને ઓરિયન્ટ સિમેન્ટના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. આ મર્જરનો મુખ્ય ઉદ્દેશ્ય અદાણી ગ્રુપના તમામ સિમેન્ટ બિઝનેસને એક જ છત નીચે લાવવાનો છે.
જાણો શેર સ્વેપ રેશિયો વિશે
આ વિલીનીકરણ પ્રક્રિયામાં સૌથી મહત્વનો મુદ્દો શેર સ્વેપ રેશિયો (Share Swap Ratio) છે, જે રોકાણકારો માટે જાણવો ખૂબ જરૂરી છે. નક્કી થયેલા રેશિયો મુજબ, જો કોઈ શેરધારક પાસે ACCના 100 શેર હશે, તો તેના બદલામાં તેને અંબુજા સિમેન્ટના 328 શેર મળશે. તેવી જ રીતે, ઓરિયન્ટ સિમેન્ટના શેરધારકો માટે પણ રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. ઓરિયન્ટ સિમેન્ટના 100 શેરની સામે શેરધારકોને અંબુજા સિમેન્ટના 33 શેર આપવામાં આવશે. આ ફેવરેબલ મર્જર રેશિયોને કારણે માર્કેટમાં ઓરિયન્ટ સિમેન્ટ 10 ટકા ઉપર કારોબાર કરતો જોવા મળ્યો, જ્યારે અંબુજા સિમેન્ટમાં પણ 2 ટકાનો ઉછાળો નોંધાયો છે.
ભવિષ્યમાં અન્ય કંઈ કંપનીઓ થશે મર્જ?
આ મેગા મર્જર માત્ર ACC અને ઓરિયન્ટ પૂરતું સીમિત નથી, પરંતુ ભવિષ્યમાં સાંઘી (Sanghi) અને પેન્ના (Penna) સિમેન્ટ પણ અંબુજામાં મર્જ થશે. આનાથી દેશભરમાં સિમેન્ટ માટેનું એક વિશાળ પ્લેટફોર્મ તૈયાર થશે. કંપનીનું માનવું છે કે આ વિલીનીકરણથી ઓપરેશનલ સિનર્જી વધશે અને ખર્ચમાં ઘટાડો થશે. ખાસ કરીને, આ મર્જરને કારણે કંપનીને પ્રતિ ટન (PMT) 100 રૂપિયા સુધીનો માર્જિન વધારવામાં મદદ મળશે. આનાથી ખર્ચ ઘટશે અને ક્ષમતા વિસ્તારવાનું કામ વધુ સરળ બનશે.
મોર્ગન સ્ટેનલી પણ મર્જરને લઈ બુલિશ
આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં અંદાજે 12 મહિનાનો સમય લાગવાની શક્યતા છે. હાલમાં આ મર્જર માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI), શેરધારકો, ક્રેડિટર્સ, સેબી (SEBI) અને NCLT ની મંજૂરી મળવાની બાકી છે. જોકે, ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી આ મર્જરને લઈને ઘણી બુલિશ (તેજીમાં) છે. બ્રોકરેજે અંબુજા સિમેન્ટને 'ઓવરવેટ' રેટિંગ આપ્યું છે અને શેર માટે 650 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેમના મતે, ACC ના માઈનોરિટી શેરધારકો માટે આ રેશિયો ન્યૂટ્રલ છે, પરંતુ ઓરિયન્ટ સિમેન્ટના રોકાણકારો માટે આ ડીલ પોઝિટિવ સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.