ભારતમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં રોકાણકારોનો ભરોસો સતત વધી રહ્યો છે. ઊંચા રોકાણ અને સોનાના ભાવમાં વધારાને કારણે ગોલ્ડ ETFની વ્યવસ્થા હેઠળની સંપત્તિ (AUM) પહેલી વાર રુપિયા 1 લાખ કરોડને પાર કરી ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરી 2025માં AUM રુપિયા 50,000 કરોડને વટાવી હતી, અને માત્ર નવ મહિનામાં તે બમ્ણી થઈ ગઈ.
ઓક્ટોબર મહિનો સોના અને ચાંદીના ETF માટે ખૂબ મજબૂત રહ્યો. ગોલ્ડ ETFમાં અંદાજે રુપિયા 7,800 કરોડનું રોકાણ આવ્યું, જે સપ્ટેમ્બરના રેકોર્ડ રુપિયા 8,363 કરોડની નજીક છે.
ચાંદીના ETFમાં પણ ઝડપી વિકાસ
ચાંદીના ETFમાં પણ રોકાણકારોની રૂચિ વધી છે. ઓક્ટોબરમાં આ કેટેગરીએ રુપિયા 4,300 કરોડનું રોકાણ આકર્ષ્યું, જોકે આ સપ્ટેમ્બરના રુપિયા 5,342 કરોડના ઉચ્ચ સ્તર કરતાં થોડું ઓછું છે. ઓક્ટોબરના અંતે ચાંદી ETFની AUM રુપિયા 42,500 કરોડ પર પહોંચી, જે જાન્યુઆરી 2025થી ત્રણ ગણી વધી છે.
ભાવમાં ઘટાડા છતાં રોકાણ ચાલુ
મહિનાના બીજા ભાગમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો, પરંતુ રોકાણનો પ્રવાહ અટક્યો નહીં. 3 નવેમ્બર સુધી સોનાના ભાવ 17 ઓક્ટોબરના રેકોર્ડથી 6.5% નીચે હતા. ચાંદીના ભાવ 14 ઓક્ટોબરના રુપિયા 1.8 લાખ પ્રતિ કિલોના ઉચ્ચથી 16% ઘટ્યા છે. આ વલણ દર્શાવે છે કે રોકાણકારો લાંબા ગાળાના લાભ માટે આ સાધનો પર ભરોસો રાખી રહ્યા છે.