AI નો મોટો ઝટકો: માઈક્રોસોફ્ટ અને ઉબર જેવી જાયન્ટ કંપનીઓનું બજેટ ખોરવાયું, માણસો કરતાં ટેક્નોલોજી પડી મોંઘી
માઈક્રોસોફ્ટ અને ઉબર જેવી મોટી ટેક કંપનીઓ AI ના અતિશય ખર્ચથી પરેશાન છે. ઉબરે તો 2026 નું આખું બજેટ માત્ર 4 મહિનામાં જ વાપરી નાખ્યું! જાણો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાછળ કેમ થઈ રહ્યો છે આટલો મોટો ખર્ચ.
હકીકત એ છે કે કંપનીઓ પોતાના સ્ટાફને AI વાપરવા માટે જેટલો વધારે આગ્રહ કરે છે, તે ટૂલ્સ પાછળનો ખર્ચ એટલી જ ઝડપથી વધે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ફાયદાઓની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે, પણ હવે તેનો એક બીજો ચહેરો સામે આવ્યો છે. જે ટેક્નોલોજી કામ સહેલું અને સસ્તું કરવા માટે લવાઈ હતી, તે હવે દુનિયાની સૌથી મોટી કંપનીઓ માટે માથાનો દુખાવો બની રહી છે. હાલત એવી છે કે માણસોને પગાર આપવા કરતાં આ કોડિંગ ટૂલ્સનો ખર્ચો કંપનીઓને વધારે ભારે પડી રહ્યો છે. માઈક્રોસોફ્ટ અને ઉબર જેવી જાયન્ટ કંપનીઓના હાલ અત્યારે વખાણવા લાયક નથી રહ્યા. કર્મચારીઓએ એટલા મોટા પાયે આ એઆઈ ટૂલ્સનો ઉપયોગ શરૂ કરી દીધો કે કંપનીઓએ હવે ધીમે ધીમે તેમાંથી પાછળ હટવું પડી રહ્યું છે.
માઈક્રોસોફ્ટે શું લીધો નિર્ણય?
દિગ્ગજ અમેરિકન ટેક કંપની માઈક્રોસોફ્ટે હવે પોતાના મોટાભાગના ડાયરેક્ટ Claude Code લાયસન્સ રદ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની હવે પોતાના એન્જિનિયરિંગ સ્ટાફને ધીમે ધીમે GitHub Copilot CLI તરફ વાળી રહી છે.
આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે કંપનીએ પોતે જ AI-આધારિત કોડિંગના પ્રયોગોને જોરદાર પ્રોત્સાહન આપ્યું હતું. માત્ર 6 મહિના પહેલા જ માઈક્રોસોફ્ટે પોતાના હજારો ડેવલપર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ અને ડિઝાઈનર્સ માટે Claude Code નો એક્સેસ ખોલ્યો હતો. ઓફિસમાં કર્મચારીઓએ ભારે ઉત્સાહથી આ ટૂલ અપનાવ્યું પણ ખરું. જોકે, જેમ જેમ ઉપયોગ વધ્યો તેમ તેમ કંપનીનો ખર્ચો એટલી હદે વધી ગયો કે તેમને બ્રેક મારવી પડી છે.
એક વાત સ્પષ્ટ છે કે આ નિર્ણયથી માઈક્રોસોફ્ટ અને Anthropic વચ્ચેના મોટા કોમર્શિયલ કરારો પર કોઈ જ અસર નહીં પડે.
કંપનીની ફાઉન્ડ્રી ડીલમાં હજુ પણ Anthropic માં 5 બિલિયન ડોલર સુધીનું રોકાણ સામેલ છે, જે ગ્રાહકોને ક્લોડ મોડલ્સનો એક્સેસ આપે છે.
આ ઉપરાંત, Anthropic ની Azure ક્લાઉડ ક્ષમતા ખરીદવાની 30 બિલિયન ડોલરની પ્રતિબદ્ધતા પણ યથાવત જ રહેશે.
ઉબરે 2026 નું બજેટ 4 મહિનામાં જ ઉડાવી દીધું
બીજી તરફ રાઈડ-હેલિંગ કંપની ઉબરનો કિસ્સો તો આનાથી પણ વધારે ચોંકાવનારો છે. ઉબરના ચીફ ટેક્નોલોજી ઓફિસર પ્રવીણ નેપલ્લી નાગાએ એપ્રિલ મહિનામાં જ એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે કંપનીએ વર્ષ 2026 માટે AI કોડિંગ ટૂલ્સનું જે બજેટ ફાળવ્યું હતું, તે માત્ર 4 જ મહિનામાં ખતમ થઈ ગયું છે.
આ વાત એટલે પણ નવાઈ પમાડે તેવી છે કારણ કે ઉબર જ પોતાના કર્મચારીઓને AI ટૂલ્સ વાપરવા માટે સૌથી વધુ પ્રોત્સાહિત કરી રહ્યું હતું. કર્મચારીઓ વચ્ચે હરીફાઈ થાય અને તેઓ વધુને વધુ એઆઈ વાપરે તે માટે કંપનીએ અંદરખાને લીડરબોર્ડ પણ બનાવ્યા હતા.
વધુ પડતા ઉપયોગથી વધ્યો આર્થિક બોજો
લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, માઈક્રોસોફ્ટ અને ઉબરમાં જોવા મળી રહેલો આ ટ્રેન્ડ એક નવા પ્રકારના તણાવ તરફ ઈશારો કરે છે. વર્કપ્લેસ પર એઆઈના ઉપયોગની ચર્ચાઓમાં તેના આર્થિક પાસા પર બહુ ઓછું ધ્યાન અપાયું છે. હકીકત એ છે કે કંપનીઓ પોતાના સ્ટાફને AI વાપરવા માટે જેટલો વધારે આગ્રહ કરે છે, તે ટૂલ્સ પાછળનો ખર્ચ એટલી જ ઝડપથી વધે છે.