ઈશા અંબાણીએ જણાવ્યું કે ગ્રાહકોનો રિલાયન્સ પર વિશ્વાસ સતત વધી રહ્યો છે.કંપનીનો રજિસ્ટર્ડ કસ્ટમર બેઝ 11 ટકા વધીને 38.7 કરોડ પર પહોંચી ગયો છે.
Reliance AGM 2026: દેશની સૌથી મોટી રિટેલ કંપની રિલાયન્સ રિટેલએ નાણાકીય વર્ષ 2025-26 માં શાનદાર પ્રદર્શન કરીને નવો ઇતિહાસ રચ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં રિટેલ બિઝનેસની કમાન સંભાળી રહેલા ઈશા અંબાણીએ આ વર્ષના ઐતિહાસિક નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
ફાઇનાન્શિયલ આંકડાઓમાં જબરદસ્ત ઉછાળો
વૈશ્વિક પડકારો છતાં રિલાયન્સ રિટેલની કુલ આવક વાર્ષિક ધોરણે 11.8 ટકા વધીને 3,70,026 કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો પણ 7.9 ટકા વધીને 27,033 કરોડ રૂપિયા રહ્યો છે. ખાસ વાત એ છે કે આ નફો રિટેલ સેક્ટરમાં તેમના સૌથી નજીકના હરીફ કરતા 3.4 ગણો વધારે છે.
ગ્રાહકોનો વધતો ભરોસો અને શાનદાર વિસ્તરણ
ઈશા અંબાણીએ જણાવ્યું કે ગ્રાહકોનો રિલાયન્સ પર વિશ્વાસ સતત વધી રહ્યો છે.કંપનીનો રજિસ્ટર્ડ કસ્ટમર બેઝ 11 ટકા વધીને 38.7 કરોડ પર પહોંચી ગયો છે.આખા વર્ષમાં કંપનીએ રેકોર્ડ 1.93 અબજ (193 કરોડ) ટ્રાન્ઝેક્શન પૂરા કર્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 39 ટકાનો મોટો ઉછાળો દર્શાવે છે.સ્ટોર નેટવર્કની વાત કરીએ તો સ્માર્ટ બઝારના 1,000 થી વધુ સ્ટોર્સ ખુલી ચૂક્યા છે. હોમ અને પર્સનલ કેર સેગમેન્ટમાં પણ રિલાયન્સનો ગ્રોથ આખી ઇન્ડસ્ટ્રી કરતા 5 ગણો વધુ નોંધાયો છે.
JioMart નું ક્વિક કોમર્સ સેક્ટરમાં મોટું પગેરું
ક્વિક કોમર્સ સેક્ટરમાં કંપનીને જબરદસ્ત સફળતા મળી છે. જિયોમાર્ટ આજે દેશના સૌથી મોટા ક્વિક કોમર્સ નેટવર્કમાંથી એક બની ગયું છે. 3,100 થી વધુ રિટેલ સ્ટોર્સના મજબૂત બેકઅપ સાથે, આ નેટવર્ક દેશના 1,200 થી વધુ શહેરો અને 5,100 થી વધુ પિન કોડ્સ પર ગ્રાહકોને પોતાની સેવાઓ આપી રહ્યું છે.
Campa અને FMCG માર્કેટમાં ધમાકો
રિલાયન્સની FMCG પાંખ એટલે કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડએ આ વર્ષે 22,000 કરોડ રૂપિયાની ગ્રોસ આવક નોંધાવી છે. કંપનીની પ્રોડક્ટ્સ આજે 40 થી વધુ દેશોમાં પહોંચી ગઈ છે. સૌથી ચોંકાવનારા આંકડા રિલાયન્સ દ્વારા રી-લોન્ચ થયેલી કોલ્ડ ડ્રિંક બ્રાન્ડ કેમ્પાના રહ્યા છે. 4,700 કરોડ રૂપિયાથી વધુના વેચાણ સાથે કેમ્પાએ ખૂબ જ ટૂંકાગાળામાં કોલ્ડ ડ્રિંક માર્કેટમાં 10 ટકાથી વધુનો (ડબલ ડિજિટ) હિસ્સો કબજે કરી લીધો છે.
ઈશા અંબાણીએ અંતમાં જણાવ્યું કે, આ શાનદાર સફળતા ખૂબ જ મુશ્કેલ સમયમાં મળી છે. ભૌગોલિક રાજકીય તણાવ કાચા માલના વધેલા ભાવ અને સપ્લાય ચેનની મુશ્કેલીઓ છતાં, રિલાયન્સ રિટેલે પોતાના મજબૂત એક્ઝિક્યુશન અને દેશવ્યાપી નેટવર્કના દમ પર ગ્રોથ અને નફાના નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.