Vodafone Idea Share Price: વોડાફોન આઇડિયાના શેરમાં 7%નો જંગી ઉછાળો!
Vodafone Idea Share Price: શેરબજારમાં વોડાફોન આઇડિયા (Vodafone Idea)ના રોકાણકારો માટે એક મોટા અને ખુશખબર સમાન સમાચાર સામે આવ્યા છે. ટેલિકોમ કંપનીના પ્રમોટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન કુમાર મંગલમ બિરલા કંપનીમાં નવી મૂડી (ફંડ) નાખવા જઈ રહ્યા છે. આ સમાચાર વહેતા થતાની સાથે જ વોડાફોન આઇડિયાના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને શેર રોકેટ ગતિએ આગળ વધ્યો હતો.
કંપનીને ફંડની કેમ છે સખત જરૂર?
હાલમાં વોડાફોન આઇડિયાને પોતાના રોજિંદા ઓપરેશન્સ ચાલુ રાખવા અને નવી ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે મોટા ફંડની સખત જરૂર છે. કંપની પોતાનું નેટવર્ક સુધારવા માટે નવા ઇક્વિપમેન્ટ ખરીદવા માંગે છે, જેના માટે આ નવી મૂડી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કંપની પહેલેથી જ SBI ની આગેવાની હેઠળના બેંકોના સમૂહ (કન્સોર્ટિયમ) સાથે લોન માટે વાતચીત કરી રહી છે. જોકે બેંકોએ લોન આપવા માટે વોડાફોન સામે કેટલીક શરતો રાખી છે, પરંતુ નવી મૂડી આવવાથી લોન મળવાનો રસ્તો પણ સાફ થઈ શકે છે.
બિરલાની વાપસીથી વધ્યો આત્મવિશ્વાસ
રવીન્દર ટક્કરની જગ્યાએ જ્યારથી કુમાર મંગલમ બિરલાએ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વાપસી કરી છે, ત્યારથી કંપની અને તેના રોકાણકારોનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો છે. બીજી તરફ, એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (AGR) મામલે કંપનીને મોટી રાહત મળી છે. એજીઆર મામલે રાહત અને બિરલાની વાપસી બાદ હવે બેંકો પણ વોડાફોન આઇડિયાને લોન આપવામાં રસ દાખવી રહી છે.
શેરના ભાવમાં 7%નો જંગી ઉછાળો
કંપનીમાં નવી મૂડી આવવાના એક્સક્લુઝિવ અહેવાલોની સીધી અસર શેરના ભાવ પર જોવા મળી હતી. 13 મેના રોજ સવારે કંપનીનો શેર 12.17 રૂપિયાના ભાવે મામૂલી તેજી સાથે ખૂલ્યો હતો. પરંતુ મૂડી રોકાણના સમાચાર આવતા જ થોડી વારમાં શેરમાં મોટી તેજી આવી અને સવારે 11:30 વાગ્યા સુધીમાં શેર 7 ટકાના જંગી ઉછાળા સાથે 12.72 રૂપિયા પર પહોંચી ગયો હતો.
છેલ્લા એક જ મહિનામાં વોડાફોન આઇડિયાના શેરમાં 38 ટકાનો શાનદાર વધારો નોંધાયો છે. જે રોકાણકારો લાંબા સમયથી નીચા ભાવે આ શેરમાં ફસાયેલા હતા, તેમના માટે આ ઉછાળો અને નવી મૂડીના સમાચાર એક ખૂબ જ મોટી રાહત લઈને આવ્યા છે. આગામી સમયમાં કંપનીની ટેકનોલોજી અપગ્રેડ થવાથી માર્કેટમાં તેનો દેખાવ વધુ સુધરે તેવી પૂરી શક્યતા છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.