Atul Auto Share Price: વિજય કેડિયાના રોકાણ વાળી આ કંપનીને મળ્યો 490 કરોડનો મોટો ઓર્ડર, શેરના ભાવમાં આવ્યો રોકેટ જેવો ઉછાળો
Atul Auto Share Price: અતુલ ઓટોને એક્સપોનન્ટ એનર્જી તરફથી 15,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનો 490.5 કરોડનો ઓર્ડર મળ્યો છે. શેરબજારમાં ઘટાડા વચ્ચે પણ આ શેર 10% જેટલો ઉછળ્યો છે. જાણો વિગતવાર.
Atul Auto Share Price: અતુલ ઓટોને એક્સપોનન્ટ એનર્જી તરફથી 15,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરનો 490.5 કરોડનો ઓર્ડર મળ્યો છે.
Atul Auto Share Price: ભારતીય શેરબજારમાં જ્યારે ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે થ્રી-વ્હીલર બનાવતી દિગ્ગજ કંપની Atul Autoના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીને મળેલો એક મોટો ઓર્ડર આ તેજી પાછળનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ મોટું રોકાણ કર્યું છે.
490.5 કરોડનો મોટો ઓર્ડર મળ્યો
અતુલ ઓટોએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, તેને ‘એક્સપોનન્ટ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ' (Exponent Energy) તરફથી 15,000 ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સની સપ્લાય માટેનો મોટો ઓર્ડર મળ્યો છે. આ આખો ઓર્ડર આશરે 490.5 કરોડ રૂપિયાનો છે, જેને આગામી 3 વર્ષમાં પૂરો કરવાનો રહેશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની મંજૂરી બાદ આ સમયગાળામાં વધારાના 6 મહિનાની છૂટ મળી શકે છે.
શેરના ભાવમાં મોટો ઉછાળો
આ સમાચાર આવતાની સાથે જ 24 એપ્રિલના રોજ અતુલ ઓટોના શેર પર રોકાણકારો તૂટી પડ્યા હતા. એક તબક્કે શેરનો ભાવ 10% જેટલો વધી ગયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ શેર 6.45% ના વધારા સાથે 506 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરે તેના રોકાણકારોને આશરે 22% જેટલું વળતર આપ્યું છે અને હવે તે તેના 52-વીક હાઈ (554 રૂપિયા) ની નજીક પહોંચી ગયો છે.
એક્સપોનન્ટ એનર્જી સાથે ભાગીદારીની વિગતો
આ પ્રોજેક્ટમાં અતુલ ઓટો ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) તરીકે કામ કરશે. આ વાહનોની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
આ ઇલેક્ટ્રિક વાહનોમાં એક્સપોનન્ટની પાવરટ્રેન અને બેટરી સિસ્ટમનો ઉપયોગ થશે.
આ વ્હીકલ્સમાં માત્ર 15 મિનિટમાં રેપિડ ચાર્જિંગની સુવિધા મળશે.
બેટરી લાઈફ પર 2 વર્ષની વોરંટી આપવામાં આવશે.
કંપની વાહનોનું મેન્યુફેક્ચરિંગ, સપ્લાય અને સર્વિસિંગની જવાબદારી સંભાળશે.
વિજય કેડિયાનું છે મોટું રોકાણ
અતુલ ઓટોમાં જાણીતા રોકાણકાર વિજય કેડિયાની મોટી હિસ્સેદારી છે. તેમની પાસે કંપનીના આશરે 18.20% શેર છે. અતુલ ઓટો ભારતની મોટી થ્રી-વ્હીલર કંપનીઓમાંની એક છે, જે 25 થી વધુ રાજ્યોમાં 300થી વધુ આઉટલેટ્સ ધરાવે છે અને દુનિયાના 20થી વધુ દેશોમાં નિકાસ કરે છે. નાણાકીય વર્ષ 2025માં કંપનીનું ટર્નઓવર 600 કરોડ રૂપિયાથી વધુ નોંધાયું હતું.
બજારના ઘટાડા વચ્ચે પણ શેર ચમક્યો
જ્યારે 24 એપ્રિલના રોજ સેન્સેક્સ અને નિફ્ટીમાં 1%થી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે અતુલ ઓટોના શેરે ગ્રીન ઝોનમાં રહીને રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. શેરબજારમાં નિફ્ટી 271 પોઈન્ટ અને સેન્સેક્સ 976 પોઈન્ટ જેટલા તૂટ્યા હોવા છતાં આ સ્ટોકમાં આવેલી તેજી ચર્ચાનો વિષય બની છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેક્ટરમાં વધી રહેલી માંગ અને અતુલ ઓટોને મળેલો આ મોટો ઓર્ડર કંપનીના ભવિષ્ય માટે સારા સંકેત આપી રહ્યો છે. જોકે, શેરબજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.