જેલની સજા ઉપરાંત, કોર્ટે બાયજુ રવીન્દ્રન સામે અન્ય કેટલાક આદેશો પણ જારી કર્યા છે. રવીન્દ્રનને કોર્ટનો ખર્ચ પૂરો કરવા માટે 90,000 સિંગાપોર ડોલર ચૂકવવાનો આદેશ અપાયો છે.
એક સમયે ભારતની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય એડટેક કંપની રહેલી Byju's ના મુશ્કેલીના દિવસો પૂરા થવાનું નામ નથી લઈ રહ્યા. હવે કંપનીના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રનને સિંગાપોરની કોર્ટ તરફથી એક મોટો અને આકરો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમને અવમાનનાના એક કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી છે.
સિંગાપોર કોર્ટે કેમ ફટકારી જેલની સજા?
સિંગાપોર કોર્ટે બાયજુ રવીન્દ્રનને તાત્કાલિક અધિકારીઓ સમક્ષ સરન્ડર (શરણાગતિ) થવાનો આદેશ આપ્યો છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, એપ્રિલ 2024 માં બાયજુ રવીન્દ્રનની સંપત્તિઓને લઈને કોર્ટે કેટલાક મહત્વના આદેશો આપ્યા હતા. પરંતુ રવીન્દ્રને આ આદેશોનું પાલન કર્યું ન હતું. કોર્ટના આદેશની વારંવાર અવગણના કરવા બદલ જ તેમને આ 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.
દંડ અને દસ્તાવેજોની માંગણી
જેલની સજા ઉપરાંત, કોર્ટે બાયજુ રવીન્દ્રન સામે અન્ય કેટલાક આદેશો પણ જારી કર્યા છે. રવીન્દ્રનને કોર્ટનો ખર્ચ પૂરો કરવા માટે 90,000 સિંગાપોર ડોલર ચૂકવવાનો આદેશ અપાયો છે. કોર્ટે તેમની પાસે એવા દસ્તાવેજો માંગ્યા છે, જેનાથી સાબિત થઈ શકે કે 'Beeaar Investco Pte' નામની કંપનીમાં તેમની કાયદેસરની માલિકી છે. નોંધનીય છે કે આ કંપની અન્ય એક સંબંધિત કંપનીમાં શેર ધરાવતી હતી.
અબજોપતિથી લઈને કાનૂની લડાઈ સુધીની સફર
Think & Learn Pvt ની શરૂઆત કરનાર બાયજુ રવીન્દ્રન એક સમયે ભારતના સ્ટાર્ટઅપ જગતનો સૌથી મોટો ચહેરો હતા. દુનિયાભરની મોટી રોકાણકાર કંપનીઓએ તેમની કંપનીમાં ફંડિંગ કર્યું હતું. પરંતુ આજે કંપની ભારે આર્થિક અને કાનૂની સંકટમાં ફસાયેલી છે.
માત્ર સિંગાપોર જ નહીં, અમેરિકામાં પણ ધિરાણકર્તાઓ તેમની પાસેથી 1.2 બિલિયન ડોલરની ડૂબેલી લોનની રકમ પાછી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
કતારની કંપનીએ પણ વધારી મુશ્કેલી
સિંગાપોરમાં બાયજુ રવીન્દ્રન સામે જે કાર્યવાહી થઈ રહી છે, તે પાછળ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની એક યુનિટ જવાબદાર છે. આ કંપનીએ એવા સમયે Byju's માં રોકાણ કર્યું હતું, જ્યારે કંપની ખર્ચ ઘટાડવા માટે પોતાના કર્મચારીઓની મોટા પાયે છટણી કરી રહી હતી.
આ કાનૂની જંગમાં Qatar Holdings તરફથી 'Drew & Napier' નામની લો ફર્મ કોર્ટમાં હાજર થઈ હતી, જ્યારે Byju's Investments નો પક્ષ 'Fervent Chambers' દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે બાયજુ રવીન્દ્રન અત્યારે ક્યાં છે? તેઓ સિંગાપોરમાં છે કે અન્ય કોઈ દેશમાં છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. કોર્ટના આદેશ બાદ હવે તેઓ ક્યારે સરન્ડર કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.