હવાઈ ક્ષેત્રમાં મુકાયેલા પ્રતિબંધોને કારણે એર ઈન્ડિયાની બ્રિટન, યુરોપ અને ઉત્તર અમેરિકા જતી ફ્લાઈટ્સે હવે લાંબા રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.
US-Iran War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની અસર હવે એવિએશન સેક્ટર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. એર ઈન્ડિયા (Air India) ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કેમ્પબેલ વિલ્સને જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના સંઘર્ષને કારણે કંપનીને મોટો ફટકો પડ્યો છે. તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા બિનજરૂરી ખર્ચ પર કડક નિયંત્રણ રાખવા પર ભાર મૂક્યો છે. 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદથી મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે, જેની સીધી અસર એરલાઈન્સ કંપનીઓ પર પડી છે.
માત્ર 30 ટકા ફ્લાઈટ્સનું સંચાલન ચાલુ
CEO કેમ્પબેલ વિલ્સને કર્મચારીઓને એક ઈમેલ સંદેશ મોકલીને પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે,સંઘર્ષ શરૂ થયાના માત્ર 3 અઠવાડિયામાં જ પશ્ચિમ એશિયાની લગભગ 2500 ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. હાલમાં એર ઈન્ડિયા પશ્ચિમ એશિયામાં પોતાની સામાન્ય ફ્લાઈટ્સમાંથી માત્ર 30 ટકા જ ઉડાન ભરી રહી છે. ઘણા એરપોર્ટ અને હવાઈ વિસ્તારો બંધ કરી દેવાયા છે અથવા તો કંપનીના સુરક્ષા ધોરણો મુજબ ત્યાંથી ઉડાન ભરવી જોખમી છે.
લાંબા રૂટને કારણે ઈંધણનો ખર્ચ વધ્યો
હવાઈ ક્ષેત્રમાં મુકાયેલા પ્રતિબંધોને કારણે એર ઈન્ડિયાની બ્રિટન, યુરોપ અને ઉત્તર અમેરિકા જતી ફ્લાઈટ્સે હવે લાંબા રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. લાંબા અંતરને કારણે વિમાનમાં ઈંધણનો વપરાશ પણ ઘણો વધી ગયો છે. વિલ્સને ઉમેર્યું કે, પશ્ચિમ એશિયામાંથી પસાર થતી ફ્લાઈટ્સની સંખ્યા વધુ હોવાથી એર ઈન્ડિયા ગ્રુપ પર તેની મોટી અસર જોવા મળી રહી છે.
મોંઘા જેટ ફ્યુઅલની અસર આવતા મહિને દેખાશે
કેમ્પબેલ વિલ્સનના જણાવ્યા અનુસાર, આ સંકટની પૂરી આર્થિક અસર હજુ દેખાવાની બાકી છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (જેટ ફ્યુઅલ) ની હાજર કિંમતો બમણાથી પણ વધુ થઈ ગઈ છે. આ મોંઘા ઈંધણની અસર આવતા મહિનાથી કંપની પર સ્પષ્ટપણે જોવા મળશે. વિલ્સને કર્મચારીઓને અપીલ કરી છે કે હાલમાં પૂરું ધ્યાન ઓપરેશન્સ પર આપવું, બિનજરૂરી ખર્ચાઓ પર પહેલા કરતા વધુ કડક કાપ મૂકવો અને ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવાનું ચાલુ રાખવું.
નોંધનીય છે કે, ઈંધણના વધતા ભાવને પહોંચી વળવા માટે એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો અને અકાસા એર જેવી તમામ એરલાઈન્સે પેસેન્જર ટિકિટો પર 'ફ્યુઅલ સરચાર્જ' અને અન્ય ચાર્જીસ લગાવવાનું શરૂ કરી દીધું છે. યુદ્ધની આ સ્થિતિ જલ્દી સામાન્ય નહીં થાય તો સામાન્ય મુસાફરો માટે વિમાન પ્રવાસ વધુ મોંઘો બની શકે છે.