રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે આ પ્રતિબંધથી બેન્કિંગ ક્ષેત્ર સહિતની નાણાકીય સંસ્થાઓ પર પરોક્ષ અસર થઈ શકે છે.
Rare Earth Minerals: ચીન દ્વારા રેર અર્થ ખનિજોના એક્સપોર્ટ પર લગાવવામાં આવેલા પ્રતિબંધથી ભારતના ઔદ્યોગિક ક્ષેત્રોમાં મોટી અસર થવાની શક્યતા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓના તાજેતરના રિપોર્ટ અનુસાર, આ પ્રતિબંધ ખાસ કરીને ભારતના પાંચ મુખ્ય સેક્ટર્સ—પરિવહન સાધનો, બેઝિક મેટલ્સ, મશીનરી, બાંધકામ, અને ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક્સ પર નોંધપાત્ર અસર કરશે. આ પ્રતિબંધ ભારતની ઘરેલું ઉત્પાદન ક્ષમતા અને એક્સપોર્ટ પ્રવૃત્તિઓને અસર કરી શકે છે, જેનાથી આર્થિક પડકારો ઊભા થઈ શકે છે.
ભારતની ચીન પર નિર્ભરતા
SBIના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં ભારતે 31.9 મિલિયન ડોલરના રેર અર્થ ખનિજો અને તેનાથી સંબંધિત ઉત્પાદનોનું આયાત કર્યું, જ્યારે રેર અર્થ મેગ્નેટ્સની આયાત 291 મિલિયન ડોલર સુધી પહોંચી. ચીન ભારત માટે આ ખનિજો અને તેના કમ્પાઉન્ડ્સનું મુખ્ય સપ્લાયર છે. ભારતમાં આ સામગ્રીનો વપરાશ સતત વધી રહ્યો છે, અને ચીન પરની આ ઊંચી નિર્ભરતા ઔદ્યોગિક ક્ષેત્ર, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટને જોખમમાં મૂકી શકે છે.
ઘરેલું ખનિજ શોધને પ્રોત્સાહન આપવું જરૂરી
રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે આ પ્રતિબંધથી બેન્કિંગ ક્ષેત્ર સહિતની નાણાકીય સંસ્થાઓ પર પરોક્ષ અસર થઈ શકે છે. ચીન પરની આયાત નિર્ભરતા ઘટાડવા માટે, SBIએ સરકારને ઘરેલું સ્તરે રેર અર્થ ખનિજોની શોધ અને ખનનને પ્રોત્સાહન આપવાની સલાહ આપી છે. આ સંદર્ભમાં, ઓડિશા સરકારની 8,000 કરોડની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગંજામ જિલ્લામાં ખનિજોની શોધ ચાલી રહી છે.
રેર અર્થ ખનિજો શા માટે મહત્વના છે?
અમેરિકન જીઓસાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર રેર અર્થ એલિમેન્ટ્સ એ 17 ધાતુઓનું એક જૂથ છે, જેમાં પિરિયોડિક ટેબલના 15 લેન્થેનાઇડ્સ, સ્કેન્ડિયમ અને યિટ્રિયમનો સમાવેશ થાય છે. આ ખનિજો 200થી વધુ ઉત્પાદનોમાં આવશ્યક ઘટકો છે, ખાસ કરીને હાઇ-ટેક ઉપભોક્તા ઉત્પાદનો જેવા કે: સેલ્યુલર ટેલિફોન, કમ્પ્યુટર હાર્ડ ડ્રાઇવ, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો, ફ્લેટ સ્ક્રીન મોનિટર અને ટેલિવિઝન આ ઉપરાંત, રેર અર્થ ખનિજો ડિફેન્સ એપ્લિકેશન્સમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે, ગાઇડન્સ સિસ્ટમ્સ, લેસર, રડાર અને સોનાર સિસ્ટમ્સનો સમાવેશ થાય છે.
ભારતે શું કરવું જોઈએ?
એક્સપર્ટ્સનું માનવું છે કે ચીનના આ પ્રતિબંધથી બચવા માટે ભારતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ઘરેલું ખનિજ શોધ અને ખનનને પ્રોત્સાહન આપવા ઉપરાંત, ભારતે વૈકલ્પિક સપ્લાય ચેઇન્સ વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ. આ સાથે, રિસાયક્લિંગ અને રેર અર્થ ખનિજોના વિકલ્પોની શોધ પણ મહત્વની બની રહેશે.